વાળ ખરે અથવા પાતળા પડે તે પણ ડાયાબિટીસની શક્યતા દર્શાવે છે

Saturday 09th March 2024 06:48 EST
 
 

ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, ધીમા ઝેર જેવી આરોગ્યલક્ષી ગંભીર પરિસ્થિતિ છે જે શરીરને ખોખલું કરી નાખે છે. લાઈફસ્ટાઈલના લીધે પણ સર્જાતા ડાયાબિટીસમાં વ્યક્તિના લોહીમાં ખાંડનું પ્રમાણ ઊંચુ રહે છે જેના કારણે હૃદયના રોગો અને સ્ટ્રોકની સમસ્યાનો શિકાર બની જવાય છે. તમને નવાઈ લાગી શકે પરંતુ, ડાયાબિટીસના પ્રાથમિક લક્ષણો વ્યક્તિના વાળની હાલતમાંથી પણ જાણવા મળે છે.
હાર્લે સ્ટ્રીટ હેર ક્લિનિકના ડો. ગ્રેગ વિડા કહે છે કે ડાયાબિટીસના જાણીતા લક્ષણોમાં પેશાબ કરવામાં વધારો અને તરસ, થાક, વજનમાં ઘટાડો, દૃષ્ટિ ગુમાવવી અથવા ધૂંધળું દેખાવું સહિત કેટલાંક લક્ષણો અને કોમ્પ્લિકેશન્સ વિશે બધા જાણે છે પરંતુ, એક નહિ જાણીતું લક્ષણ વાળ ઓછાં થવાનું પણ છે. તેઓ કહે છે કે સુગરના ઊંચા પ્રમાણથી શરીરની રક્તવાહિનીઓને નુકસાન થાય છે જેના પરિણામે, વાળના મૂળિયાં-કોશિકાને પહોંચતો ઓક્સિજન પણ ઘટે છે અને વાળની વૃદ્ધિની સાઈકલમાં અવરોધ થવાથી વાળ સૂકાં અને પાતળાં પડી સમયાંતરે ખરવા લાગે છે.
ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીર ખોરાકને ઊર્જામાં ફેરવવામાં મદદરૂપ ઈન્સ્યુલિનના કોષો પર હુમલા કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોના શરીરમાં ઈન્સ્યુલિનના અભાવ અથવા તેની અપૂરતી કામગીરીના લીધે ખોરાકના પાચનથી તૈયાર થતાં ગ્લુકોઝને એનર્જીમાં ફેરવવામાં સંઘર્ષ કરવો પડે છે.
ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીરમાં પૂરતું ઈન્સ્યુલિન પેદા થતું નથી અથવા કોષો તેની સાથે બરાબર રીએક્શન્સ કરી શકતા નથી જેના પરિણામે, હૃદયરોગો અને સ્ટ્રોક્સ, ચેતાતંત્રને નુકસાનના કારણે સંવેદના અને પીડાનો અનુભવ ન થવો, પગમાં ગડગૂમડ, ઘા અને ચેપ થવાં સાથે યોગ્ય સારવાર ન થાય તો અંગો કપાવવા પડે, દૃષ્ટિમાં તકલીફ અને અંધાપો તેમજ કિડનીના સમસ્યાઓ જેવાં કોમ્પ્લિકેશન્સ સર્જાય છે.
ડો. ગ્રેગ વિડાના કહેવા અનુસાર જો તમારા શરીરમાં પૂરતું ઈન્સ્યુલિન તૈયાર થતું ન હોય તો ગ્લુકોઝ તમારા વાળની કોશિકાઓમાં પહોંચશે નહિ જેના પરિણામે, વાળની વૃદ્ધ અટકી જશે. વાળ ખરવા લાગે તે પહેલા કોશિકાઓ નિષ્ક્રિયતા કે આરામના તબક્કામાં પહોંચી જાય છે. જો વાળ ખરી રહ્યાં છે તેવું ધ્યાનમાં આવે ત્યારે સૌપહેલા તમારે જીપીની મુલાકાત લેવી જોઈએ. જોકે, વાળ ખરવાના અનેક કારણો છે જેમકે, તણાવ, હોર્મોન્સના સ્રાવમાં ફેરફાર, વંશાનુગત, વીટામિન્સની ઉણપ તથા અન્ય ઘણાં કારણો છે. પરંતુ, જો તમને ડાયાબિટીસના અન્ય લક્ષણોની સાથોસાથ વાળ ખરી રહ્યાં હોવાનું જણાય તો સંભવિત નિદાન માટે ડોક્ટરની સલાહ મેળવવી જોઈએ.
જો ડાયાબિટીસનું નિદાન થયું હોય અને વાળ ખરી રહ્યાં હોય કે પાતળાં પડી ગયા હોય તો સંભવિત સારવાર કરાવવા હેર લોસ સ્પેશિયાલિસ્ટને મળવાની સલાહ પણ ડો. વિડા આપે છે. ડાયાબિટીસના કારણે વાળ ખરતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય તમારી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનો છે. કસરત કરવાથી લોહીમાં વધેલી સુગરની માત્રા ઘટાડી શકાય છે તેમજ વાળની કોશિકાઓ સહિત શરીરના કોષોને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળતો રહે તેમાં સુધારો પણ થાય છે. જો બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે તો તમારા વાળ ફરી વધી શકે છે. જોકે, આ વૃદ્ધિ ધીમી જરૂર હશે. બ્લડ સુગર નિયંત્રણમાં રહેવાં છતાં, વાળ વધતા નથી તેમ જણાય તો તમારે હેર લોસ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter