વિશ્વની સૌથી મોંઘી દવાના એક ડોઝની કિંમત છે ૨૧ લાખ ડોલર

Saturday 06th July 2019 14:35 EDT
 
 

વોશિંગ્ટનઃ સ્વિત્ઝર્લેન્ડની ડ્રગ્સ બનાવતી જગવિખ્યાત કંપની નોવાર્ટીસે બાળકોમાં જોવા મળતા એક વિશિષ્ટ રોગની જીન થેરેપી માટે ખાસ પ્રકારની દવા વિકસાવી છે. આ ડ્રગ્સના ઉપયોગ અને વેચાણ માટેની અમેરિકાએ મંજૂરી પણ આપી છે. આ ડ્રગ્સની વિશેષ વાત એ છે કે આ ડ્રગ્સ વિશ્વની સૌથી મોંઘી ડ્રગ્સ છે. આ ડ્રગ્સના જીન થેરેપીના એક ડોઝની કિંમત ૨૧ લાખ ડોલર એટલે કે અંદાજે ૧૪ કરોડ રૂપિયા નક્કી કરાઇ છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ડ્રગ્સને તાજેતરમાં જ પરમિશન આપવામાં આવી છે. આ ડ્રગ્સની મદદથી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (એસએમએ - કરોડરજ્જુની માંસપેશીઓનું સંકોચન)ની સારવાર કરવામાં આવશે. આ બીમારી ખાસ કરીને બાળકોમાં આ જોવા મળે છે.

આ પહેલા નોવાર્ટીસ કંપનીએ જાહેરાત કરી હતી કે આ ડ્રગ્સની કિંમત ૧૫ લાખથી ૫૦ લાખ ડોલરની વચ્ચે રહેશે. આ સિવાય કંપની દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે જો આ થેરેપી નિષ્ફળ જશે તો વીમો પણ આપવામાં આવશે. આ પ્રકારની બીજી પણ એક ડ્રગ્સ માર્કેટમાં પહેલેથી ઉપલબ્ધ છે, જેનું નામ સ્પિનરાઝા છે. જોકે એ ડ્રગ્સને આજીવન કરોડરજ્જુમાં ઇન્જેક્ટ કરવી પડે છે. જેની કિંમત ૭.૫૦ લાખ ડોલર છે. તેની સામે નોવાર્ટીસ કંપનીએ બનાવેલી આ ડ્રગ્સથી માત્ર એક જ વખત થેરપી આપવી પડે છે. નોવાર્ટીસના અધિકારીઓએ ઉંચી કિંમત અંગે બચાવ કરતાં જણાવ્યું કે આજીવન ચાલતી અન્ય લાંબી સારવારોની સામે આ કિંમત ઓછી જ છે.

આ રોગ શું છે?

એસએમએ એ જનીનમાં ખામીના પરિણામે સર્જાતો રોગ છે. જે નવજાત બાળકોમાં જોવા મળે છે. જે બાદમાં મોટા ભાગના બાળકોના મોતનું કારણ બને છે અથવા તો જો તે જીવી જાય તો તેમને જીવનભર આ બીમારીથી પીડાવું પડે છે. પ્રત્યેક ૧૦,૦૦૦ નવજાત બાળકોમાંથી એક ટકા બાળકોને આ બીમારીનો શિકાર બને છે. જેમાંથી ૫૦થી ૭૦ ટકા બાળકોના મોત થાય છે. આ નવી ડ્રગ વડે, જીન થેરેપીની મદદથી આ બીમારી દૂર થઇ શકશે તેવો નોવાર્ટીસ કંપની દાવો કરી રહી છે. જે માટે કંપની દ્વારા ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter