વાસી રોટલીનું સેવન શરીરને ખૂબ લાભ કરાવશે

(હેલ્થ ટિપ્સ)

Saturday 23rd May 2026 07:44 EDT
 
 

રોટલી દરેક ભારતીયોના ઘરમાં બને છે. લંચ હોય કે ડિનર - ભારતીયો બન્ને સમય રોટલી ખાવાનું પસંદ કરે છે. તવામાંથી ગરમા-ગરમ ઉતરેલી રોટલી લોકોની ભૂખ વધારે છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે રાત્રે કેટલીક રોટલી વધે છે. આવી વાસી રોટલીને મોટા ભાગના લોકો ખાવાનું પસંદ કરતા નથી. અને ખાવામાં આવે છે તો પણ તેને ખાખરાની જેમ શેકી લઇને અથવા તો તળીને નાસ્તામાં ઉપયોગમાં લેવાય છે. જોકે મોટા ભાગના લોકો જાણતા નથી કે વાસી રોટલી સ્વાસ્થ્યનો ખજાનો છે. તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. જો તમે પણ આગલા દિવસની રોટલીનો વાસી ગણીને નિકાલ કરી નાંખતા હો તો તમારે જાણવું રહ્યું કે આવી રોટલી ખાવાના ઘણા ફાયદા છે. જેમ કે,
• પાચનમાં સુધાર: વાસી રોટલીમાં ફાઇબરની માત્રા વધી જાય છે. રાત્રે રાખવાથી તેમાં પ્રતિરોધી સ્ટાર્ચનો વિકાસ થાય છે, જે પેટના સારા બેક્ટેરિયા (પ્રીબાયોટિક્સ) ને પોષણ આપે છે. આ પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યામાં રાહત આપી શકે છે.
• બ્લડ સુગર કંટ્રોલ: વાસી રોટલીનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ તાજી રોટલીની તુલનામાં ઓછો હોય છે. પ્રતિરોધક સ્ટાર્ચને કારણે, તે ગ્લુકોઝને ધીમે-ધીમે બ્લડમાં રિલીઝ કરે છે, જેનાથી બ્લડ સુગરમાં વધારો થવાની સંભાવના ઘટી જાય છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
• શરીરને ઠંડકઃ આયુર્વેદ અનુસાર વાસી રોટલીને ઠંડા દૂધ કે દહીંની સાથે સવારે ખાવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટે છે અને ઠંડક મળે છે. ઉનાળાની ગરમીમાં આ ખાસ ફાયદાકારક મનાય છે.
• વજન ઘટાડવામાં ઉપયોગીઃ આંતરડાના સારા સ્વાસ્થ્ય માટે ઉપકારક રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને ફાઇબરને કારણે વાસી રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે, જેનાથી તમે ઓવરઈટિંગથી બચો છે અને આમ તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter