ઠંડીની મોસમમાં અનેક લોકો ઉદાસી, થાક અને એકાગ્રતાના અભાવની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘વિન્ટર બ્લૂઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ સ્થિતિ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જેને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય છે. કોલંબિયા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રવિ શાહ કહે છે કે શિયાળામાં લોકો સુસ્તી અને થાક અનુભવી શકે છે. તેમના મતે ઓછો સૂર્યપ્રકાશ અને એક્ટિવિટીથી સુસ્તી વધે છે. શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો હોવાથી શારીરિક પ્રવૃત્તિ અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા પણ ઓછી થાય છે. આ સમયમાં સામાન્ય લક્ષણોમાં સતત ઉદાસી, મનપસંદ વસ્તુઓમાં રસ ઓછો થવો, ભૂખ અથવા વજનમાં ફેરફાર અને સ્ફૂર્તિનો અભાવ જેવા લક્ષણો સામેલ છે.
નિષ્ણાતો કહે છે કે તમે આ પાંચ ઉપાય અજમાવીને વિન્ટર બ્લૂઝનો અસરકારક સામનો કરી શકો છો.
• ગ્રેટિટ્યૂડ જર્નલ લખો
ગ્રેટર ગુડસાયન્સ સેન્ટર અનુસાર રોજ તમે જેના માટે આભારી છો તે વસ્તુઓ લખવાથી તમારો મૂડ વધી શકે છે. તે તમને જીવનમાં સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને શિયાળામાં માનસિક સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે.
• છોડ અને પ્રકૃતિ સાથે જોડાણ
છોડ અને પ્રકૃતિ એ બન્ને પરિબળ એવા છે જે વિન્ટર બ્લૂઝની સમસ્યામાં અસરારક ઉપચાર તરીકે કાર્ય કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના અભ્યાસો દર્શાવે છે કે પ્રકૃતિ મૂડ પર સકારાત્મક અસર કરે છે. લીલું અને સુંદર કંઈક જોવાનો માત્ર અનુભવ લોકોને વધુ ખુશ અને વધુ ઉર્જાવાન બનાવી શકે છે.
• ઘરની સફાઈ અને નકામા સામાનનો નિકાલ
તમારા સામાનને વ્યવસ્થિત ગોઠવવાથી તમારા મનને શાંત કરવામાં મદદ મળી શકે છે. જાપાની લેખક કોંડોનું પુસ્તક ‘ધ લાઇફ-ચેન્જિંગ મેજિક ઓફ ટાઈડિંગ અપ’ શીખવે છે કે તમારે આસપાસ હંમેશા એવી વસ્તુઓ રાખવી જોઈએ જે તમને આનંદ આપે અને ઉપયોગી હોય. જે ચીજવસ્તુ તમને આનંદ ન આપતી હોય કે નડતરરૂપ બનતી હોય તેને ફેંકી દેવી જોઈએ.
• સામાજિક સંપર્ક / જોડાણ વધારો
જેમ જેમ ઠંડીની તીવ્રતા વધે છે તેમ તેમ લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે અને બહાર નીકળવાનું કે મિત્રો-સ્વજનોને હળવા-મળવાનું ટાળે છે. જોકે થેરાપિસ્ટ કહે છે કે મિત્રો સાથે સતત જોડાયેલા રહેવું આપણા સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારી માટે ખૂબ જ આવશ્યક છે. ઠંડી ઓછી હોય કે વધુ હોય, અઠવાડિયામાં એક વાર મિત્રો સાથે મળતા રહો. સાથે મળીને કોઈ પ્રવૃત્તિ કરવી, વાતો કરો, સાથે બેસીને ફિલ્મ જોવી પણ ફાયદાકારક બની શકે છે.
• સુગંધની અસર
શિયાળામાં હૂંફાળું વાતાવરણ બનાવવામાં સુગંધ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી મીણબત્તીઓ અથવા અગરબત્તીઓ પસંદ કરો જે શાંત સુગંધ આપે છે. સંશોધનના તારણો દર્શાવે છે કે સુગંધ સીધી જ મગજ પર અસર કરે છે. મૂડ અને લાગણીઓમાં સુધારો કરે છે. અને હા, યાદ રાખશો કે રસોઈકામ પણ માનસિક તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.


