લાભકારક લીલું લસણ

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 11th March 2015 07:06 EDT
 
 

લસણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ મનાય છે, પણ અમેરિકન ડાયેટિક એસોસિએશન એવી ભલામણ કરે છે કે તમારે આરોગ્યની દૃષ્ટિએ લસણનો સૌથી વધુ લાભ લેવો હોય તો દરરોજ નિયમિત છથી દસ ગ્રામ એટલે કે બેથી ત્રણ કળી જેટલું લસણ દાળ-શાક, સૂપ અથવા સલાડમાં લેવું જોઈએ. અને તેમાં પણ લીલું લસણ હોય તો અતિ ઉત્તમ. ડાયેટિશ્યન્સ તો લસણને શિયાળાનું બેસ્ટ હર્બ ગણાવે છે. ગ્રીન ગાર્લિકમાં અમુક ખાસ વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન્સનું એટલું અદ્ભુત મિશ્રણ છે કે એનાથી શરીરની અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા વધી જાય છે.

અમેરિકાના વિજ્ઞાનીઓ ભલે હવે લસણના ગુણો ગણાવતા હોય, પણ ગુજરાતીઓ કદાચ વર્ષોથી લસણના ગુણ જાણે છે. આથી જ તો ગુજરાતની શિયાળુ વાનગીઓ - પછી તે બાજરીનો રોટલો હોય કે છડેલા પાંચ ધાનના ખીચડામાં ભારોભાર લીલું લસણ વપરાય છે. લીલા લસણને સીઝનનું ઉત્તમ ગાર્નિશિંગ હર્બ ગણાવાય છે તેનું એક કારણ એ છે કે એ વાનગીઓનો સ્વાદ વધારે છે અને ખાનારની સેહત પણ સુધારે છે.

ગંધમાં છે ગુણ

ઘણા લોકો કહેતા હોય છે કે લસણથી મોંમાં વાસ આવે છે, પણ એ ટિપિકલ ગંધને કારણે જ લસણ વધુ ગુણકારી બને છે. એકલું લસણ સૂંઘવામાં આવે તો નાકમાં દમ લાવી દે એવી સ્મેલ આવે છે જે એલિસિન નામના એક સલ્ફર તત્વને આભારી છે. સલ્ફર શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. ઠંડીમાં શરદી, કફ, ખાંસી, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની તકલીફો વકરવાની સૌથી વધુ શક્યતાઓ હોય છે ત્યારે સલ્ફરથી રોગપ્રતિકારક ક્ષમતા દૃઢ બને છે. મતલબ કે તમને દર સીઝનમાં શરદી થઈ જતી હોય, દમના હુમલા વધી જતા હોય કે શ્વસનતંત્રની સમસ્યાઓ અવારનવાર થતી હોય તો લીલા લસણનો વપરાશ કરવાથી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક) વધે છે.

અદ્ભુત એન્ટિ-બાયોટિક

શરીરમાં કોઈ પણ જગ્યાએ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય ત્યારે લસણનો વપરાશ દવાનું કામ કરી શકે છે. મોટા ભાગે ઇન્ફેક્શન થાય ત્યારે સાથે આસપાસમાં સોજો અને લાલાશ પણ આવી જાય છે. સૂકા લસણ કરતાં લીલા લસણની કળીમાં વધુ કુદરતી ફોર્મમાં એન્ટિ-બાયોટિક અને સોજો ઘટાડનારાં કેમિકલ્સ રહેલાં છે. પેટમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે શરીરમાં અન્ય કોઈ જગ્યાએ, લીલું લસણ એ બન્નેમાં ફાયદો કરે છે.

લોહી વધારે લસણ

શિયાળાને સેહત બનાવવાની ઋતુ કહેવાય છે. સેહત એટલે કે શરીરને ડીટોક્સિફાઇ કરીને રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવાની આ સીઝન છે. શરીરમાં હીમોગ્લોબિન અને રક્તકણોની સંખ્યા વધે તો આપમેળે ઇમ્યુનિટી સુધરે. એનિમિયામાં પણ ફાયદો કરી શકે એવા ગ્રીન ગાર્લિક વિશે આહાર નિષ્ણાતો કહે છે કે ભલે એની કળી અને પાછળની લીલી પાંદડી દેખાવમાં નાની લાગતી હોય, પણ એમાં જેટલી માત્રામાં આયર્ન છે એ સીધેસીધું લોહીમાં ભળી જઈ શકે એવું હોય છે. એનું કારણ છે લોહતત્વને લોહીમાં ભેળવવા માટે જરૂરી ફેરોપ્રોટીન પણ લસણમાં જ છે.

ગુજરાતી પરિવારો બાજરીનો રોટલો, ગોળ અને ઘીની સાથે લીલું લસણ ખાય છે તેના મૂળમાં આ જ કારણ રહેલું છે. ગોળ અને બાજરીમાં આયર્ન સારુંએવું હોય છે, પણ એને સુપાચ્ય અને લોહીમાં શોષાય એવું બનાવવા માટે લીલા લસણમાંનું ખાસ પ્રોટીન મદદગાર નીવડે છે.

હૃદય માટે હિતકારી

શરીરમાં બે પ્રકારનાં કોલેસ્ટરોલ હોય છે. સારા પ્રકારનું HDL એટલે કે હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન શરીરમાં વધે એ માટે લીલું લસણ ખૂબ અગત્યનો ફાળો ભજવે છે. એમાં રહેલું મેન્ગેનીઝ ખનીજ લોહીમાંનું શરીરને નુકસાનકારક LDL કોલેસ્ટરોલ ઘટાડે છે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી HDL કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે છે. જેમ ખરાબ કોલેસ્ટરોલ ઓછું હોય એ જરૂરી છે એમ સારું કોલેસ્ટરોલ પણ પૂરતી માત્રામાં હોય એ હાર્ટની કાર્યક્ષમતા ટકાવી રાખવા માટે જરૂરી છે.

લસણ અન્ય લાભ

મૂડ-સ્વિંગ્સમાં નર્વ ટોનિક: શિયાળામાં વધુ ઊંઘ આવે છે, ડિપ્રેશન અને એકલવાયાપણું વધુ ફીલ થાય છે. વિન્ટર બ્લુ, લો ફીલ થવું અને હળવા ડિપ્રેશન જેવા સાઇકોલોજિકલ ડિસઓર્ડરમાં પણ લીલા લસણમાં રહેલું વિટામિન B6 અને મેન્ગેનીઝ ખનીજ નર્વ ટોનિક ગણાય છે. એનાથી સંવેદનાતંત્ર સતેજ બને છે. પૂરતા આયર્નને કારણે લોહીમાં ઓક્સિજનનું વહન સુધરતું હોવાથી સ્ફૂર્તિ અનુભવાય છે.

હાઇપોથાઇરોઇડ: લસણમાંથી આયોડિન પણ મળે છે. આથી આયોડિનની ઊણપને કારણે થાઇરોઇડ ગ્રંથિની કાર્યક્ષમતા ખોરવાઈ હોય અને હાઇપોથાઇરોઇડની તકલીફ હોય તો લીલા લસણથી લાભ થાય છે.

એન્ટિ-કેન્સરસ: કયા કારણોસર અને કોને કેન્સર થશે એ બાબતે હજી વિજ્ઞાન સ્પષ્ટ નથી થયું ત્યારે કેન્સરના કોષો સામે લડે એવાં એન્ટિ-ઓક્સિડન્ટ કેમિકલ્સનું સેવન વધુ હિતકારી ગણાય. લસણમાં વિટામિન C, વિટામિન B6 અને ઉડ્ડયનશીલ કેમિકલ્સ શરીરમાંનાં ફ્રી કોષોનું ઓક્સિડેશન થતું અટકાવવામાં મદદ કરે છે.

ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન: શરીરમાં હીમોગ્લોબિન વધારવામાં તેમ જ નર્વ સિસ્ટમ સતેજ કરવામાં મદદ કરતા પોષક તત્વો હોવાથી જે પુરુષોને શિશ્નોત્થાનની સમસ્યા હોય એમાં પણ એ લાંબા ગાળે ફાયદો કરાવે છે.

કઈ રીતે ખાવું બેસ્ટ?

એની ટિપિકલ વાસને કારણે એને કાચું ખાવાનું આપણે પસંદ નથી કરતા, પણ જો મેડિસિન તરીકે લેવું હોય તો કાચું લસણ સલાડ કે સૂપમાં ભભરાવીને લેવામાં આવે એ બેસ્ટ કહેવાય. આ સિવાય આદું, ફુદીના, કોથમીરની ચટણીમાં લીલું લસણ વાટીને લેવામાં આવે તો એનાથી ફૂડની ફ્લેવર પણ વધે છે અને વાસની સમસ્યા એટલી પેદા નથી થતી. બાકી પરાઠા, થેપલાં કે બાજરીનાં ઢેબરાં જેવી આઇટમોમાં પણ ભરપૂર માત્રામાં લીલું લસણ સમારી કે વાટીને નાખવામાં આવે તો પણ એનાં પોષક તત્વો જળવાઈ રહે છે. એને તેલ-ઘીમાં સાંતળીને ખાવામાં આવે તો એનાથી સલ્ફર કેમિકલ ઊડી જતું હોવાથી અસરકારકતા ઘણી ઘટી જાય છે. કોઈ પણ વેજિટેબલ સૂપમાં ઉપરથી ભભરાવીને કે ક્રશ કરીને લઈ શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter