વૃદ્ધત્વને ધીમું પાડવા ફિલ્મો, નાટકો, મ્યુઝિયમ્સની મુલાકાત લેતા રહો

(હેલ્થ બુલેટિન)

Saturday 08th August 2026 06:01 EDT
 
 

વૃદ્ધત્વને ધીમું પાડવા ફિલ્મો, નાટકો,
મ્યુઝિયમ્સની મુલાકાત લેતા રહો
શરીરનાં કોષો, ટિસ્યુઝ અને અંગો સમય જતાં વૃદ્ધ બને, તેની કામગીરીને અસર પહોંચે તે પ્રક્રિયા ફીઝિયોલોજિકલ એજિંગ કહેવાય છે. કેટલાક લોકોમાં આ પ્રક્રિયા ઝડપી બને છે જ્યારે કેટલાકમાં તે ધીમી રહે છે. હકીકત એ છે કે આરોગ્યપ્રદ જીવનશૈલીના નિર્ણયો આ પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ધરાવે છે. ભૂતકાળના અભ્યાસો મુજબ વ્યક્તિની ફીઝિયોલોજિકલ વય તેમના જન્મની વય કરતાં પણ વધુ હોઈ શકે છે એટલે કે વય નાની હોય છતાં, શરીર વૃદ્ધ લાગતું હોય. લાઈફસ્ટાઈલ તંદુરસ્ત હોય તેની અસરો શારીરિક વય પર અવશ્ય જણાય છે. ધૂમ્રપાનનો અભાવ, શારીરિક કસરતો, ઓછું શરાબપાન, તણાવ પર કાબુ રાખવો તેમજ જ્ઞાનાત્મક ઈન્દ્રિયોની કામગીરી વધારવા સહિતની જીવનશૈલીના કારણે શારીરિક વય વધવાનું ધીમું થાય છે. જર્નલ ઓફ એપિડીમીઓલોજી એન્ડ કોમ્યુનિટી હેલ્થમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ અનુસાર ફિલ્મો નિહાળવા જવું, થીએટર કે મ્યુઝિયમ્સની મુલાકાત જેવાં સાંસ્કૃતિક અનુભવો પણ વ્યટક્તિની શારીરિક વયને ધીમી રાખવામાં મદદ કરી શકે છે. આ અભ્યાસમાં સંશોધકોએ ઈંગ્લેન્ડમાં રહેતા 50 કે તેથી વધુ વયના પુખ્તોને સમાવતા ઈંગ્લિશ લોન્જીટ્યુડનલ સ્ટડી ઓફ એજિંગમાં ભાગ લેનારા લગભગ 1900 વયસ્કોના હેલ્થ ડેટા ચકાસ્યા હતા. આ લોકોને તેઓ કેટલી વખત મૂવીઝ, થીએટર, મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, કોન્સર્ટ કે ઓપેરાની મુલાકાત લીધી હોવાના પ્રશ્નો કરાયા હતા. આ ઉપરાંત, તેમના બ્લડ પ્રેશર, લિપિડ પ્રોફાઇલ, બોડી માસ ઈન્ડેક્સ અને ચાલવાની ઝડપ સહિત 10 ફીઝિયોલોજિકલ માર્કર્સ પણ માપવામાં આવ્યા હતા. સંશોધકોને જણાયું હતું કે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વધુ સંપર્ક ધરાવતા પાર્ટિસિપેન્ટ્સની ફીઝિયોલોજિકલ વય આશરે 66.9 વર્ષની હતી જે ઓછો સાંસ્કૃતિક સંપર્ક ધરાવનારાની સરખામણીએ ઓછી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ સંપર્કનો સ્કોરમાં એક પોઈન્ટનો વધારો તેમની શારીરિક વયમાં 0.085 વર્ષ (31 દિવસ)ના ઘટાડા સાથે સંકળાયો હતો.

•••

પાર્કિન્સન રોગ સ્ત્રીઓની સરખામણીએ
પુરુષોને વધુ અસર કરે છે
પાર્કિન્સન રોગ સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને વધુ અસર કરે છે. આનું કારણ મગજના કોષોમાં એપિજિનેટિક ફેરફારનું હોઈ શકે તેમ વિજ્ઞાનીઓનું માનવું છે. તાજેતરમાં સ્પેનના બાર્સેલોના ખાતે ફેડરેશન ઓફ યુરોપિયન ન્યુરોસાયન્સ સોસાયટીઝ ફોરમ 2026 સમક્ષ રજૂ કરાયેલાં નવા સંશોધનમાં જણાવાયું હતું કે બ્રેઈન સેલ્સમાં જિનેટિક ફેરફારો પુરુષોમાં પાર્કિન્સન શા માટે વધુ અસર કરે છે તે જાણવામાં મદદ કરી શકે છે. પાર્કિન્સન બીજા ક્રમની સૌથી પ્રચલિત ન્યૂરોડીજનરેટિવ કન્ડિશન છે અને 60 વર્ષથી વધુ વયના આશરે 1 ટકા લોકોને તેની અસર થાય છે. આપણી સરેરાશ વયમાં થતાં વધારા સહિતના ઘણા પરિબળોના કારણે પાર્કિન્સન રોગ 2030 સુધીમાં આશરે 9 મિલિયન લોકોને અસર કરતો હશે તેમ મનાય છે, જે આંકડો 2005ની સરખામણીએ બમણો હશે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં આ રોગ થવાની શક્યતા 1.5 ગણી છે અને આ તફાવત માટે પુરુષોને માથામાં ઈજા થવાની વધુ શક્યતા અથવા પેસ્ટિસાઈડ્સ, સોલવન્ટ્સ અને ધાતુઓ સાથે કામ વધુ રહેવા સહિતના કારણો જવાબદાર હોઈ શકે છે.
સંશોધકોએ પાર્કિન્સન રોગ ધરાવતા 73 મૃત લોકો (28 સ્ત્રી અને 45 પુરુષ)ના બ્રેઈન સેમ્પલ્સ લીધા હતા અને તેમની સરખામણી પાર્કિન્સન રોગ નહિ ધરાવતા 24 વ્યક્તિ (9 સ્ત્રી અને 15 પુરુષ)ના સેમ્પલ્સ સાથે કરી હતી. તેમણે મગજના પાંચ વિસ્તારોમાં સંદેશાઓ પહોંચાડતા ન્યૂરોન્સ તેમજ તેમને મદદ કરતા ગ્લિઆલ સેલ્સ સહિત તમામ પ્રકારના કોષોના બ્રેઈન એક્સપ્રેશનના તફાવતો માપ્યા હતા. અત્યાર સુધી મોટા ભાગના સંશોધનો ન્યૂરોન્સ અને પુરુષોના સંદર્ભે જ કરાયા હતા. ખરેખર તો પુરુષ અને સ્ત્રીઓમાં આ રોગના લક્ષણો અને તેની વૃદ્ધિમાં તફાવત રહેલો છે. નવું સંશોધન પાર્કિન્સન રોગની સારવારોમાં મદદરૂપ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter