વારંવાર ગરમ કરેલું દૂધ પીવામાં જોખમ

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 03rd February 2016 05:01 EST
 
 

દૂધ એ સંપૂર્ણ આહાર ગણાય છે તે નિર્વિવાદ બાબત છે, પણ તેને ગરમ કરીને પીવું કે કાચું જ પીવું તે મુદ્દે મત-ભેદ યથાવત્ છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) એક અભ્યાસના આધારે એવું તારણ રજૂ કર્યું છે કે કેટલીક મહિલાઓ દૂધને વારંવાર ગરમ કરે છે અને એનાથી દૂધનાં પોષકતત્વો નાશ પામે છે. આઇએમએના નિષ્ણાતોનું કહેવું છે કે દૂધને ત્રણ મિનિટથી વધુ ગરમ ન કરવું જોઈએ, નહીંતર એમાં રહેલાં વિટામિન્સ ઊડી જાય છે.

બીજી તરફ, દૂધમાં બેક્ટેરિયાનો ગ્રોથ ખૂબ ઝડપથી થવાની શક્યતાઓ હોવાથી એને યોગ્ય રીતે ગરમ કર્યા વિના વાપરવું પાચનતંત્ર માટે નુકસાનકારક છે. આવા સમયે દૂધ ગરમ કરવું કે ન કરવું એ પણ એક દ્વિધા છે.

દૂધ વારંવાર ગરમ કરવાથી એમાં રહેલાં ન્યુટ્રિઅન્ટ્સ પર થતી અસર વિશે નિષ્ણાતો કહે છે કે દૂધને વારંવાર ઉકાળવામાં આવે તો એનાથી વિટામિન બી-૧૨ કે વિટામિન-ડી જેવાં પોષકત્વોની માત્રા ઘટે છે. એટલું જ નહીં, ભેળસેળવાળું દૂધ હોય ને એમાં કોઈ કેમિકલ્સ પણ હોય તો ગરમીને કારણે કેમિકલ પ્રક્રિયા વધુ તીવ્ર બને છે. રાસાયણિક દ્રવ્યો ગરમીમાં રિએક્ટ કરતાં હોય છે અને આપણને ખબર નથી હોતી કે દૂધમાં કયાં અને કેવા પ્રકારનાં રસાયણો વપરાયાં છે. આથી દૂધને વારંવાર ગરમ કરવાથી અંદરના બેક્ટેરિયા જ મરે છે એવું નથી, પરંતુ કેમિકલ રિએક્શન્સ પણ વધે છે.

દૂધ પેશ્ચરાઇઝ્ડ હોય એ તો મસ્ટ છે જ. આમ છતાં દૂધ વાપરતાં પહેલાં એક વાર એને ગરમ કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો પેટની તકલીફો થાય છે. દૂધમાં રહેલા જીવાણુઓથી ગેસ્ટ્રાઇટિસ, ડાયેરિયા, ડિસેન્ટરી જેવી તકલીફો થઈ શકે છે. લાંબા ગાળે કોલાઇટિસ પણ થઈ શકે છે. ક્યારેક કોલેરા જેવા પાણીજન્ય રોગો પણ થઈ શકે છે.

દૂધને ગરમ કરવું કે ન કરવું એ માટેની અસમંજસ બાબતે તબીબી નિષ્ણાતોનો એક વર્ગ કહે છે કે દૂધ ગરમ કરવું મસ્ટ છે. ભારતીય પરિવારોમાં જોવા મળતી દૂધને ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવાની જૂની પદ્ધતિ જ બેસ્ટ છે. કેટલાક લોકો ઊભરો આવ્યા પછી ચમચાથી હલાવી-હલાવીને લાંબો સમય સુધી ગરમ કર્યે રાખે છે, જે ઠીક નથી. બીજું, તાજું દૂધ લાવીને ગરમ કરીને વાપરી લેવું હિતાવહ છે. કેટલાક લોકો બે-ત્રણ દિવસનું દૂધ સાથે લાવીને ફ્રિજમાં મૂકી રાખે છે ને રોજ સવારે ગરમ કરીને ઉપયોગમાં લે છે તે પણ ઠીક નથી.

એક ગ્લાસ દૂધમાં રહેલાં પોષક તત્વો

• ૮ ગ્રામ પ્રોટીન અને ૧૧ ગ્રામ કાબોર્હાઇડ્રેટ

• ૧થી ૬ ગ્રામ ફેટ: એમાંથી ફેટ કેટલી દૂર કરવામાં આવી છે એના પર આધાર રહે છે

• ૦.૩ ગ્રામ કેલ્શિયમ: શરીરની જરૂરિયાતનો ૩૫ ટકા ડોઝ મળી જાય

• વિટામિન બી-૨ : શરીરની જરૂરિયાતનો ૨૫ ટકા ડોઝ

• ૧૨૦ મિલિગ્રામ વિટામિન બી૧૨: શરીરની જરૂરિયાતનો ૩૦ ટકા ડોઝ

• વિટામિન ડી: શરીરની જરૂરિયાતનો ૨૫ ટકા ડોઝ

• વિટામિન એ: શરીરની જરૂરિયાતનો ૧૦ ટકા ડોઝ

• ઝિન્ક: શરીરની જરૂરિયાતનો ૧૦ ટકા ડોઝ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter