આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ પર નિયંત્રણ ધરાવે છે. આહારમાં આયર્ન – હેમ આયર્ન (પ્રાણીજ માંસ, પોલ્ટ્રી, માછલી વગેરેમાંથી મળે) અને વનસ્પતિજન્ય આયર્ન એમ બે પ્રકારે અસ્તિત્વ ધરાવે છે. વનસ્પતિજન્ય લોહતત્વની સરખામણીએ હેમ આર્યન ઝડપથી શોષાય છે અને તેથી લોહતત્વનો સારો સ્રોત ગણાય છે.
જૂના થયેલા લાલ રક્તકણોના બ્રેકડાઉનથી છૂટાં પડેલાં આયર્નનો પુનઃ ઉપયોગ થતો હોવાથી આહારમાં મળતી રોજિંદી જરૂરિયાત પૂર્ણ થાય છે. આમ છતાં, શરીર રિપ્લેસ કરાતાં આર્યનની સરખામણીએ તેનો ભારે ઝડપથી વપરાશ કરે છે ત્યારે લોહતત્ત્વની ઉણપ વધી જાય છે. આ અસમતુલા લાંબી ચાલે ત્યારે લાલ રક્તકણોની સંખ્યા અને હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે, જેને ‘આયર્ન-ડેફિસિયન્સી એનિમીઆ’ કહેવાય છે.
‘આયર્ન-ડેફિસિયન્સી એનિમીઆ’ ધરાવતી વ્યક્તિમાં સામાન્યપણે થાક, નબળાઈ, નિસ્તેજ ત્વચા, હૃદયના વધેલા ધબકારા, ચીડીયાપણું, ધ્યાન કેન્દ્રિત ન થવું, શ્વાસ કે હાંફ ચડવા, પરફોર્મન્સમાં ઘટાડો (શૈક્ષણિક અને કામધંધાકીય) જોવાં મળે છે, જે મુખ્યત્વે શરીરના ટિસ્યુઝને ઓછાં મળતા ઓક્સિજનના કારણે ઉદ્ભવે છે. બાળકો (5 વર્ષથી ઓછી વયનાં), સ્ત્રીઓ (ખાસ કરીને બાળજન્મ આપવાની વયની) અને સગર્ભાઓ તેમની વધેલી આયર્ન જરૂરતના કારણે વધુ જોખમમાં આવી જાય છે. સગર્ભા મહિલામાં આયર્નની ઉણપ કસુવાવડ અથવા માતા અને/અથવા બાળકના મોતનું જોખમ વધારે છે.
લોહતત્વની ઉણપથી સર્જાતો એનિમીઆ વિશ્વભરમાં સૌથી સામાન્ય એનિમીઆ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ અનુસાર વિકસિત અને વિકાસશીલ દેશોમાં થઈ આશરે 2 બિલિયન લોકો તેની અસર હેઠળ છે. ઘણા દેશોએ પ્રજનનીય વયની સ્ત્રીઓમાં આયર્ન-ડેફિસિયન્સી એનિમીઆનું પ્રમાણ વધ્યું હોવાનું જણાવ્યું છે. આનું મુખ્ય કારણ ‘સાઈઝ ઝીરો કલ્ચર’ છે જેમાં પાતળાં રહેવા માટે ઓછો અને અસંતુલિત આહાર લેવામાં આવે છે.
લોહતત્વની ઉણપ આયર્ન-ડેફિસિયન્સી એનિમીઆને પેશન્ટના ઈતિહાસ, લક્ષણો/નિશાનીઓ અને બ્લડ ટેસ્ટ (હિમોગ્લોબિન, આયર્ન, આયર્ન સેચ્યુરેશન અને ફેરિટિન સહિત ફૂલ બ્લડ કાઉન્ટ) મારફત સારી રીતે ઓળખી નિદાન કરી શકાય છે. એક વખત નિદાન કરાયા પછી લોહતત્વના સંગ્રહને પૂર્ણ કરવા અને હિમોગ્લોબિન લેવલને સામાન્ય બનાવવા માટેઃ
• લોહતત્વથી ભરપૂર આહાર વધુ લેવો (પાલક, બ્રોકોલી, લીલા પાંદડાદાર શાક, વેગન હો તો તોફુ, શાકાહારી અથવા પ્રાણીજ પ્રોટિન્સ) અથવા બ્રેડ્સ, સીરિઅલ્સ જેવાં આયર્ન ઉમેરેલા આહાર)
• આહારમાં લોહતત્વની બાયોઅવેલેબિવિટી વધારવા ભોજન દરમિયાન ઓરેન્જ જ્યૂસ જેવાં પીણાં લેવાં તેમજ ફીટેટ્સમાં સમૃદ્ધ અને બિનપ્રાણીજ આયર્નનું પ્રમાણ ઘટાડતા ચા, નટ્સ અને લેગ્યુમ-કઠોળશિંગ જેવા પદાર્થો ઘટાડવા જોઈએ.
• ફેરસ સલ્ફેટ જેવાં સપ્લીમેન્ટ્સ લેવાં જોઈએ. જોકે, ડોક્ટરની સલાહ અવશ્ય લેવી અને પાલન કરવું. આયર્નની તીવ્ર ઉણપ ધરાવતા પેશન્ટ્સ માટે ઈન્ટ્રાવિનસ આયર્ન ઈન્ફ્યુઝન/બ્લડ ટ્રાન્ફ્યુઝન જરૂરી બની શકે છે. જોકે, એક બાબતનું ધ્યાન રાખવું આવશ્યક છે કે લોહતત્વની ઉણપ તપાસતી વેળાએ માત્ર ઓછું પોષણ (નબળો કે ઓછો આહાર) જ નહિ, અન્ય નિમ્નલિખિત મહત્ત્વના કારણો-પરિબળોને પણ ધ્યાનમાં લેવાં જોઈએઃ
• આંતરડા દ્વારા ઓછું શોષણ (ક્ર્હોન્સ ડિસીઝ, શોર્ટ બાવેલ સિન્ડ્રોમ, વજન ઘટાડવાની સર્જરી), લોહી ઘટી જવું (જેમકે, અલ્સર્સ, પાઈલ્સ, અલ્સરેટિવ કોલાઈટિસ, ભારે માસિક સ્રાવ, અને સંખ્યાબંધ ગર્ભાવસ્થા)
• ઈન્ફેક્શન (જેમકે, હૂક વર્મ – આંકડી કૃમિ)
• ઈન્ફેલેમેશન – આંતરિક સોજાઃ (જેમકે, ક્રોનિક કિડની ડિસીઝ, અથવા કન્જેસ્ટિવ હાર્ટ ફેઈલ્યોર)
• કેન્સર (જેમકે, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ, લ્યુકેમિયા)
• વારસાગત લાલ રક્તકણોની વિકૃતિઓ (જેમકે, થેલેસેમિઆ/સિકલ સેલ (જ્યાં એનિમીઆ આયર્ન-ડેફિસિયન્સી એનિમીઆનું સ્વરૂપ દર્શાવે છે).
લોહતત્વની ઉણપ શરીર માટે જોખમી છે તે રીતે જ તેનું પ્રમાણ વધારે હોય (વધુપડતા સપ્લીમેન્ટ્સ લેવાં, અનેક વખત બ્લડ ટ્રાન્ફ્યુઝન્સ, વારસાગત સ્થિતિઓ) તે પણ આરોગ્ય માટે નુકસાનકારક છે. લોહતત્વને શરીરમાંથી (પરસેવા કે મળ-મૂત્રત્યાગ દ્વારા) બહાર ફેંકી શકાતું ન હોવાથી વધારાનું આયર્ન શરીરમાં પ્રવેશે ત્યારે કોષો, ટિસ્યુઝ અને અવયવોને નુકસાન પહોંચાડે છે અને વેળાસર જાણ ન થાય તો જીવલેણ પણ નીવડે છે. શરીરમાં આયર્ન સાથે સંયોજાઈ તેને બહાર ફેંકી શકે તેવા સંયોજનોના ઉપયોગથી વધારાના લોહતત્વને શરીરમાંથી બહાર કાઢી શકાય છે.