લોકડાઉન વહેલું ખોલવા સામે લોકવિરોધઃ બ્રિટિશરોમાં કોરોનાફોબિયા યથાવત

Thursday 14th May 2020 14:03 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૧ એપ્રિલથી અમલી બને તે રીતે આંશિક છૂટછાટો સાથે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે પરંતુ, યુકેમાં મૃત્યુઆંક ૩૧,૮૦૦થી પણ વધ્યો છે ત્યારે લોકોમાં કોરોના વાઈરસ અંગેનો જે ભય છે તે દૂર થવા બાબતે આશંકા યથાવત છે. સમગ્ર યુરોપમાં યુકેમાં સૌથી વધુ મૃત્યુઆંક છે. એક પોલમાં જણાયું હતું કે લોકડાઉન હળવું કરાય ત્યારે પણ કામ પર પાછા ફરવાનો ઈનકાર કરવા દેવો જોઈએ તેમ ૧૦માંથી સાત વ્યક્તિએ જણાવ્યું હતું. બાળકોને શાળામાં નહિ મોકલવા મુદ્દે દંડ ન કરાવો જોઈએ તેમ માનનારા ૬૩ ટકા હતા. મહત્ત્વની વાત એ છે કે બે તૃતીઆંશ જેટલા લોકોના મતે લોકડાઉનનો અંત લાવવો વહેલું ગણાશે. મેઈલ ઓનલાઈન માટે રેડફિલ્ડ એન્ડ વિલ્ટન સ્ટ્રેટેજીસ દ્વારા કરાયેલા ખાસ રિસર્ચ અનુસાર કઠોર નિયંત્રણો વહેલા દૂર કરાશે તો તેની અસરો વિશે ૬૨ ટકા લોકો વધુ ચિંતિત છે. બીજી તરફ, ૩૮ ટકાએ ઈકોનોમી પર તેની ગંભીર અસર લાંબી ચાલવા વિશે ચિંતા દર્શાવી હતી.

સરકાર ભલે સલામત માનતી હોય પરંતુ, બસ અને ટ્રેઈન ડ્રાઈવર્સ, શિક્ષકો અને મેડિકલ સ્ટાફને કામે ચડવાના ઈનકારનો અધિકાર હોવો જોઈએ તેમ માનનારા આશરે ૭૦ ટકા હતા. બીજી તરફ, લોકો કામે ચડવાનું નકારે તેવી સ્થિતિમાં તેમની નોકરીએ જવાનું ચાલુ કરે તે થીઅરીની રીતે સાચું હોય તો પણ સરકારે તેમના વેતનને સબસિડાઈઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ તેમ ૬૨ ટકા લોકોએ જણાવ્યું હતું. જોકે, ૨૪ ટકાએ આવા પગલાંનો વિરોધ પણ કર્યો હતો.

ગ્લોબલ હેલ્થ એન્ડ ગવર્નન્સ ઓપિનિયન પ્રોજેક્ટના ભાગરુપે કરાયેલા ઓનલાઈન પોલમાં જણાયું છે કે આગામી સપ્તાહોમાં સરકાર માટે લોકવિરોધ મોટો અવરોધ બની રહેશે. લગભગ ૫૦ ટકાએ જણાવ્યું હતું કે જો લોકોને કામે ચડી જવાનો આદેશ કરાય તો તેઓ સ્ટ્રાઈકની કાર્યવાહીને સપોર્ટ કરશે. માત્ર ૧૬ ટકાએ આવો ટેકો નહિ આપે તેમ જણાવ્યું હતું. ટેકા અને વિરોધનું પ્રમાણ ટ્રેઈન અને ટ્યૂબ ડ્રાઈવર્સ માટે (૬૯ વિ. ૨૨ ટકા), શિક્ષકો માટે (૭૧ વિ. ૨૧ ટકા) તેમજ ડોક્ટર્સ અને નર્સીસ માટે (૭૩ વિ. ૧૯ ટકા) રહ્યું હતું.

બાળકોને શાળાએ મોકલવાના મુદ્દે કોરોના વાઈરસથી ભયભીત પેરન્ટ્સ હજુ સંતાનોને શાળાએ મોકલવા તૈયાર નથી. લગભગ બે તૃતીઆંશ લોકોએ શાળા ખોલાય ત્યારે બાળકોને શાળા મોકલવાના ઈનકાર બદલ તેમને દંડિત ન કરવા જોઈએ તેવો મત દર્શાવ્યો હતો જ્યારે, ૨૬ ટકાએ વિદ્યાર્થીઓની ગેરહાજરી માટે પેરન્ટ્સને દંડ કરવાનું યોગ્ય ગણાવ્યું હતું.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ચેતવણી અપાઈ છે કે ૨૦૨૦માં સમગ્રતયા ૧૪ ટકાની મંદીનો અંદાજ છે જેનાથી,કુલ આઉટપુટમાં ૩૦૦ બિલિયન પાઉન્ડ ધોવાઈ જશે અને ૩૦૦થી વધુ વર્ષમાં તે સૌથી ખરાબ મંદી બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter