વિશ્વભરમાં દર વર્ષે લીવર કેન્સરથી 7 લાખ લોકોના મોત થાય છે પરંતુ તબીબ જગતના વિખ્યાત મેગેઝિન ‘લેન્સેટ’નો રિપોર્ટ જણાવે છે કે આ પૈકી 60 ટકા લોકોના મોત અટકાવી શકાય છે - જો સમયસર ચાર કારણો પર કાબૂ મેળવી લેવામાં આવે તો. આ ચાર કારણો ક્યા? હેપેટાઈટિસ બી અને સી વાયરસ, આલ્કોહોલ સંબંધિત લીવર બીમારી અને મેદસ્વીતા સાથે સંકળાયેલી ફેટી લીવર બીમારી.
દર વર્ષે વિશ્વભરમાં લગભગ 9 લાખ લીવર કેન્સરના નવા કેસ નોંધાય છે, જે તેને છઠ્ઠા સૌથી સામાન્ય કેન્સર અને ત્રીજા ક્રમનું સૌથી ઘાતક કેન્સર બનાવે છે. ‘લેન્સેટ’માં પ્રકાશિત રિપોર્ટ જણાવે છે કે જો આ જ સ્થિતિ યથાવત્ રહી તો 2050 સુધીમાં આ આંકડો વાર્ષિક 15 લાખ સુધી પહોંચી શકે છે.
જાણો, લીવર કેન્સરના 4 સૌથી મોટા કારણો
• હેપેટાઇટિસ બી અને સી વાયરસઃ આ વાયરસ લીવરમાં બળતરા અને ઈજા પહોંચાડે છે. જો સારવાર યોગ્ય સમયે ન કરવામાં આવે તો તે સિરોસિસ અને પછી કેન્સરમાં ફેરવાઈ કરી શકે છે.
• આલ્કોહોલઃ તેનાથી લીવરમાં ચરબી જમા થાય છે. લોકો સપ્તાહમાં 10-15 ડ્રિંકનું સેવન કરે છે તેમના માટે તો બમણું જોખમ છે.
• મેટાબોલિક ફેટી લીવર ડિસીઝ: સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોમાં લીવરમાં ચરબી જમા થાય છે. સૌથી ગંભીર સ્વરૂપ MASH (મેટાબોલિક ડીસ્ફંકશન-એસોસિએટેડ સ્ટેટોહેપેટાઇટિસ) છે, જે કોઈપણ લક્ષણો વિના લીવરને નુકસાન
કરે છે.
• સિરોસિસઃ આ એક એવી સ્થિતિ છે જ્યાં સામાન્ય લીવરના કોષો ધીમે ધીમે હાર્ડ ટિશ્યુમાં પરિવર્તીત થતા જાય છે જેનાથી લીવરની કાર્યક્ષમતા ખતમ થઈ જાય છે.
લીવર કેન્સરથી કેવી રીતે બચી શકાય?
1) હાઈ રિસ્ક લોકોની સ્ક્રીનિંગ: ટાઈપ-2 ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોમાં ફાઈબ-4 ટેસ્ટથી લીવર સ્કારિંગની તપાસ કરી શકાય છે. આ ટેસ્ટ એક સરળ બ્લડ રિપોર્ટ સાથે કરાય છે અને તે બહુ મોંઘો પણ નથી.
2) મેટાબોલિક ડિસીઝ છે તો આ કરોઃ 5-10 ટકા વજન ઘટાડીને લીવરની ચરબી દૂર કરી શકાય છે. તાજેતરમાં વજન ઘટાડવાની કેટલીક દવાઓ પણ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આવું કંઇ પણ કરતા પહેલાં તમારા જીપીની સલાહ લઇ લો તે જરૂરી છે.
૩) દારૂથી તો સંપૂર્ણ દૂર જ રહોઃ જો મેદસ્વી લોકો અને ડાયાબિટીસના દર્દીઓ દારૂ પીવે છે, તો લીવર કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. તેથી આવા લોકોએ તો દારૂથી સદંતર દૂર જ રહેવું જોઇએ. અને આમ પણ આલ્કોહોલની ટેવ તો સારી નથી જ એટલે આનાથી તો બને તેટલું અંતર જાળવવું જરૂરી છે.
લીવરના સ્વાસ્થ્ય માટે 5 જરૂરી બાબતો
• વર્ષમાં એક વાર લીવર ફંક્શન ટેસ્ટ કરાવવું જરૂરી છે.
• તમારા જીપીની સલાહ લઇને હેપેટાઇટિસ બી રસી મુકાવો.
• રક્તદાન અથવા સર્જરી પહેલાં હેપેટાઇટિસનો ટેસ્ટ કરાવો.
• ફાસ્ટ ફૂડ અને શુગરનું સેવન મર્યાદિત કરો, કારણ કે તે લીવરમાં ચરબી વધારે છે.
• દરરોજ નિયમિતપણે ચાલવું, યોગ અથવા કસરત કરીને મેટાબોલિક સ્વાસ્થ્ય યોગ્ય રાખો.


