વૃદ્ધાવસ્થામાં સાંભળવાની સમસ્યા

ડો. નવનીત શાહ FRCS DLO Wednesday 31st July 2019 06:34 EDT
 
 

વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા દરેક લોકો માટે સાંભળવાની સમસ્યા ઘણી સામાન્ય છે. ઉંમર વધતી જાય તેમ શ્રવણશક્તિમાં ધીમે ધીમે ઘટાડો થતો રહે તે અનિવાર્ય ગણાય છે. ઘણાં લોકો ધીમે ધીમે સંભળાવાનું ઓછું થાય તેની ફરિયાદ કરતા નથી અને સામસામે અથવા ટેલિફોન પર વાતચીત સારી રીતે કરતા રહે છે. આવી બહેરાશ શરૂ થવાની વય પણ અલગ અલગ હોઈ શકે છે. જોકે, એક અંદાજ અનુસાર ૬૫ વર્ષથી વધુ વયના ઓછામાં ઓછાં ૩૦ ટકા કે વધુ લોકોને હીઅરિંગ એઈડ (શ્રવણયંત્ર)ની જરૂર પડે તેવી બહેરાશ આવે છે અને ૮૦ વર્ષથી વધુ વયના આશરે ૫૦ ટકા લોકોને સાંભળવા અને વાતચીત કરવાની નોંધપાત્ર સમસ્યા થાય છે. બહેરાશ વૃદ્ધાવસ્થામાં જણાતી સૌથી સામાન્ય અક્ષમતાઓમાં એક છે.

બહેરાશના પ્રકાર

બહેરાશ મુખ્યત્વે આસપાસના અવાજોની હાજરીમાં વ્યંજન (consonant)ના સૂરને બરાબર સાંભળવાનું મુશ્કેલ બનાવે છે. આ લોકો માટે માત્ર સાંભળવાનું મુશ્કેલ બનતું નથી પરંતુ, ઊંચા અવાજ સાંભળવાની અનુભૂતિ પણ અવાજ વિખરાઈ જવાથી અથવા કાનમાં રણકાર થવાના લીધે ખલેલ પણ સર્જાય છે. સામાન્ય શરદી, ખાસ કરીને પીડાશામક દવાઓ, ક્વિનાઈન અથવા ઓટોટોક્સિક મૂત્રવર્ધક દવાઓના કારણે પણ બહેરાશ વધી શકે છે. આ ઉપરાંત, સમજવાની, સેન્ટ્રલ પ્રોસેસિંગની સામાન્ય મંદતા તેમજ સાંભળવાની ક્ષમતામાં ઘટાડો પણ થઈ શકે છે.

બહેરાશની અસર

જો સાંભળવાની આ મુશ્કેલી ધ્યાનમાં ન લેવાય તો ધીમે ધીમે રોજિંદા જીવનથી અલગ થતા જવાય છે. પારિવારિક વાતચીત કે સામાજિક કાર્યક્રમો મુશ્કેલ અને ક્ષોભજનક બનતાં જાય છે. આવાં લોકો સાથે રહેવાનું પણ સામાન્યપણે મુશ્કેલ બને છે. ફરી ફરીને વાત સમજાવવી, વાતચીતમાં સર્જાતી ગેરસમજ, રેડિયો અથવા ટેલિવિઝનનો અવાજ એટલો મોટો કરવો જે, અન્યો માટે ત્રાસજનક બને છે. આ સમસ્યાઓ તેમના જીવનની ગુણવત્તા તેમજ સ્વતંત્ર જીવવાને ગંભીર અસર પહોંચાડી શકે છે.

બધિર વડીલ સાથે કેવી રીતે વાત કરશો

સામાન્યપણે બરાબર સાંભળતાં લોકોને બહેરાં હોવું એટલે શું તેની જરા પણ સમજ હોતી નથી. વાતચીત બે વ્યક્તિ- બોલનાર અને સાંભળનાર વચ્ચે થતી પ્રક્રિયા છે. વૃદ્ધોમાં સાંભળવાની ખામીના કારણે સર્જાતી મુશ્કેલીઓને ઘટાડવામાં સાદા પગલાં તરીકે બોલનાર વ્યક્તિનો સહકાર જરૂરી બને છે. જાહેર જાગૃતિ કાર્યક્રમો દ્વારા વૃદ્ધો સાથે વાતચીતમાં બોલનારની ભૂમિકા પર ભાર મૂકી શકાય છે.

ઉપયોગી સૂચનો

• ધીરજ રાખો અને બેધ્યાન ન બનશો.
• વ્યક્તિ સાથે આમનેસામને વાત કરો અને તમારો ચહેરો સારા પ્રકાશમાં રહે તેની ચોકસાઈ રાખશો. સાંભળનારના ચહેરાના લેવલમાં રહેવાથી તેને લીપ-રીડિંગ કરવામાં મદદ મળશે.
• સ્પષ્ટ અને સામાન્ય કરતાં ધીરેથી બોલવાનું રાખો. અવાજ થોડો મોટો રાખો પરંતુ, બરાડા કે ઘાંટા પાડીને ન બોલશો.
• તમારી બોલવાની ઝડપ ઘટાડો.
• તમારા વાક્યો વચ્ચે થોડો લાંબો વિરામ રાખવો.
• પહેલી વખતે જ સમજાય નહિ તેવા વાક્યોને સરળ રીતે બોલવાનું રાખો.
તમારું વલણ સહાનુભૂતિપૂર્ણ રાખવાનો પ્રયત્ન કરો જેથી કરીને સાંભળનાર વૃદ્ધ વ્યક્તિ પોતાની મુશ્કેલીથી દુઃખી ન થાય.

સાંભળવા માટેના ઉપકરણો

ઘણાં આધુનિક સાધનો આસપાસના અવાજની અસરને ઘટાડી ઓછું સાંભળી શકતાં વૃદ્ધ લોકોને મદદરૂપ બની શકે છે. આવાં સાધનોનો ઉપયોગ કોઈ કાર્યક્રમો કે સામાજિક ઈવેન્ટ્સના મીટિંગ રૂમ્સમાં કરી શકાય છે. હીઅરિંગ એઈડ્સ સાથે સુસંગત ટેલિફોન અથવા ઘરના ઉપયોગ માટે વોલ્યુમ અને ટોનને એડજસ્ટ કરી શકે તેવાં ટેલિફોન શ્રવણશક્તિની સમસ્યા ધરાવતા વૃદ્ધ લોકો માટે સલામતી, સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તાને જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પાછળના અવાજો અને પડઘા-ધ્રૂજારીઓ ઘટાડવામાં મદદ કરી શકે તેવી બિલ્ડિંગ્સની પર્યાવરણલક્ષી ડિઝાઈન્સ અને આયોજન પણ બધિર લોકોનું જીવન વધુ સહેલું બનાવી શકે છે. હીઅરિંગ એઈડ સલાહ, સાંભળવા સંબંધિત તાલીમ, લીપ-રીડિંગ (સામેની વ્યક્તિ બોલતી હોય ત્યારે તેના ફરકતા હોઠ પરથી વાક્યને સમજવું)ના વર્ગો અને કાઉન્સેલિંગ જેવી પુનર્સુધાર સેવાઓ પણ રોજિંદી સમસ્યાઓનો સામનો કરવામાં ઘણી મદદ કરી શકે છે.

હીઅરિંગ એઈડ એટલે શું?

હીઅરિંગ એઈડ ખરેખર તો માઈક્રોફોન, એમ્પ્લીફાયર (ધ્વનિવર્ધક) અને સ્પીકર સાથેની નાની સાઉન્ડ સિસ્ટમ છે. તેના નામ પ્રમાણે જ મોટા ભાગની સ્થિતિમાં તે અવાજને મોટો બનાવે છે અને સ્પીચને સમજવાનું સરળ બનાવે છે. જોકે, તેનાથી સામાન્ય શ્રવણશ્રમતા પાછી આવતી નથી.
જનરલ પ્રેક્ટિશનર દ્વારા રીફર કરાયા પછી સ્થાનિક હોસ્પિટલ વિભાગોમાંથી હીઅરિંગ એઈડ્સ સરળતાથી મળી શકે છે. સાંભળવાની તકલીફ ધરાવતા ઘણાં લોકોને હીઅરિંગ એઈડ્સ મદદરૂપ બને છે, પરંતુ મોટા ભાગના લોકો આવું સાધન મેળવવામાં ખચકાય છે અને કેટલાંક પાસે આ સાધન હોય તો પણ તેનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે.

હીઅરિંગ એઈડ કેવી રીતે કામ કરે છે?

હીઅરિંગ એઈડ ઉપકરણમાં નાના છિદ્રમાંથી અવાજ પ્રવેશે છે અને માઈક્રોફોન તેને પકડી લે છે. એમ્પ્લીફાયર અવાજને વધુ મોટો બનાવે છે. આવો મોટો બનેલો અવાજ સાધનના સ્પીકરમાં થઈને કર્ણનલિકામાં પહોંચે છે. સાધનમાં રખાયેલી નાની બેટરીથી વિદ્યુતશક્તિ મળે છે. હીઅરિંગ એઈડમાં રખાયેલાં નાના કન્ટ્રોલથી અવાજનું પ્રમાણ વધારી કે ઘટાડી શકાય છે. કેટલાંક સાધનો આપમેળે જ વોલ્યુમની વધ-ઘટ કરી શકે છે.

હીઅરિંગ એઈડ્સના પ્રકાર

NHS દ્વારા કાનમાં અથવા કાનની બહાર લગાવી શકાય તેવા હીઅરિંગ એઈડ્સ મળે છે. કાનમાં ઈઅરફોન સાથેનું સાધન શરીર પર લગાવી શકાય અને જ્યારે કર્ણનલિકામાં ઈઅર મોલ્ડ (કાનનું બીબું) ગોઠવી શકાય તેમ ન હોય તો બોન કન્ડક્શન હીઅરિંગ એઈડનો ઉપયોગ થાય છે. હીઅરિંગ એઈડ્સ ચશ્મામાં ફીટ કરી શકાય અને હેડબેન્ડ પર પણ ગોઠવી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્ય સાધનની પસંદગી અને ફીટિંગમાં વ્યક્તિની જરૂરિયાત મહત્ત્વની છે અને આ જરૂરિયાતો દરેક માટે બદલાતી રહે છે.

હીઅરિંગ એઈડનું ફીટિંગ

હીઅરિંગ એઈડ ક્લિનિકમાં કાનમાં વેક્સ (મીણ જેવો પદાર્થ) અથવા રોગ છે કે કેમ તેની તપાસ સાથે સાધન માફક આવશે તેના મૂલ્યાંકન માટે ઓડિયોગ્રામ ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ માટે હીઅરિંગ એઈડની પસંદગી અને ફીટિંગ માટે બહેરાશનું પ્રમાણ અને પ્રકાર, મેડિકલ, ટેક્નિકલ, કોસ્મેટિક તેમજ વ્યક્તિની પસંદ સહિતના પાસા પર આધાર રહે છે. હીઅરિંગ એઈડનું ફીટિંગ તે ગોઠવનારના અનુભવ અને અંતઃસ્ફુરણા પર આધારિત હોય છે. જોકે, અર્થપૂર્ણ માપ અને પરફોર્મન્સથી જે મળી શકે તે તમામ માહિતી અનુભવ આપી શકે નહિ. જો કાન ઉપર અને અંદર યોગ્ય રીતે ન ગોઠવાય અને વ્યક્તિને સંતોષકારી ધ્વનિવિસ્તરણ ન મળી શકે તેવાં હીઅરિંગ એઈડનું મૂલ્ય ઓછું જ ગણાય.

એક સાધન કે બે સાધનનો ઉપયોગ?

બે કાન પર શ્રવણયંત્ર લગાવ્યાં હોય તો તેનો મુખ્ય ફાયદો અવાજ કઈ દિશામાંથી આવે છે તે જાણવાની ક્ષમતાનો છે. આના કારણે અવાજની દિશા સાથે આસપાસના અવાજોની વચ્ચે પણ સારી રીતે સાંભળી શકાય છે. આથી, બંને કાન પર હીઅરિંગ એઈડ્સ લગાવવાં હિતાવહ છે.

NHSના કે પ્રાઈવેટ હીઅરિંગ એઈડ્સ?

NHSના હીઅરિંગ એઈડ્સનું ઉત્પાદન પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ કરાય છે અને સામાન્ય ઉપયોગ માટે તેની જથ્થાબંધ ખરીદી થાય છે. કોમર્શિયલ હીઅરિંગ એઈડ્સ જેવાં જ સારા હોવાં સાથે હીઅરિંગ એઈડ વિભાગોમાંથી લોન પર સરળતાથી મેળવી શકાય છે. હવે મોટા ભાગના ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટ્સમાંથી આધુનિક ડિજિટલ હીઅરિંગ એઈડ્સ મળી શકે છે.
ધીરજ અને ચીવટઃ શ્રવણયંત્ર મેળવવું તે વાતચીત કે સાંભળવાની તકલીફો સાથે અનુકૂળતા સાધવામાં પહેલું પગથિયું છે. સતત વધતી બહેરાશ પર ધ્યાન ન અપાય તો સાંભળવાની ક્ષમતા પણ ગુમાવી બેસાય, જેના કારણે હીઅરિંગ એઈડના ઉપયોગ સાથે અનુકૂલન પણ મુશ્કેલ બને છે. વધારાયેલા અવાજ સાથે ફરીથી સાંભળવા માટે નવી પ્રોસેસિંગ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ શીખવામાં સમય લાગે છે. જોકે, હીઅરિંગ એઈડ પહેરવા અંગે જે કલંક સંકળાયેલું છે તે આજે પણ મુખ્ય અવરોધ છે.

હીઅરિંગ એઈડની કાળજી કેવી રીતે લેશો

હીઅરિંગ એઈડનો ઉપયોગ કરતા તમામ દર્દીને સાધનના ઉપયોગ વિશે માહિતી-સૂચનો અપાય છે તેમજ ઘરમાં રેફરન્સ અને ઉપયોગ માટે હીઅરિંગ એઈડ પુસ્તિકા પણ અપાય છે. કેટલાક વ્યવહારુ સૂચનો...
• હીઅરિંગ એઈડને સ્વચ્છ - ભેજરહિત રાખો.
• તેમને કઠણ સપાટી પર પડવા ન દેશો.
• વધારાની બેટરી વેળાસર મળે તેવી રાખો.
• રાત્રે સૂતી વેળાએ આ સાધન હંમેશા એક જ જગ્યાએ મૂકવાની આદત રાખો.
• પરિવારજનો હીઅરિંગ એઈડ સાથે માહિતગાર રહે તેમ કરો.
• પાલતુ પ્રાણીઓને હીઅરિંગ એઈડથી દૂર રાખો.
• હીઅરિંગ એઈડને દર છ મહિને કે જરૂરી પડયે વહેલા ચેક કરાવો.
• શક્ય હોય તો ઈમર્જન્સી માટે વધારાનું હીઅરિંગ એઇડ રાખશો.

વિશ્વખ્યાત ઇએનટી નિષ્ણાત ડો. નવનીત શાહ

ડો. નવનીત શાહનો જન્મ ૧૯૩૩માં ગુજરાતના અમદાવાદથી ૧૦૦ કિમીના અંતરે આવેલા ખોબા જેવડા ગાબટ (તા. બાયડ,  જિ. સાબરકાંઠા) ગામે થયો હતો. ત્રીજા વિશ્વના નાના ગામથી ડો. શાહે વિશ્વના નામાંકિત ઇઅર સર્જન તરીકે સફળતા મેળવી છે.

વર્તમાનઃ માનદ્ સર્જન, ધ રોયલ નેશનલ થ્રોટ, નોઝ એન્ડ ઈઅર હોસ્પિટલ, લંડન.
પૂર્વઃ નુફિલ્ડ હીઅરિંગ એન્ડ સ્પીચ સેન્ટરમાં કન્સલ્ટન્ટ ઓટોલોજિસ્ટ, પ્રોફેશનલ યુનિટના માનદ્ સીનિયર લેક્ચરર અને ડાયરેક્ટર, યુનિવર્સિટી ઓફ લંડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ લેરિન્ગોલોજી એન્ડ ઓટોલોજીના વાઈસ-ડીન.
મેમ્બરઃ ફેલો ઓફ રોયલ સોસાયટી ઓફ મેડિસિન, પ્રેસિડેન્ટ સેક્શન ઓફ ઓટોલોજી ૧૯૯૦-૯૧, મેમ્બર સેક્ટ્સ ઓફ લેરિન્ગોલોજી એન્ડ ઓટોલોજી, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોલેરિન્ગોલોજિસ્ટ્સ.
પૂર્વઃ કોમનવેલ્થ સોસાયટી ફોર ધ ડેફમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ઓન. મેડિકલ એડવાઈઝર એન્ડ વાઈસ ચેરમેન, ફ્રાન્સના બોર્ડેક્સસ્થિત પોર્ટમાન ફાઉન્ડેશનમાં ઓન. પ્રોફેસર, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન-GB ના પ્રેસિડેન્ટ, થાઈલેન્ડના માહિડોલની સિરિરાજ હોસ્પિટલમાં વિઝિટિંગ પ્રોફેસર, થાઈલેન્ડના બેંગકોકની હીઅરિંગ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના સીનિયર વાઈસ-પ્રેસિડેન્ટ, ચીનના નાન્જિંગની જિઆંગ્સુ પ્રોવિન્સ હોસ્પિટલના વિઝિટિંગ પ્રોફેસર.
શોખઃ વાંચન, કરન્ટ અફેર્સ, પ્રવાસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter