વડીલો માટે ‘બ્રેન ટોનિક’ છે શતરંજઃ ફુરસદના સમયે શતરંજ રમો, તમારું દિમાગ તેજ રહેશે

Wednesday 30th September 2026 11:18 EDT
 
 

ઉનાળાનો આકરો તાપ હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ... દરેક મોસમ વધતા ઓછા અંશે વૃદ્ધોની મૂવમેન્ટ ઘટાડી દે છે. ગરમીમાં નાજુક ત્વચાને બળતરાનું જોખમ હોય છે, વધુ ઠંડી હોય તો બીમાર પડી જવાનો ખતરો અને ચોમાસામાં વરસાદ પડતાં લપસી પડવાનો ડર... સૌથી પહેલા તેમના ઘર બહાર આવવાજવા પર અંકુશ આવી જાય છે. આવા સમયે તેમની પાસે ઘરે પર્યાપ્ત સમય હોય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઘરમાં બેઠાં બેઠાં ટીવી જોયા કરવા કરતાં કે વિચારી વિચારીને મગજ ખરાબ કરવા કરતાં આ સમયનો ‘સદઉપયોગ’ કરીને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે.

ન્યૂરોસાયન્ટિસ્ટથી લઇને માનસિક આરોગ્ય સંબંધિત વિવિધ સર્વેનું તારણ છે કે વડીલો જો રોજ થોડો સમય શતરંજ જેવી રમત રમે તો મગજને એવી જ ચેલેન્જ મળે છે, જેવી શરીરને વ્યાયામ કરવાથી મળે છે. આનાથી યાદદાસ્ત, એકાગ્રતા અને માનસિક સક્રિયતામાં વધારો થાય છે. તમારું દિમાગ તેજ રહેશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ કહે છે કે 60 પછીની ઉમરે અઠવાડિયામાં 150 મિનિટ મગજની કસરત કરવી જોઈએ. આમાં શતરંજ જેવી રમતો વૃદ્ધો માટે ખરા અર્થમાં ‘બ્રેન ટોનિક’ સાબિત થઇ શકે છે.

શતરંજનું વિજ્ઞાન: ત્રિવિધ લાભ
1) અલ્ઝાઈમરનું જોખમ ઘટેઃ મેડિકલ જર્નલ ‘જામા’ના સંશોધન અનુસાર શતરંજ જેવી માનસિક ગેમ નિયમિત રમવાવાળા વૃદ્ધોમાં અલ્ઝાઈમરનો ખતરો ઓછો જોવા મળ્યો છે.
2) નિર્ણયશક્તિ વધેઃ શતરંજમાં દરેક ચાલ પહેલા વિચારવું પડે છે. પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ એક્ટિવ રહે છે. આનાથી ભૂલવાની આદત ઘટે છે.
3) એકલતા દૂર થાયઃ વરસાદમાં બહાર ન નીકળી શકો તો પૌત્ર કે પાડોશી સાથે 30 મિનિટ શતરંજથી વાતચીત અને રિલેક્સેશન જળવાય રહે છે. આ એક પ્રકારે ડિપ્રેશનની દવા જેવું છે.

કોને વધારે ફાયદો અને ક્યારે અટકવું
1) શતરંજ રમો: જેમને ભૂલવાની આદત પડી ગઈ છે. રિટાયર થઈને ખાલી બેઠા છે, મોસમના કારણસર કે ઘૂંટણમાં દુખાવાથી વોક બંધ છે તો અવશ્ય શતરંજ રમો.
2) સાવધાની: જો આંખોમાં કોઇ પ્રકારે તકલીફ હોય તો શતરંજ ન રમો. વરસાદમાં કંજક્ટિવાઇટિસનો ખતરો રહે છે. કમરનો દુખાવો હોય તો સતત બેસી રહેવાનું ટાળો.

વડીલો કેવી રીતે રમે? 5 સરળ ટ્રિક
• મોટું બોર્ડ લોઃ લાકડાનું મેગ્નેટ વાળું બોર્ડ ખરીદો. આનાથી મોહરાં પકડવામાં સરળતા રહે છે.
• 10 મિનિટ રૂલ: આખી ગેમ નથી આવડતી તો માત્ર વજીર, ઘોડો, હાથીની ચાલ દોહરાવો.
• ટાઈમર નહીં: એક ચાલમાં 2 મિનિટ વિચારો. હંમેશા યાદ રાખો કે આપના માટે જીત નહીં, વિચાર જરૂરી છે.
• પૌત્રને ટીચર બનાવોઃ 10-12 વર્ષના બાળકો આવી રમતો માટે બેસ્ટ ટીચર હોય છે. આપ વાર્તા સંભળાવો, તે ચાલ શીખવશે.
• કમર સીધી રાખોઃ ટેબલ-ખુરશી પર બેસીને રમો. દર 30 મિનિટ પછી 2 મિનિટ ઊભા થાઓ. થોડી મૂવમેન્ટ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter