લોકડાઉનમાંથી બહાર આવવું અને માનસિક આરોગ્ય

ડો. ચાંદની પૂજારા Wednesday 19th August 2020 05:43 EDT
 
 

લંડનમાં અને વિશેષ તો બરોઝમાં કામકાજને કોરોના વાઈરસથી ભારે માર પડ્યો છે ત્યારે માનસિક આરોગ્ય સેવાઓ સમક્ષ જનારા લોકોના વલણમાં ભારે બદલાવ જોવાં મળે છે. કેપિટલના કેટલાક વિસ્તારોમાં માનસિક બીમારીનું પ્રમાણ ઊંચું છે અને તે સામાન્યપણે BAME કોમ્યુનિટીઝની ઊંચી વસ્તી સાથે સંબંધ ધરાવે છે જેને આપણા જાણવા મુજબ કોવિડ-૧૯થી ભારે અસર થયેલી છે.
સંશોધન ચાલી રહ્યું છે છતાં, વર્તમાન ટ્રેન્ડ્ઝ દર્શાવે છે કે લોકડાઉનનો અંત આવી રહ્યો છે ત્યારે ચોક્કસ વિસ્તારોમાં માનસિક આરોગ્ય સેવા મેળવવા ઈચ્છતા BAME પશ્ચાદભૂ સાથેના લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. અમારી પાસે પહેલી જ વખત આવતા હોય તેવા લોકો વધી રહ્યા છે અને ખાસ કરીને ૪૦-૫૦ વયજૂથના લોકો પણ વધુ છે. ગત થોડા વર્ષોમાં અને ખાસ તો લોકડાઉન દરમિયાન ગત થોડાં મહિનામાં માનસિક આરોગ્ય અને સ્વસ્થતા વિશે ખુલ્લા દિલે વાત કરવાનું પ્રમાણ વધી રહ્યું છે તે ખુશીની બાબત છે. આમ છતાં, એ જાણવું ખાસ મહત્ત્વનું છે કે આર્થિક અસરો બહાર આવતી જાય છે ત્યારે લોકોના માનસિક આરોગ્ય પર મહામારી અને લોકડાઉનની લાંબા ગાળાની અસરો શું હશે.
મોટા ભાગના લોકો માટે લોકડાઉનમાંથી પસાર થવાનો માર્ગ શોધવામાં ઘણી ભાવનાત્મક ઊર્જા ખર્ચાઈ છે પરંતુ, આપણે થોડા ઘણા અંશે સામાન્ય જીવન તરફ પાછા ફરવાની આશા-અપેક્ષા સાથે તેમાંથી બહાર આવી શક્યા છીએ. મહામારી જેમ આગળ વધતી ગઈ તેમ આપણને આપણું નવું સામાન્ય જીવન કેવું હશે તે સમજાતું ગયું છે અને ઘણા લોકો માટે તે ભારે તણાવનું કારણ બની શકે છે. નિયંત્રણો હળવાં થવાં સાથે લોકોનો સૌથી સામાન્ય પ્રતિભાવ ભય અને ચિંતાતુરતાનો હોઈ શકે છે. કોમ્યુનિટીમાં વાઈરસ હજુ પણ ઝળુંબી રહ્યો છે ત્યારે ઘણા લોકોને વાઈરસથી બીમારી લાગી જવાનો ભય રહેશે, કેટલાકને પોતાના સ્નેહીજનોને ચેપ લાગી જવાનો ભય રહેશે.
એક બાબત સમજવી મહત્ત્વની છે કે આ સંપૂર્ણપણે નોર્મલ રિસ્પોન્સ છે અને ગાઈડલાઈન્સનું પાલન કરીને જ લોકો તે જોખમનો સામનો કરી શકે છે. આપણે એ સ્વીકારવું જ જોઈએ કે દરેક સમયે આપણે બદલાવમાંથી પસાર થઈએ છીએ, આપણે એક સમયે નિયમિત કરતા હતા તેના તરફ પાછા ફરવાનું હોય ત્યારે પણ તે આપણને અસામાન્ય અને ભયપ્રેરક લાગશે અને તેનાથી નર્વસનેસ પણ આવી શકે. આનું કારણ એ છે કે આપણે લાંબો સમય તે કર્યું નથી અને તેનાથી શું લાગશે તે ભૂલી ગયા છીએ જેમકે, ફરી કામ પર જવું અથવા શોપ્સ પર જવું અને ફેસ માસ્ક પહેરવો વગેરે. આવી લાગણી સામાન્ય છે અને સહિષ્ણુતા દર્શાવવા તેમજ તબક્કાવાર તે કામગીરી કરતા રહેવાથી, ભલે તે તમારું કામકાજ હોય કે તમારું સામાજિક જીવન હોય, તેના પર કાબુ મેળવી શકાશે.
આવા સમયે અન્ય લોકોના વર્તનથી ગુસ્સે કે હતોત્સાહ થવું અથવા તો તેમના વિશે ઝડપથી અભિપ્રાયો બાંધી લેવાનું સાવ સ્વાભાવિક છે પરંતુ, આવાં વિચારો અથવા અન્ય લોકો શું કરી રહ્યા છે તેમાં ખોવાયેલા ન રહેવાનું પણ મહત્ત્વપૂર્ણ છે. તમારી સ્વાભાવિકતા સાથે જીવનને વહેવા દેજો. અન્ય લોકોને આ બદલાવ સરળતાથી સ્વીકારતા જોઈને તમને પણ તમારી તૈયારી ન હોવા છતાં ઝડપથી આગળ વધવાનું દબાણ ઉભું થાય છે. ઘણા લોકો માટે લોકડાઉનનો સમયગાળો ભારે શાંત અને એકલતાભર્યો હતો. તમને ચોક્કસ બાબતો સુખકર ન લાગતી હોય તેને ઓળખવી પણ મહત્ત્વની છે. લોકડાઉનમાંથી બહાર આવતી વેળાએ શોપ્સની મુલાકાતો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ, ટ્રાફિક જેવી બાબતો તમને સ્તબ્ધ બનાવી શકે છે.
મોટા ભાગના લોકો માટે નવું નોર્મલ કે સામાન્યતાનો અર્થ એ છે કે આપણે રોજબરોજનો વિચાર કરવો પડશે. બાકીના વર્ષના બાકીના સમય અથવા કદાચ તેનાથી પણ વધુ સમયગાળા માટે આગાહી કરવી, આયોજનો કરવાનું ઘણું મુશ્કેલ બની રહેશે. આવી ક્ષણોમાં ફસાઈ જવાનું સહેલું હશે પરંતુ, તમે ગત મહિનાઓમાં જે શીખ્યા છો, હાંસલ કર્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે અને વર્તમાનમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જાગૃતિ અને ધ્યાન પણ સારા સાધન છે પરંતુ, પ્રયાસ કરવો અને હળવા થવાનું તેમજ તમે જેમનો વિશ્વાસ કરતા હો તેમની સાથે તમારી લાગણીઓ વિશે વાત કરવી તે પણ મહત્ત્વનું છે.
તમારી લાગણીઓનો સ્વીકાર કરવો અને તમે અન્યો તરફ જે કરુણા દર્શાવો તેવી જ કરુણા સાથે તમારી જાત સમક્ષ ખુલ્લા થવાનો અભિગમ રાખવાનું ભૂલશો નહિ. જો તમને મુશ્કેલ જણાતું હોય તો પ્રોફેશનલ પાસેથી સલાહ મેળવશો.
(ડો. ચાંદની પૂજારા લંડનમાં સાઈકિયાટ્રીના નિષ્ણાત છે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter