વૃદ્ધાવસ્થામાં તનની જ નહીં, મનની કસરત પણ જરૂરી

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 11th May 2016 06:37 EDT
 
 

પાર્કમાં અડધો-પોણો કલાકની વોક લેતા કે હળવી કસરત દ્વારા શરીરને સક્રિય રાખતા વડીલો આપણે ત્યાં ઘણા છે; પરંતુ માઇન્ડ-ગેમ્સ રમતા, પઝલ્સ સોલ્વ કરતા, ચેસ રમતા કે હમણાં જ નવી ભાષા શીખવાનું શરૂ કર્યું હોય એવા વડીલો કેટલા હશે? શારીરિક તંદુરસ્તીને વૃદ્ધાવસ્થામાં મહત્વ આપીએ તે સારી વાત છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે માનસિક તંદુરસ્તી પણ સારી રહે એ માટે પણ પ્રયત્નશીલ બનવું જ જોઈએ.

અમુક ઉંમર થાય પછી માણસો પોતાની એક મર્યાદા નક્કી કરી નાખતા હોય છે. સમાજમાં નજર ફેરવશો તો સમજાશે કે આપણા વડીલો દરરોજ સવારે ચાલવા જાય છે, શારીરિક કસરતો કરે છે, રેગ્યુલર ચેક-અપ માટે જાય છે, પરંતુ મોટી ઉંમરે ફક્ત આટલું પૂરતું નથી. મોટી ઉંમરે પણ માણસે મગજને સતત વાપરતા રહેવું, એને કસતા રહેવું અત્યંત જરૂરી છે. બધું જ મહત્વ ફક્ત શારીરિક હેલ્થને આપવામાં આવે છે, પરંતુ માનસિક હેલ્થને થોડું પણ મહત્વ અપાતું નથી એ મુદ્દો સમજવા જેવો છે.

મગજ આપણા શરીરનું અત્યંત મહત્વનું અંગ છે, જેને બીજાં અંગોની જેમ સતત કાર્યરત રાખવું જરૂરી છે. રિટાયર થયા પછી આરામની જિંદગી જીવવામાં મગજ પાસેથી કામ લેવાનું બંધ કરવાની ભૂલ વડીલો ન કરે એ જોવાની જવાબદારી તેમના પરિવારજનો ઉપાડે એ જરૂરી છે. મગજમાં જુદી-જુદી સ્કિલ્સ છે, જે નાના બાળકથી લઈને વૃદ્ધ થઈએ ત્યાં સુધી આપણે સતત ડેવલપ કરતી રહેવી પડે છે.

આ સ્કિલ્સને સતેજ કરવા માટે થતા પ્રયત્નો વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને એક સારી જિંદગી આપે છે અને ઓલ્ઝાઇમર્સ જેવા માનસિક અને ડિપ્રેશન જેવા સાઇકોલોજિકલ રોગોથી પણ બચાવે છે. મોટી ઉંમરે કઈ-કઈ સ્કિલ્સને સતેજ કરતા રહેવી જરૂરી છે અને એ માટે શું કરી શકાય એ માટે વાંચો આગળ.

મેમરી

વૃદ્ધાવસ્થામાં તો જો કંઈ ભુલાઈ જાય તો ઘરડા થઈ ગયા છીએ એટલે ભુલાઈ પણ જાય એમ માનીને-સ્વીકારીને લોકો બેસી રહે છે. હકીકત એ છે કે દરેક ઉંમરમાં વ્યક્તિ જીવે ત્યાં સુધી તેને યાદશક્તિની જરૂર પડે જ છે. ઘણા લોકોને ઉંમર થાય એટલે નામો યાદ રહેવાનું અઘરું પડે છે તો ઘણા લોકો રસ્તાઓ યાદ નથી રાખી શકતા. આવી પરિસ્થિતિમાં માણસ ઘણી વખત મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આથી મેમરીનો અભ્યાસ સતત કરવો એમ ભારપૂર્વક સમજાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે આ માટે નાના-નાના પ્રયાસ કરવા જોઈએ. જેમ કે, તમને નામ ભુલાઈ જતાં હોય તો નામનું લિસ્ટ બનાવી દરેક વ્યક્તિની કોઈ ખાસિયત એની સામે લખી તેનું નામ યાદ રાખવાની કોશિશ કરો. જો ઘટનાઓ ભુલાઈ જતી હોય તો વારંવાર લખીને કે બોલીને એને રિપીટ કરી-કરીને એને યાદ રાખવાની કોશિશ કરો. આ સિવાય મેમરીની ઘણી રમતો બજારમાં મળે છે, જે તમે રમીને મજાની સાથે-સાથે ઘડપણમાં પણ મેમરી શાર્પ રાખી શકો છો.’

મેથેમેટિકલ સ્કિલ્સ

સામાન્ય રીતે ગણિતમાં મગજ ચલાવવાની સૌથી વધુ પ્રેક્ટિસ વિદ્યાર્થી અવસ્થામાં જ થતી હોય છે. ખાસ કરીને એવી સ્ત્રીઓ જે બિઝનેસ, કમર્શિયલ પ્લાનિંગથી દૂર રહેતી હોય છે તેમને આ વધુ લાગુ પડે છે. પરંતુ રોજિંદા જીવનમાં પણ નાના-નાના હિસાબોથી લઈને પૈસાની ગણતરીમાં મેથેમેટિકલ એટલે કે ગાણિતિક સ્કિલ્સનું ખૂબ મહત્વ છે. આ વિશે નિષ્ણાતો કહે છે કે વૃદ્ધાવસ્થામાં એની જરૂર નથી એમ સમજી એનાથી દૂર રહેવું જોઈએ નહીં. ખાસ કરીને, પૈસાની લેવડ-દેવડ, બિલ ભરવાનાં, મહિનાનો હિસાબ, આવી નાની-સૂની ગણતરીઓ રોજિંદા ધોરણ પર કરીને વ્યક્તિ પોતાની મેથેમેટિકલ સ્કિલ્સને શાર્પ રાખી શકે છે. આ સિવાય પુરુષો, જેમણે આખી જિંદગી પોતાનું ફાઇનેન્શિયલ પ્લાનિંગ સંભાળ્યું હોય તેમણે ક્યારેય એ પોતાના હાથમાંથી જવા દેવું નહીં.

ભાષાકીય કૌશલ્ય અને કળા

કોઈ પણ ભાષા શીખવાથી કે સંગીત, ચિત્રકામ અને નૃત્ય જેવી કળા શીખવાથી મગજના જમણા ભાગનું ડેવલપમેન્ટ થાય છે. આ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે એક ઉંમર થઈ ગયા પછી નવું શીખવાની ઇચ્છા મરી જતી હોય છે અથવા તો કહીએ કે કંઈક નવું કરવામાં ડર લાગતો હોય છે, કારણ કે કંઈ પણ નવું કરવા માટે ઇચ્છાની સાથે-સાથે હિંમતની પણ જરૂર રહે છે. વૃદ્ધાવસ્થામાં એ જરૂરી નથી કે તમે એક નવી ભાષા કે કળાના એક્સપર્ટ બનીને બતાવો; પરંતુ જરૂરી છે એ શીખો, શીખવાનો આનંદ લો અને એ રીતે મગજનો વિકાસ કરો.

પ્લાનિંગ અને નિર્ણય લેવાની સ્કિલ

ધ્યાન આપો તો ખબર પડશે કે એક વ્યક્તિ યુવાન હોય ત્યારે તેનું પ્લાનિંગ અને ડિસિઝન-મેકિંગનું કૌશલ્ય શ્રેષ્ઠ હોય છે. જેમ વ્યક્તિ ઉંમરલાયક થાય એમ તેનો આત્મવિશ્વાસ ઘટતો જાય છે અને તે પોતાના નર્ણિયો લેવાનો અધિકાર પણ બીજા પર છોડી દેતી હોય છે એવું જણાવતાં તબીબી નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે પ્લાનિંગ અને ડિસિઝન-મેકિંગ એવી સ્કિલ્સ છે જે સતત નાની-નાની બાબતો દ્વારા તમે સતેજ રાખી શકો છો. જેમ કે, તમારા પોતાના સોશ્યલ સર્કલને લઈને બહાર પિકનિક પર જવાનું પ્લાનિંગ કે તમારી પોતાની જાત્રાનું ડિસિઝન અને પ્લાનિંગ કરીને તમે તમારો આત્મવિશ્વાસ વધારી શકો છો. આ સ્કિલ્સ તમને આત્મનર્ભિરતાનું ગૌરવ અપાવડાવે છે, જે ખૂબ જરૂરી પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter