વિજ્ઞાનીઓએ બાયોલોજીની સૌથી મોટી વંશાવળી તૈયાર કરી

(વાત વિજ્ઞાનની)

Sunday 22nd November 2026 05:50 EST
 
 

વિજ્ઞાનીઓએ બાયોલોજીની સૌથી મોટી વંશાવળી તૈયાર કરી

દરેક પરિવારની વંશાવળી હોય છે, પરંતુ પેઢીઓને સાંકળ્યા વિના તમારા સર્જન પાછળના સૌપ્રથમ કોષ સુધીની સેલ્યુલર વંશાવળી તમે શોધી શકો તો કેવું? વિજ્ઞાનીઓએ તાજેતરમાં સસ્તન્ય પ્રાણીઓ સંદર્ભે સૌથી મોટું સેલ્યુલર વંશવૃક્ષ કે વંશાવળી તૈયાર કરી છે જેના થકી એક કોષ કેવી રીતે સમગ્ર જીવમાં પરિવર્તિત થયો તે જાણી શકાયું છે. ઉંદરનું એક ફલિત ઈંડુ કેવી રીતે 1.28 મિલિયનથી વધુ કોષોની જાળમાં ફેરવાયું તેના વિશેનું સંશોધન જર્નલ સાયન્સમાં પ્રસિદ્ધ કરાયું છે. આ સંશોધન મેમલ્સ-સસ્તન્ય પ્રાણીના વિકાસની સમજ આપવા સાથે જન્મજાત ખામીથી માંડી કેન્સર સુધીના દરેક સેલ્યુલર ઈવેન્ટની જાણકારી આપશે. કોષો માટે વંશાવળી જાણવાનું રહસ્ય DNA ટાઈપરાઈટર ટેકનોલોજીમાં રહ્યું છે. દરેક વ્યક્તિગત કોષ કેવી રીતે વિભાજિત થાય છે તે નિહાળવાના બદલે આ ઉપકરણ કોષના DNAમાં રહેલાં સુક્ષ્મ જિનેટિક માર્ક્સનું આલેખન કરે છે. કોષની વૃદ્ધિ અને વિભાજન થાય તેમ આ માર્ક્સ કે નિશાન પુત્રી કોષમાં મૂકાતા જાય છે અને સહભાગી વંશાવળીનો રેકોર્ડ આ ઉપકરણમાં નોંધાતો જાય છે. આ નિશાનોને અનુસરવાથી કોષોનું વિભાજન કેવી રીતે થયું અને વિભાજન વખતે શું થયુંની જાણકારી મળી જાય છે. સંશોધકોએ કયા કોષો ક્યાંથી આવ્યા તે નિહાળવા પાછલી ઘટનાઓ સુધી પહોંચી આ જિનેટિક છાપો માટે 1.5 મિલિયનથી વધુ કોષ કેન્દ્રોની ઓળખ અને વાંચન કર્યા હતા. બે સપ્તાહના વિકાસ પર નજર રખાઈ હતી તેમજ ઉંદરના ભ્રૂણના 10 ટકામાં રહેલા દરેક કોષનો નકશો તૈયાર કરાયો હતો. સૌથી રસપ્રદ જાણકારી એ મળી કે ઈંડાના પ્રથમ વિભાજનથી પ્રાપ્ત બે કોષો થકી ભ્રૂણના તમામ કોષોમાં એકસરખું યોગદાન ન હતું. એક કોષ દ્વારા 57 ટકા અને બીજા કોષ દ્વારા 43 ટકા વંશજો પેદા થયા હતા. વિજ્ઞાનીઓને એ પણ જાણવા મળ્યું કે કોષો વિવિધ સમયે તેમની ભાવિ ભૂમિકા વિશે સજ્જ થયા હતા. રક્તકોષો અને રેટિનાના કોષોએ ઝડપથી વહેલાસર ભૂમિકાની સજ્જતા કેળવી લીધી હતી જ્યારે ત્વચાના કોષો ઘણા પાછળથી તૈયાર થયા હતા. તંદુરસ્ત કોષોનો વિકાસ કેવી રીતે થાય છે તે સમજવા સાથે વિજ્ઞાનીઓ જન્મજાત ખામીઓ અને વિકૃતિઓ ક્યાંથી સર્જાય છે તે પણ જાણી શકશે.

•••

દર 24 કલાકે પૃથ્વીના ઈતિહાસના 60 મિલિયન વર્ષનો ધૂમાડો

માનવી દર 24 કલાકે પૃથ્વીના ઈતિહાસના 60 મિલિયન વર્ષનો ધૂમાડો કરી નાખે છે. આપણે હાઈડ્રોકાર્બન્સ અથવા ક્રુડ ઓઈલ અને ગેસની વાત કરીએ છીએ જેનો આડેધડ વપરાશ થતો રહ્યો છે. પૃથ્વી પર ઓઈલ અને ગેસ બનવા માટે કરોડો વર્ષ લાગતાં હોય છે. એક સામાન્ય ગેરમાન્યતા એવી રહી છે કે ક્રુડ ઓઈલ બનવા માટે આવશ્યક ઓર્ગેનિક પદાર્થોમાં બહુમતી ડાયનોસોર્સના વિનાશ અને પૃથ્વીમાં વર્ષો સુધી સડવાનું કારણ રહેલું છે. હકીકત એ છે કે વનસ્પતિ તથા શેવાળ અને ઝૂપ્લાન્ક્ટોન (સુક્ષ્મ જીવો) જેવાં માઈક્રોસ્કોપિક તત્વોના વિઘટન થકી આપણી વર્તમાન ઓઈલની આદતો સંતોષાઈ રહી છે. વર્તમાન ઓઈલ ડિપોઝીટના આશરે 70 ટકાની રચના આશરે 252 મિલિયન અને 66 મિલિયન વર્ષ વચ્ચેના મેસોઝોઈક (મધ્યજીવ) યુગમાં થઈ હતી.શેવાળ અને સુક્ષ્મ જીવો નાશ પામીને દરિયાના પેટાળમાં ડૂબી ગયાં પછી તેના પર ખડકો અને કાંપ - રેતાળ પદાર્થોનું આવરણ રચાતું ગયું. કરોડો વર્ષથી એકત્ર થઈ સડતો રહ્યો અને દબાતો રહ્યો. આના પરિણામે, ક્રુડ ઓઈલ અને ગેસ પ્રકારના હાઈડ્રોકાર્બન્સ નામના કુદરતી રાસાયણિક સંયોજનો રચાતા ગયા. હાઈડ્રોકાર્બન્સ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવા અને તેના બળવા સાથે અતિશય ઊર્જા પેદા કરવાથી ઈંધણસ્રોત સ્વરૂપે ઘણા સારાં છે. માનવીએ ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલિયમ જેવા ઉત્પાદનો તૈયાર કર્યા છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ સમગ્ર વિશ્વ માટે ઓઈલની માગ 2026માં પ્રતિ દિવસ સરેરાશ 100 મિલિય બેરલ્સ (આશરે 13 મિલિયન ટન)થી વધુ રહેવાની આગાહી કરી હતી. જોકે, તેનો વપરાશ આકાશને આંબી રહ્યો છે. વર્તમાન અંદાજો અનુસાર પૃથ્વીના ઓઈલ માટેના જાણીતા અનામત સ્રોતો 50 વર્ષ સુધી ચાલી શકે તેમ છે. જોકે, માનવી નવા માર્ગો સાથે તેલક્ષેત્રો શોધવામાં કાર્યરત છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter