વજન ઘટાડવા આહારમાં કેલરીનું પ્રમાણ ઘટાડવું જરૂરી

(હેલ્થ બુલેટિન)

Sunday 29th November 2026 04:47 EST
 
 

વજન ઘટાડવા આહારમાં
કેલરીનું પ્રમાણ ઘટાડવું જરૂરી

શરીરનું વજન વધારે રહે તે આરોગ્ય માટે નુકસાનકારી હોવામાં કોઈ વિવાદ નથી. વજન ઘટાડવા માટે અનેક અને નીતનવી પદ્ધતિઓ કે ઔષધો બજારમાં આવતાં જ રહે છે, પરંતુ સમયની એરણ પર એકજ પદ્ધતિ કારગર પુરવાર થઈ છે અને તે આહારમાં કેલરીનું ઓછું પ્રમાણ લેવાની છે. તમે ઈન્ટરમિનેન્ટ-એકાંતરા ઉપવાસ કરતા હો, તમારા આહાર લેવા પર ધ્યાન રખતા હો અથવા તો GLP-1 દવાઓ લેતા હો, તમે દાયકાઓથી અસ્તિત્વમાં રહેલા આહાર-વિજ્ઞાનના એક જ સિદ્ધાંતને અનુસરો છો અને તે કેલરીમાં ઘટાડો કરવાનો છે. આપણું શરીર શ્વાસોચ્છવાસ, રકતપ્રસાર, ઉષ્ણતામાન જાળવવા સહિત અનેક કામગીરી કરે છે અને તે માટે પૂરતાં પ્રમાણમાં ઊર્જા આવશ્યક હોય છે, જેનું માપ કેલરી છે. માનવીની વય, જાતિ, કદ અને જિનેટિક્સને આધારિત કેલરી બળવાની માત્ર અલગ અલગ રહે છે. તમારા ખોરાકનું પાચન થાય, હલનચલન થાય, કસરત કરો કે દિવસ દરમિયાન અન્ય કામગીરી કરો તેની પાછળ કેલરી વપરાય છે. જોકે, મોટા ભાગે વ્યક્તિ દ્વારા લેવાતી કુલ કેલરીના 60થી 70 ટકા જ બળે કે વપરાય છે જ્યારે બાકીની ઊર્જાનો ચરબી તરીકે સંગ્રહ થાય છે. તમે શરીર દ્વારા વપરાશથી ઓછી કેલરી લેતા હો ત્યારે કેલરીમાં ઘટ સર્જાય છે અને આ ઘટ શરીરમાં ચરબી સ્વરૂપે સંગ્રહિત કેલરીમાંથી પૂરી થાય છે. કેલરીમાં આવા ઘટાડાથી શરીરનું વજન ઘટે છે. વજનમાં ઘટાડો પણ સલામતપણે થવો જોઈએ. સામાન્ય રીતે, સ્નાયુઓને જાળવવા અને વજનમાં ઘટાડો ટકી રહે તે માટે સપ્તાહમાં 1થી 2 પાઉન્ડ (આશરે 455થી 950 ગ્રામ) જેટલું વજન ઘટાડવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે શરૂઆતમાં રોજિંદી 500 કેલરી ઓછી લઈ શકાય અને પાછળથી જરૂર પડે વધારો કે ઘટાડો કરી શકાય છે. વજન ઝડપથી ઘટાડવામાં આવે તો શરીર ઊર્જા માટે માત્ર ચરબીનો જ વપરાશ કરતું નથી, સાથોસાથ સ્નાયુઓનું દળ પણ ઘટે છે. સ્નાયુઓ ઘટે તો મેટાબોલિક શક્તિ પણ ઘટે અને લાંબા ગાળે વજનમાં ઘટાડો જાળવી શકાતો નથી. ભારે સ્થૂળતા ન હોય તેવા પુરુષ માટે (1,500 થી 1,800) અને સ્ત્રી માટે (1,200 થી 1,500) સરેરાશ દૈનિક કેલરીની જરૂર રહે છે. જો વધુ પ્રવૃત્તિ હોય તો કેલરીની જરૂર વધે છે. કસરતને શરીરનું આરોગ્ય જાળવી રાખવાના સાધન તરીકે ગણવી જોઈએ, વજન ઘટાડવાના સાધન તરીકે નહિ. આ સાથે તમારે ઓછી ચરબી, ફળો-શાકભાજી, પૂરતું પ્રોટીન અને આરોગ્યપ્રદ કાર્બોહાઈડ્રેટ્સ સાથેનો સંતુલિત આહાર પણ લેવો જોઈએ.

•••

યુવા પેઢીમાં કોલોરેક્ટલ કેન્સરનું વધતું પ્રમાણ

નેચર મેડિસીન જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર 1990ના દાયકાની મધ્યથી 50 વર્ષથી નીચેના યુવા લોકોમાં કોલોરેક્ટલ- આંતરડાના કેન્સરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વયોવૃદ્ધ લોકોની સરખામણીએ યુવા લોકોમાં કોલોરેક્ટલ કેન્સરમાં જિનેટિક અને સ્ટરક્ચરલ તફાવતો જણાય છે જેના કારણે કેન્સર વધુ આક્રમક અને સારવારનો પ્રતિકાર કરનારું બને છે. અભ્યાસમાં 29 અને 90 વર્ષથી વધુ વય સહિતની વચ્ચેના લોકોમાં કોલોરેક્ટલ ટ્યુમર્સની સરખામણી કરવામાં આવી હતી. સંશોધકોએ 189 ટ્યુમર્સ (50 વર્ષથી ઓછી વયના પેશન્ટના 54 તેમજ 50 વર્ષથી વધુ વયના પેશન્ટના 135 ટ્યુમર)નું વિશ્લેષણ કર્યું હતું. તેમણે દરેક વયજૂથ સાથે સંકળાયેલા તફાવતોને ધ્યાનમાં લીધા હતા. યુવા લોકોમાં કનેક્ટિવ ટિસ્યુ સેલ્સનું પ્રમાણ ઊંચુ હતું જ્યારે વિકૃત કેન્સર કોષોનું પ્રમાણ થોડું ઓછું હતું. જોકે, ટ્યુમર્સના કનેક્ટિવ ટિસ્યુમાંથી ઝરતા સંયોજનો ઈમ્યુન સિસ્ટમને દબાવી દેનારા હતા અને તેના લીધે કેન્સરના કોષોને રક્ષણ મળતું હતું. આ ઉપરાંત, કનેક્ટિવ ટિસ્યુ સેલ્સ કેમોથેરાપીની દવાઓને કેન્સરના કોષો સુધી પહોંચતા અટકાવતા હતા. આના પરિણામે, કેન્સરના કોષો વધુ ખતરનાક બનતા હતા. વૃદ્ધ દર્દીઓની સરખામણીએ યુવા પેશન્ટ્સમાં કેન્સરના કોષોમાં કોષથી કોષ વચ્ચે માહિતીપ્રદાન સંબંધિત પ્રવૃત્તિ વધી જવા સાથે કોષો સરળતાથી શરીરના અન્ય ભાગોમાં પહોંચી શકતા હતા. આ જિનેટિક પ્રવૃત્તિ કેન્સરના કોષોને વધુ આક્રમક બનાવવા સાથે શરીરમાં ઝડપથી ફેલાવાનું સરળ બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter