વજન ઉતારવું છે? નિયત સમયે જમો, નિયત સમયે ઊંઘો

Wednesday 27th October 2021 10:26 EDT
 
 

ભોજન માટેનો શ્રેષ્ઠ સમય કયો? એવું પૂછવામાં આવે તો તરત જ આપણે કહીશું કે ભૂખ લાગે ત્યારે. પૌરાણિક સમજ પ્રમાણે એ ખૂબ જ સાચી વાત છે, પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને કારણે આપણા શરીરનો ભૂખ લાગવાનો સમય પણ બદલાઈ ગયો છે. મોટા ભાગના કિસ્સાઓમાં તો જ્યારે ભૂખ લાગે છે એ શરીરની જરૂરિયાત માટેની નહીં, પણ જીભના ચટાકા પૂરા કરવા માટેની ભૂખ હોય છે. આજે આપણે આ જ વાતને જરા વિગતવાર સમજશું.
અમેરિકન સંશોધકોએ લોકોની ખાવાની આદતો પર ઊંડો અભ્યાસ કરીને તારવ્યું છે કે છેલ્લાં વીસ વર્ષમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે એની પાછળનું મુખ્ય કારણ ઊંઘવાના અને જમવાના સમયમાં અનિયમિતતા છે. આ રિસર્ચરોનું કહેવું છે કે ડાયેટિંગ દરમિયાન જે લોકો નિયત સમયે ઊંઘે છે અને નિયત સમયે જ જમે છે તેમને વેઇટ ગેઇનનું રિસ્ક રહેતું નથી.
• પરંતુ નિયત સમયે જમવું એટલે શું?
ડાયેટિંગ દરમિયાન રોજની ખાવાપીવાની અને ભૂખની પેટર્ન અનુસાર અમુક ચોક્કસ સમયે જ જમવું. રોજ સવારે નવ વાગ્યે બ્રેકફાસ્ટ અને એક વાગ્યે જમવાનું નક્કી કરો તો એ સમયને વળગી રહો. એક દિવસ બ્રેકફાસ્ટ આઠ વાગ્યે લો અને જમવામાં બે-અઢી થઈ જાય એ ન ચાલે. ચોક્કસ સમયે જમવાથી બોડીની બધી જ સિસ્ટમ એ મુજબ ટેવાય છે. છેલ્લા એક દસકાથી એવું કહેવાતું આવ્યું છે કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી કે પછી વારંવાર ખાધા કરવાથી વજન વધે છે. આ વાતમાં હવે ઉમેરો થયો છે કે દર ત્રણ-ચાર કલાકે અમુક ચોક્કસ સમયે જ વ્યક્તિએ ખાવું જોઈએ.
સંશોધકોનું કહેવું છે કે સમયની નિશ્ચિતતાને કારણે બોડીની ભૂખ લાગવાની ક્રિયા નિયમિત થાય છે. કોઈ પણ રોગની શરૂઆત પેટથી જ થાય છે એટલે જો પાચનતંત્રની વ્યવસ્થા જળવાય તો આપમેળે લિવર, પ્રેન્ક્રિયાસ, કિડની જેવા મહત્ત્વના અવયવોની કામગીરીનું નિયમન પણ જળવાય છે. વજન ઉતારવા માટે ડાયેટ શિડ્યુલમાં માત્ર હેલ્ધી ચીજો હોય એટલું જ પૂરતું નથી, ખાવાનો સમય પણ હેલ્ધી અને રોજિદો હોય એ જરૂરી છે. નિયમત સમયે ખાવા માટે શું કરવું? એક, નિયત સમય સિવાય આડાઅવળા સમયે જરાય આચરકૂચર ખાવું નહીં. બીજું, નિશ્ચિત સમયે ખાવાનું ક્યારેય ટાળવું નહીં, ભલે ભૂખ હોય કે ન હોય. ને ત્રીજું, નિયત સમયે સૂવું.
• આડાઅવળા સમયે ન ખાવું
અમેરિકન સંશોધકોએ મેદસ્વીઓમાં વારંવાર કંઈક ને કંઈક ખાતા રહેવાની આદત નોંધી હતી. સામે ભાવતી ચીજ પડી હોય તો આપણે ભૂખ હોય કે ન હોય, આપણને એ ચીજ ખાવાની ‘ભૂખ’ લાગી જાય છે. એ ખરેખર તો જીભનું ટેમ્પેટેશન હોય છે ને એને કારણે શરીરને જરૂર ન હોય એ સમયે ખોરાક મળે છે. એ વખતે જઠરમાં યોગ્ય ડાયજેસ્ટિવ એસિડ જમા નથી થયો હોતો. આવા સમયે ખાધેલી ચીજ બરાબર પચતી નથી. જેનું પાચન થાય છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થઈને લોહીમાં જમા થઈ જાય છે. જો અમુક સમય સુધીમાં ઇન્સ્યુલિન વડે એનું એનર્જીમાં રૂપાંતર ન થાય તો આખરે એ ચરબીમાં રૂપાંતર થાય છે.
• બે ભોજન વચ્ચે મોટો ગેપ
ડાયેટિંગની મોટી ભૂલ એ છે કે લાંબો સમય ભૂખ્યા રહેવું. એનાથી શરીરની તમામ વ્યવસ્થાઓની સાથે હાડકાં અને સ્નાયુઓને પણ નુકસાન થાય છે. શરીર ચલાવવા માટે સતત એનર્જી અને ચોક્કસ પોષકતત્ત્વો જોઈએ છે. લાંબો સમય સુધી ખાવામાં ન આવે તો એનર્જી લેવલ ઘટે છે. છતાં કેમેય કરીને શરીર ચલાવવા માટે શરીરના તમામ અવયવો પર સ્ટ્રેસ આવે છે. સ્નાયુઓ તૂટીને ધીમે-ધીમે એનર્જી મળતી રહે છે, પણ એનાથી સ્નાયુઓ અને અવયવોની કાર્યક્ષમતાને પહોંચેલું નુકસાન તરત મિટાવી શકાતું નથી.
• સૂવામાં નિયમિતતા
ડાયેટિંગ દરમિયાન શરીરને પૂરતો આરામ આપવો જરૂરી છે. જોકે ઉપર કહ્યું એમ જો કુદરતી ભૂખની સાઇકલ ગોઠવવી હોયતો સમયસર ઊંઘ લેવી જરૂરી છે. જાગ્રત અવસ્થા દરમિયાન સતત કાર્યરત રહેતા અવયવોમાં આપણે ઊંઘીએ ત્યારે મેઇન્ટેનન્સનું કાર્ય ચાલતું હોય છે. જેમ આપણું ઘર સાફ કરવાનું હોય તો પહેલાં આપણે અભરાઈઓ, કબાટો, દીવાલો સાફ કરીએ છીએ ને પછી ફ્લોરિંગ ક્લીન કરીએ છીએ એ જ રીતે વારાફરતી અવયવોની સફાઈ કામગીરી અને પછી આરામ ફરમાવવાનો સમય હોય છે.
રોજ એક ચોક્કસ સમયે જ ઊંઘી જવામાં આવે તો અવયવોની ક્લિનીંગ પ્રોસેસ પણ જળવાઈ રહે છે. આથી જ જો દિવસે સમયસર ભૂખ લાગે અને નક્કી કરેલા સમયે ખાઈ લેવાની આદત પડે એવું કરવું હોય તો સૂવા અને ઊઠવાના સમયમાં પણ નિયમિતતા જાળવવી પડે.
એક દિવસ દસ વાગ્યે સૂવાનું અને બીજા દિવસે બે વાગ્યે, એમ કરવાથી અવયવોની કાર્યક્ષમતા નબળી પડે છે ને પાચન બગડતાં ચરબીનો ભરાવો વધવાનું રિસ્ક વધી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter