વધુપડતા એનર્જી ડ્રિન્ક્સ આત્મઘાતી વિચારો લાવે

હેલ્થ બૂલેટિન

Friday 01st March 2024 08:15 EST
 
 

વધુપડતા એનર્જી ડ્રિન્ક્સ આત્મઘાતી વિચારો લાવે
બાળકો અને યુવાન લોકો આડેધડ એનર્જી ડ્રિન્ક્સ ગટગટાવે છે તેમના માટે ચેતવણીના સમાચાર છે. પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રસિદ્ધ વિશાળ અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે કે કેફિન અને સુગરનું ઊંચુ પ્રમાણ ધરાવતાં પીણા બાળકોનાં શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ શાળાના પરિણામો પર વિપરીત અસર પાડે છે. તેમના માથા અને પેટમાં દુઃખાવા થાય છે અને આત્મઘાતી વિચારો વધી જાય છે. સમગ્ર વિશ્વમાં 1.2 મિલિયન બાળકોને સાંકળતા 51 અભ્યાસોના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી આ સંશોધનમાં જણાવાયું છે કે છોકરીઓની સરખામણીએ છોકરાઓ ઉભરાદાર પીણાં વધુ પીએ છે. જે નાના બાળકો વધુપડતા એનર્જી ડ્રિન્ક્સ કે ઉભરાદાર પીણાં પીએ છે તેઓ ગેરકાયદે ડ્રગ્સ, હિંસા અને અસલામત સેક્સ જેવી જોખમી વર્તણૂંક કરતાં થવાની શક્યતા વધુ રહે છે. તેમના અભ્યાસના નબળાં પરફોર્મન્સ, ઊંઘવાની સમસ્યા, વ્યગ્રતા, હતાશા અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતોનું જોખમ પણ વધે છે.

•••

વજન ઘટાડવા દવા વિનાની ઈલેક્ટ્રોનિક વાઈબ્રેશન પિલ્સ
વિશ્વભરમાં સ્થૂળતાનું પ્રમાણ વધતું જાય તો સાથે જંક ફૂડ અને આહારની ખોટી આદતો પણ વધતી જાય છે. કસરત વિના જ ગોળીઓ કે સપ્લિમેન્ટ્સ લઈને વજન ઘટાડવાના ઉપાયો કારગર નીવડતા નથી ત્યારે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નઅને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના વિજ્ઞાનીઓએ વેઈટ-લોસની નવા પ્રકારની ઈલેક્ટ્રોનિક પિલ્સ તૈયાર કરી છે. આ ગોળીઓમાં કોઈ દવા નહિ હોય પરંતુ, પેટમાં જઈ તે વાઈબ્રેશન્સ ઉભા કરશે જેથી વ્યક્તિને જઠર ભરેલું હોવાની લાગણી ઉભી થાય અને ખોરાક લેવાનો ઘટી જાય. આ પિલ્સ જઠરના ‘સ્ટ્રેચ’ રિસેપ્ટર્સને ઉત્તેજિત કરશે જેથી ભૂખને દબાવતાં કેમિકલ સેરોટોનિનનો સ્રાવ થશે અને શરીરને એવો ભ્રમ થશે કે પેટ ભરેલું છે..ડુક્કરો પરના પ્રયોગમાં વિજ્ઞાનીઓને જણાયું હતું કે આ પિલ્સના કારણે બે સપ્તાહના ગાળામાં ડુક્કરોમાં ખોરાક લેવાનું પ્રમાણ 40 ટકા ઘટી ગયું હતું. ડુક્કર અને માનવીની પાચન સિસ્ટમ લગભગ સરખી છે. સાયન્સ એડવાન્સીસ જર્નલમાં પ્રસિદ્ધ સંશોધનથી માનવીઓમાં મેદસ્વિતાની સંભવિત સારવારનો માર્ગ મોકળો બન્યો છે. આ ઈલેક્ટ્રોનિક પિલ્સનું કદ 1x3 સેન્ટિમીટર છે અને તેમાં સિલ્વર ઓક્સાઈડ બેટરી છે અને જઠરમાં પહોંચતાની સાથે જ એક વખત વાઈબ્રેટ થાય છે. આ પિલ્સનો પ્રયોગ શ્વાનો પર કરાયા પછી માનવીઓ પર કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter