લોંગ કોવિડઃ કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા પછી પણ પડકારભરી જિંદગી

શેફાલી સક્સેના Wednesday 30th June 2021 06:20 EDT
 

લંડનઃ માર્ચ ૨૦૨૦માં યુકેમાં પ્રથમ લોકડાઉન લદાયું તે પહેલા વોરવિક યુનિવર્સિટીના લેક્ચરર સંજીવ પટેલ (૫૪) અને તેમના સમગ્ર પરિવાર (પત્ની, પેરન્ટ્સ અને બે બાળકો)ને કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હતું. ઘરમાં થોડા દિવસના એકાંતવાસ પછી પટેલ અને તેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કમનસીબે સંજીવને કોરોનાથી પિતા ગુમાવવા પડ્યા હતા. લંડનસ્થિત નીસડન ટેમ્પલના સ્વામીઓ દ્વારા તેમના ફ્યુનરલની વ્યવસ્થા કરાઈ હતી જેને સંજીવે ઝૂમ કોલ મારફતે નિહાળી હતી.

જોકે, કોવિડ સાથે સંજીવનો સંગાથ આટલે સુધીનો જ ન હતો. સંજીવ આજે પણ લોંગ કોવિડની અસર ધરાવે છે. મોટા ભાગના લોકો લોંગ કોવિડના લક્ષણોથી પીડાય છે અને તેને છુપાવે છે ત્યારે પટેલ કોમ્યુનિટીના પુરુષ સભ્ય સંજીવ પટેલે આગળ આવી ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં કોવિડ-૧૯ની પોતાની યાત્રા વર્ણવી હતી. Phosp-Covid રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ સંજીવ પર વિવિધ પરીક્ષણો સાથે કોન્વાલ્સન્ટ પ્લાઝમા ટ્રાયલ્સ કરાઈ હતી. યુકે સરકારે કોવિડને હાથ ધરાવા મુદ્દે ટીપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે ‘વાઈરસે મોટા ભાગની સરકારોને આશ્ચર્યમાં ઝડપી લીદી હતી અને યુકે તેમાં બાકાત નથી. રિશિ સુનાકે ફર્લો સ્કીમ દ્વારા બિઝનેસીસને નાણાકીય સપોર્ટની જાહેરાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે કોવિડ ટુંકા ગાળાની સમસ્યા નથી. વેળાસર વેક્સિન્સના ઓર્ડર્સ આપવા અને વેક્સિનેશન શરુ કરવાના નિર્ણયો ઘણા સારા હતા. હું બધાને ઝડપથી વેક્સિન લેવાનો અનુરોધ કરું છું.’ સંજીવ પટેલે NHS, ડોક્ટર્સ, નર્સીસ અને સ્ટાફ દ્વારા સંભાળ અને માયાળુ વ્યવહાર પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

રોજબરોજની પ્રવૃત્તિઓને વિપરીત અસર

કોવિડમાંથી બહાર આવ્યા પછી પણ હાંફ, ભારે નબળાઈ, કફ,ઉંઘની સમસ્યા, સાંધા અને છાતીમાં દુઃખાવો, ડિપ્રેશન, ભૂખ ન લાગવી, માથાનો દુઃખાવો, સ્વાદ અને સુગંધની પરખ ગુમાવવી સહિતની અસરો વધતાઓછાં અંશે યથાવત જણાય છે. ૩૫-૬૯ વયજૂથના લોકો, મહિલાઓ, સૌથી વંચિત વિસ્તારોના રહેવાસી, હેલ્ત અથવા સોશિયલ કેરના ક્ષેત્રોમાં કામ કરનારા તેમજ પ્રવૃત્તિને મર્યાદિત બનાવતી આરોગ્ય સમસ્યા ધરાવતા લોકોમાં લોંગ કોવિડની શક્યતા વધારે રહે છે. યુકેમાં ખાનગી ઘર-પરિવારોમાં આશરે ૬૭૪,૦૦૦ લોકોની રોજબરોજની પ્રવૃત્તિઓને લોંગ કોવિડના લક્ષણો વિપરીત અસર કરી રહ્યા છે જેમાંથી,૧૯૬,૦૦૦ લોકોએ તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ પર ભારે મર્યાદા આવી ગઈ હોવાનું જણાવ્યું છે.

પ્રોફેસર મહેન્દ્ર પટેલ PhD FHEA FIPA (India) FRPharmS અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના એથનિક માઈનોરિટી કોમ્યુનિટીઝ અને ફાર્મસી રિસર્ચના કો-ઈન્વેસ્ટિગેટરે સ્વીકાર્યું છે કે કોવિડની કોઈ સારવાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે લોંગ કોવિડના નિદાનાત્મક માપદંડો સંદર્ભે કોઈ આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ નથી. આ માત્ર તાવ અથવા સ્વાદ ગુમાવવાની બાબત નથી પરંતુ, સાઈકોલોજિકલ ફેરફારોની પણ નોંધ લેવી જોઈએ. કોવિડ પછીના દરેક લક્ષણોની નોંધ અને દેખરેખ રાખવી જોઈએ.

બાળકોમાં પણ લોંગ કોવિડ અવસ્થા

જે લોકો કોવિડ-૧૯ માટે પોઝિટિવ ટેસ્ટ થયા હોય તેમને સામાન્ય વસ્તીની સરખામણીએ લાંબા સમય સુધી તેના લક્ષણો જણાવાની આઠ ગણી શક્યતા રહે છે. જોકે, લોંગ કોવિડ માત્ર વયસ્કો સુધી મર્યાદિત નથી. ONSના આંકડા અનુસાર ૧૦૦ સંક્રમિતોમાંથી ૧૨-૧૬ વયજૂથની ૮ વ્યક્તિ હોય છે જેમને સંક્રમણ લાગ્યાના ત્રણ મહિના પછી પણ તેના લક્ષણો જોવા મળે છે. ૧૦૦ સંક્રમિતોમાંથી ૭ વ્યક્તિ ૨-૧૧ વયજૂથની જણાય છે. એક અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-૧૯ના લગભગ ૫ ટકા પેશન્ટ્સને સંક્રમણ લાગ્યાના એક વર્ષ પછી પણ સુંઘવાની ક્ષમતા પાછી આવી નથી. યુકેમાં આશરે ૩૭૬,૦૦૦ લોકોએ કોવિડની પ્રથમ શરુઆતના ૧૨ મહિના પછી પણ ભારે નબળાઈ સહિતના કેટલાક લક્ષણોની ફરિયાદો કરેલી છે. એક બાબતે નોંધ લેવી જરુરી છે કે ઈંગ્લેન્ડમાં બે મિલિયનથી વધુ લોકોને કોવિડ-૧૯ના એક અથવા વધુ લક્ષણો ઓછામાં ઓછાં ૧૨ સપ્તાહ સુધી જોવા મળ્યા છે.

NHS ની વિશેષ લોંગ કોવિડ સર્વિસીસ

 NHS દ્વારા ૧૦૦ મિલિયન પાઉન્ડની સારસંભાળના ભાગરુપે લોંગ કોવિડનો સામનો કરી રહેલા બાળકો અને યુવા લોકો માટે સ્પેશિયાલિસ્ટ લોંગ કોવિડ સેવાની સ્થાપના કરાઈ રહી છે. શ્વસનતંત્રની સમસ્યા અને નબળાઈ જેવા સામાન્ય લક્ષણો વિશેના નિષ્ણાતો સાથેના નવા ૧૫ પીડિયાટ્રિક કેન્દ્રોમાં સારવાર કરાશે, ફેમિલી ડોક્ટર્સને સલાહ અપાશે અથવા અન્ય સ્પેશિયાલિસ્ટ સર્વિસીસ અને ક્લિનિક્સમાં મોકલી અપાશે. આમાંથી ૩૦ મિલિયન પાઉન્ડ લોંગ કોવિડ ધરાવનારાના નિદાન અને સંભાળને સુધારવા GPsના ફાળે જશે. કેટલાક અંદાજો મુજબ રીહેબ અને અન્ય વિશિષ્ટ સારવારની જરુરિયાત ધરાવતા ૬૮,૦૦૦ સહિત ૩૪૦,૦૦૦ લોકોને લોંગ કોવિડ અવસ્થા માટે સપોર્ટની જરુર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter