વિશ્વમાં ૧૧૦ કરોડ લોકોને પજવી રહી છે આંખોની બીમારી

Wednesday 30th June 2021 06:59 EDT
 
 

ન્યૂ યોર્ક: વધતી જતી ઝાકઝમાળ, કૃત્રિમ પ્રકાશ અને આધુનિક જીવનશૈલીના કારણે લોકોમાં આંખને લગતી બીમારીઓ વધી રહી છે. એક માહિતી મુજબ વિશ્વમાં ૧૧૦ કરોડ લોકો આંખને લગતી નાનીમોટી સમસ્યાઓ ધરાવે છે. જેમાંથી ૬૦ કરોડ લોકોને લાંબા અંતરનું જોવામાં તકલીફ જોવા મળે છે.
ગ્લોબલ આઈ હેલ્થ કમિશનના એક રિપોર્ટ મુજબ ઘણા લોકો એવા છે જેમની પાસે આંખને નુકસાન થતું અટકાવવા માટે ચશ્મા પણ નથી. પરિણામે અંદાજે ૪.૩ કરોડ લોકોને પોતાની આંખો ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે ૫૧ કરોડ લોકોની આંખો દૃષ્ટિ ખૂબ જ કમજોર જોવા મળે છે.
આંખોની સમસ્યા ધરાવતા ૯૦ ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે જેમને આંખને લગતી સારવાર કરાવવા માટે નાણાં અને જાગૃતિનો અભાવ જોવા મળે છે. આંખમાં જોવા મળતી સમસ્યાના શિકાર માત્ર ઉંમરલાયક લોકો જ નહીં, બાળકો પણ બનવા લાગ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ વિઝન અંગેના અહેવાલમાં પણ ટૂંકી અને દૂર દૃષ્ટિની તકલીફ ધરાવતા કરોડો લોકોને સારવાર મળી રહી નથી એમ જણાવાયું છે. બાળકો ખુલ્લા કુદરતી વાતવરણમાં ન રહેતા હોવાથી આંખની સમસ્યા વધી જાય છે. ઘરમાં ટેબ્લેટ, વીડિયો, કમ્પ્યુટર અને સ્માર્ટફોન પર કલાકો સુધી સમય પસારો થતો હોવાથી આંખો નબળી પડી રહી છે.
મોતિયા જેવી બીમારી એક સમયે માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતી જે હવે નાની ઉંમરે પણ દેખા દેવા લાગી છે. આ સમસ્યા ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓમાં પણ વિશેષ જોવા મળે છે. જો આંખની સારસંભાળ રાખવામાં નહીં આવે અને આ રીતે જ જો બેદરકારી વધતી જશે તો વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૮૦ કરોડ લોકો આંખની બીમારી ધરાવતા હશે. જેમાંથી ૮૯ ટકા લોકો દૃષ્ટિદોષ અને ૬.૧ કરોડ લોકોને અંધાપો થયો હશે.
આંખની બીમારીથી વૈશ્વિક
અર્થતંત્રને જંગી નુકસાન
એક માહિતી મુજબ ૨૦૨૦માં આંખ સંબંધિત વિકારોના કારણે વિશ્વની અર્થ વ્યવસ્થાને ૪૭૦૭૦ કરોડ ડોલરનું નુકસાન થયું છે. જેમાં ૯૦૦૦ કરોડ ડોલરનું નુકસાન પૂર્વી એશિયામાં તો દક્ષિણ એશિયામાં ૭૦૦૦ કરોડ ડોલરના નુકસાનનો સમાવેશ થાય છે. આ નુકસાન મોટા ભાગે ઉત્પાદન અને રોજગારીને લગતું હતું. અહેવાલમાં જણાવ્યા અનુસાર આંખની સારવારમાં પણ મહિલા અને પુરુષો વચ્ચે સામાજિક અસમાનતા જોવા મળે છે. દુનિયામાં ૧૦૦ પુરુષોએ ૧૦૮ મહિલાઓ નેત્રહિન જોવા મળે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓની આંખના આરોગ્ય બાબતે ઓછી કાળજી લેવાય છે. જોકે ૧૯૯૦થી ૨૦૨૦ સુધીમાં કાયમી અંધાપાની સમસ્યામાં ૨૮.૫ ટકા જેટલો ઘટાડો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter