નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ (WHO)ના રિપોર્ટનું તારણ કહે છે કે વર્ષ 2021માં વિશ્વની વસતીનો મોટો ભાગ માનસિક બીમારીઓનો સામનો કરી રહ્યો હતો. આ આંકડા મુજબ વિશ્વમાં પ્રત્યેક સાતે એક વ્યક્તિ એટલે કે 1 બિલિયન લોકો માનસિક બીમારીઓથી પ્રભાવિત હતા. તે પૈકી બે તૃતીયાંશ લોકો ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા. ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ટુડે’ અને ‘મેન્ટલ હેલ્થ એટલાસ-2024’ રિપોર્ટ જણાવ્યા મુજબ યુવાનો પર માનસિક બીમારીઓની ગંભીર અસર પડી છે. આત્મહત્યા યુવાનોના મૃત્યુનું મુખ્ય કારણ બની રહ્યું છે. વિશ્વ કક્ષાએ થતાં પ્રત્યેક 100 મૃત્યુએ એકથી વધુ મૃત્યુ માટે આત્મહત્યા જવાબદાર છે. ચિંતાજનક બાબત એ છે કે આત્મહત્યાના પ્રયાસની ઘટનાઓ વધી રહી છે.
સંશોધકોએ કહ્યું કે સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર જેવી બીમારી પણ ઝડપથી વધી રહી છે. એક અંદાજ મુજબ પ્રત્યેક 200 વ્યક્તિએ એક પુખ્ત વ્યક્તિ સ્કિઝોફ્રેનિયા તો પ્રત્યેક 150એ એક વ્યક્તિ બાઈપોલર ડિસઓર્ડરનો સામનો કરી રહી છે.
ડબલ્યુએચઓના અહેવાલ અનુસાર, માનસિક આરોગ્ય સેવાઓમાં બદલાવ એ જાહેર આરોગ્ય સામેનો સૌથી મોટો પડકાર છે. માનસિક આરોગ્ય કદાચ વિશેષાધિકાર નહીં, પરંતુ પાયાનો અધિકાર માનવામાં આવે તે તમામ સરકારની જવાબદારી છે. તજજ્ઞોનું કહેવું છે કે આ દિશામાં તાકિદે રોકાણ, બહેતર સેવા અને કાનૂની સુધારા કરવામાં નહીં આવે તો માનસિક આરોગ્ય સંકટ વધી શકે છે.