લેસ્ટરની ટીમ કોરોનાની આરોગ્ય પર અસરોનો ઊંડો અભ્યાસ કરશે

Saturday 11th July 2020 01:46 EDT
 

લેસ્ટરઃ કોરોના વાઈરસની આરોગ્ય પર લાંબા ગાળાની અસરો વિશેનો અભ્યાસ લેસ્ટરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લેસ્ટરની ટીમની આગેવાની હેઠળ ૮.૪ મિલિયન પાઉન્ડના ખર્ચ સાથેના PHOSP-COVID અભ્યાસમાં આશરે ૧૦,૦૦૦ પેશન્ટ ભાગ લેવાની ધારણા છે. સમગ્ર યુકેમાં કોવિડ-૧૯ની લાંબા ગાળાની શારીરિક અને માનસિક આરોગ્ય અસરો કેવી હશે તેના સઘન અભ્યાસમાં અત્યાધુનિક ઈમેજિંગ, ડેટા કલેક્શન તેમજ બ્લડ અને ફેફસાંના સેમ્પલ્સનું વિશ્લેષણ કરવામાં આવશે.

યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટ વચ્ચે ભાગીદારીમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ રિસર્ચ (NIHR) અને લેસ્ટર બાયોમેડિકલ રિસર્ચ સેન્ટર દ્વારા PHOSP-COVID નામે ઓળખાતા વિશદ્ અભ્યાસનો આરંભ કરવામાં આવ્યો છે. અભ્યાસ માટે NIHR અને યુકે રિસર્ચ એન્ડ ઈનોવેશન(UKRI) દ્વારા ૮.૪ મિલિયન પાઉન્ડની ફાળવણી કરાઈ છે. દર્દીઓના આરોગ્ય અને સાજા થવાની બાબતે કોવિડ-૧૯ની અસરોના મૂલ્યાંકન માટે યુકેના અગ્રણી સંશોધકો અને ક્લિનિશિયન્સની મદદ લેવાશે.

હેલ્થ અને સોશિયલ કેર સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌપ્રથમ આ અભ્યાસ યુકેના લાઈફ સાયન્સીસ અને રિસર્ચ સેક્ટરની દેણ બની રહેશે. તે લોકોને શક્ય તમામ ભાવિ સારવારની ચોકસાઈમાં મદદરુપ બનશે. આ અભ્યાસમાં આશરે ૧૦,૦૦૦ પેશન્ટ્સ ભાગ લેશે જે તેને પેશન્ટ્સ પર વાઈરસની લાંબા ગાળાની અસરો વિશે સૌથી મોટો અભ્યાસ બનાવશે. યુકેના હેલ્થ અને સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ દ્વારા આ અભ્યાસને તાકીદના પબ્લિક હેલ્થ રિસર્ચનો દરજ્જો અપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter