વડીલ વયે સતાવતી સમસ્યાઓ અને તેના ઉકેલ

Monday 03rd October 2022 12:06 EDT
 
 

જન્મથી મૃત્યુ સુધી માનવજીવનમાં અનેક પરિવર્તન આવે છે, જે એક ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે. આ તબક્કામાં બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનો સમાવેશ થાય છે. તેમાં જન્મથી માંડીને કિશોરાવસ્થા સુધી વ્યક્તિનો ઝડપથી વિકાસ થાય છે. યુવાવસ્થામાં આ વિકાસ ધીમો પડવા લાગે છે અને વૃદ્ધાવસ્થા સુધીમાં તો આ વિકાસ લગભગ અટકી જાય છે. વૃદ્ધાવસ્થા જીવનનો અંતિમ તબક્કો છે. તે શારીરિક અને સામાજિક અધોગતિનો સમયગાળો છે, જેમાં વ્યક્તિ માત્ર શારીરિક અને માનસિક રીતે જ નબળો નથી પડતો પણ સામાજિક અને આર્થિક રીતે પણ અશક્ત બની જાય છે. તેવામાં તેઓએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
• શારીરિક નબળાઈઃ ઉંમર વધતા વ્યક્તિનું શરીર નિર્બળ થતું જાય છે. ઈન્દ્રિયો પણ નબળી પડવા લાગે છે. આંખોની દૃષ્ટિ ઝાંખી પડવા લાગે છે. કાને ઓછું સંભળાય છે અને દાંતના પેઢાં નબળા પડે છે. આ ઉપરાંત શરીરને શક્તિ અને ગતિ આપનારા અવયવો જેમ કે પાચનશક્તિ, લોહીનું પરીભ્રમણ, શ્વાસોચ્છવાસની ક્રિયા વગેરે પણ નબળા પડતા જાય છે. શરીરમાં બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીસ અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે શરીરને કાર્યરત રાખવું જરૂરી છે. આ માટે ઘરના કામોમાં સહકાર આપો, રોજ હળવી કસરતો કરો, મેડિટેશન કરો અને થોડુંઘણું ચાલવાનું રાખો.
• માનસિક બીમારીને આપો માતઃ શરીર નબળું પડી ગયા પછી વૃદ્ધાવસ્થાની લાગણી વ્યક્તિમાં માનસિક નિરાશાનો સંચાર કરે છે. વૃદ્ધ વ્યક્તિ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ ખૂબ લાચારી અનુભવે છે. આ કારણે તેમનામાં હતાશા આવવા લાગે છે. આ ઉપરાંત વડીલોની સ્મરણશક્તિ નબળી પડતી જાય છે. શરીરિક કાર્યક્ષમતા ઘટવા અને સામાજિક નિકટતા ઓછી થતાં માનસિક રીતે તેઓ ચિંતાઓથી ઘેરાઈ જાય છે. આ બધી સમસ્યાથી બચવા માટે નિયમિત મેડિટેશન કરો અને મગજને કાર્યરત રાખો, મિત્રોને મળો, તમારી મનગમતી પ્રવૃત્તિ કરો, પોઝિટવ રહો અને હંમેશાં પ્રફુલ્લિત રહો.
• સંયુક્ત પરિવારનો અભાવઃ સંયુક્ત પરિવારમાં વડીલોની સારી રીતે સંભાળ લેવાય છે, પણ નાના પરિવારની વાત કરીએ તો મોટા ભાગના લોકો નોકરિયાત હોવાથી તેઓ તેમની નોકરીમાં વ્યસ્ત રહે છે. વડીલો ઘરમાં એકલા રહી જાય છે અને તેમની સારસંભાળ બરાબર લેવાતી નથી. તેના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંયુક્ત પરિવારમાં ઘણા સભ્યો હોવાના કારણે કોઈને કોઈ દ્વારા વડીલોની સંભાળ લેવાઈ જતી હોય છે. વળી, પરિવાર મોટો હોવાથી વાતચીત થતી રહેતી હોવાથી એકલવાયાપણાની લાગણી વર્તાતી નથી. સ્વજનો નિકટ હોવાની વાતે પણ હૂંફ અનુભવાય છે. દરેક વ્યક્તિ માટે સંયુક્ત પરિવાર સાથે રહેવાનું શક્ય બને જ તે જરૂરી નથી. તો પછી આનો ઉપાય શું? મિત્રવર્તુળ વિસ્તારો. તમે સમાન શોખ - વિચારસરણી ધરાવતા લોકોનું ગ્રૂપ પણ બનાવી શકો. સમયાંતરે એકબીજાને મળતા રહો. કોઇ સંસ્થાના સભ્ય બનો.
• મનોરંજનનો અભાવઃ પરિવારજનો સાથે રહેતા વડીલોને તો તહેવારો માણવાની તેમજ અન્ય કુટુંબીજનોને - મિત્રોને મળવાની તક મળતી રહે છે. લોકો સાથે સંપર્ક જળવાતાં મન પણ આનંદિત રહે છે. જોકે આજકાલના સમયમાં પરિવાર સાથે રહેવા છતાં કેટલાય વડીલો એકલતાના અનુભવ કરી રહ્યા છે. વર્તમાનમાં ઉત્સવોનું સ્થાન ધીમ ધીમે ટીવી લઈ રહ્યું છે. આ સંજોગોમાં પરિવાર સાથે રહેવા છતાં વડીલોમાં એકલતાનું પ્રમાણ વધી રહ્યું છે. વળી, જોવા અને સાંભળવાની શક્તિ નબળી પડવાને કારણે તેઓ ટીવી દ્વારા પણ પોતાની ઈચ્છા મુજબ મનોરંજન માણી શકતા નથી. જોકે અન્ય રીતે પણ તેઓ તેમનું મનોરંજન કરી શકે છે. વડીલો મિત્રો સાથે ગેટ ટુ ગેધર રાખી શકે છે અને નાની - મોટી પિકનિકનું પણ આયોજન કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter