વિશ્વની સૌપ્રથમ મેલેરિયાની રસીને WHOની મંજૂરી

Friday 15th October 2021 07:09 EDT
 
 

જિનિવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ વિશ્વની સૌપ્રથમ મેલેરિયા રસીને મંજૂરી આપી દીધી છે. ગ્લેક્સોસ્મિથક્લાઈન કંપની દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિનને મોસ્કવીરિક્સ નામ અપાયું છે. મોસ્કવીરિક્સ વેક્સિનની ૨૦૧૯થી ઘાના, કેન્યા અને મલાવીમાં આઠ લાખથી વધુ બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી હતી. પરજીવીઓ દ્વારા માનવીમાં ફેલાતા રોગ માટેની વિશ્વની આ સૌપ્રથમ રસી છે.
છેલ્લા સેંકડો વર્ષથી વૈજ્ઞાનિકો મેલેરિયાની રસી તૈયાર કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગ્લેક્સોસ્મિથક્લાઈન દ્વારા નિર્મિત મેલેરિયાની રસી ફાલ્સીપેરમ મેલેરિયાનો વ્યાપક ફેલાવો ધરાવતા સબ સહારાના આફ્રિકન દેશો અને પ્રદેશોમાં બાળકોમાં વ્યાપક ઉપયોગ માટે ભલામણ કરી છે. ઘાના, કેન્યા અને મલાવીમાં હાથ ધરાયેલી ક્લિનિકલ ટ્રાયલોનાં પરિણામોના આધારે આ મંજૂરી અપાઈ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અધ્યક્ષ ડો. ટેડ્રોસ ગેબ્રેયેસુસે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે, લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે મેલેરિયાની રસી વિજ્ઞાન, બાળ આરોગ્ય અને મેલેરિયા નિયંત્રણ માટે મોટી સફળતા છે. આ વેક્સિનની મદદથી દર વર્ષે થતાં લાખો બાળકોનાં મોત અટકાવી શકાશે.

૩૦ વર્ષનો સમય લાગ્યો
મેલેરિયાની મોસ્કવીરિક્સ રસી વિકસાવવામાં ગ્લેક્સોસ્મિથક્લાઈન કંપનીને ૩૦ વર્ષ કરતા વધુનો સમય લાગ્યો છે. આ પહેલી એવી મેલેરિયા વેક્સિન છે જેની વ્યાપક ક્લિનિકલ ટ્રાયલો સંપૂર્ણ રીતે પૂરી કરાઈ છે. આ રસી જીવલેણ બનતા મેલેરિયાના સંક્રમણને ઘટાડવામાં સફળ રહી છે. પરજીવીઓ દ્વારા માનવીમાં ફેલાતા રોગો માટેની આ સૌપ્રથમ રસી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter