નવી દિલ્હીઃ ભારતીય આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવભરી ક્ષણ છે. બ્રાન્ડ ફાઈનાન્સ 2026 દ્વારા તૈયાર થયેલી વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદી ‘ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગ’માં દિલ્હીની ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’ - AIIMS)એ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ભારતીય સરકારી હેલ્થ સેક્ટર માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ યાદીમાં ભારતનું બીજું નામ ટાટા મેમોરિયલ સેન્ટર, મુંબઈ છે, જેને 13મું સ્થાન મળ્યું છે. કેન્સરની સારવારમાં તેની વિશેષતા માટે તેને વૈશ્વિક માન્યતા મળી છે.
આ રેન્કિંગ વિશ્વની પ્રતિષ્ઠિત હોસ્પિટલ બ્રાન્ડ્સનું મૂલ્યાંકન કરે છે, જેમાં સારવારની ગુણવત્તા, સંશોધન, દર્દી સંતોષ અને બ્રાન્ડ વિશ્વસનીયતા જેવા માપદંડો સામેલ છે. AIIMSનું ટોપ-10માં સ્થાન મેળવવું એ દર્શાવે છે કે ભારતની જાહેર આરોગ્ય વ્યવસ્થા હવે વૈશ્વિક સ્તરે મજબૂત સ્પર્ધા આપી રહી છે.
યાદીમાં અમેરિકા ટોચ પર છે જ્યારે ભારતની મજબૂત હાજરી જોવા મળે છે. 2026ની યાદીમાં જોન્સ હોપકિન્સ મેડિસિનને પ્રથમ સ્થાન મળ્યું છે. તેની પાછળ અન્ય વૈશ્વિક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. ‘એઇમ્સ’ અને ટોચની હોસ્પિટલ વચ્ચેનો તફાવત બહુ ઓછો હોવો પણ ભારત માટે હકારાત્મક સંકેત છે.
ટોપ હોસ્પિટલ્સ
1) જોન્સ હોપકિન્સ મેડિસીન (યુએસ)
2) મેયો ક્લિનિક (યુએસ)
3) ક્લીવલૅન્ડ ક્લિનિક (યુએસ)
4) મેસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ (યુએસ)
5) ટોરોન્ટો જનરલ હોસ્પિટલ (કેનેડા)
6) એઇમ્સ, દિલ્હી (ભારત)


