વેક્સિનથી નહિ, કોવિડ સંક્રમણ પછી બ્રેઈન બ્લડ ક્લોટની ૧૦ ગણી શક્યતા

Wednesday 05th May 2021 06:36 EDT
 
 

લંડનઃ વેક્સિન લગાવ્યા પછી બ્લડ ક્લોટ થવાનો ભય લોકોમાં ફેલાઈ ગયો છે જેનાથી વેક્સિનેશનને પણ અસર થાય છે. જોકે, વાસ્તવિકતા અલગ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર વેક્સિનની સરખામણીએ કોવિડના સંક્રમણ પછી સેરેબ્રલ વેનસ સાઈનસ થ્રોમ્બોસિસ (CVST) અથવા બ્રેઈન બ્લડ ક્લોટ લાગવાની શક્યતા ૧૦ ગણી હોય છે જ્યારે વેક્સિન પછી પણ ૨૬,૦૦૦ લોકોમાંથી માત્ર એક વ્યક્તિને CVSTનું જોખમ રહે છે. આમ વેક્સિન નહિ લગાવવાથી જોખમ વધી જાય છે. CVST એવી કંડિશન છે જેમાં બ્રેઈનમાંથી આવતી શિરામાં લોહી ગંઠાય છે જેના કારણે બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે.

વેક્સિનથી લોહી ગંઠાઈ જવાના કેસીસ અને મોતના અહેવાલો ફેલાતા ઘણા લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે ત્યારે સંશોધકોએ યુએસએના ડેટાનો અભ્યાસ કર્યો હતો. કોરોના પોઝિટિવ થયા પછી કેટલા લોકોને CVSTનું નિદાન થયું તેના અભ્યાસમાં જણાયું હતું કે અંદાજિત દર પ્રતિ મિલિયન વ્યક્તિએ ૩૯ કેસનો એટલે કે ૦.૦૦૩૯ ટકા અથવા તો દર ૨૫,૬૪૧ લોકોમાં એક કેસનો હતો.

જે લોકોએ ફાઈઝર અથવા મોડેર્નાની વેક્સિન લીધી હતી તેમનામાં આ દર પ્રતિ મિલિયન વ્યક્તિએ ૪ કેસનો એટલે કે ૦.૦૦૦૩૯ ટકા અથવા તો દર ૨૫૦,૦૦૦ લોકોમાં એક કેસનો હતો. આ ઉપરાંત, યુરોપિયન ડેટાના અભ્યાસમાં જણાયું હતું કે એસ્ટ્રેઝેનેકા વેક્સિન લીધા પછી જોખમનો દર પ્રતિ મિલિયન વ્યક્તિએ ૫ કેસનો એટલે કે ૦.૦૦૦૫ ટકા અથવા તો દર ૨૦૦,૦૦૦ લોકોમાં એક કેસનો હતો.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના બાયોમેડિકલ રિસર્ચ સેન્ટરના ડો. જ્હોન ગેડેસ અનુસાર કોઈને કોવિડ થાય તેની સરખામણીએ આ જોખમ ઘણું જ ઓછું છે. સંશોધકોનું કહેવું છે કે કોવિડ વેક્સિન લગાવવાથી થતાં કોમ્પ્લિકેશન્સની સરખામણીએ કોવિડના ચેપથી વધુ સમસ્યા સર્જાય છે. લોહી ગંઠાવાની શક્યતા તદ્દન ઓછી છે અને સામૂહિક રસીકરણનો લાભ જોખમ કરતાં ઘણો વધુ છે. આ અભ્યાસમાં કેવિડ અથવા ફ્લુનું નિદાન અથવા ફાઈઝર કે મોડેર્નાની વેક્સિન લીધાના બે સપ્તાહમાં CVST ડેવલપ થવાનું જોખમ નજરમાં લેવાયું હતું. અભ્યાસમાં મોટા ભાગના યુએસના સહિત ૫૦૦,૦૦૦ લોકોના ડેટા તપાસાયા હતા. લોકોમાં કોવિડના સંક્રમણ પછી લોહી ગંઠાવાના જોખમની સરખામણીએ ફાઈઝર કે મોડેર્નાની વેક્સિન લીધા પછી CVSTનું જોખમ આઠ ગણું ઓછું હતું જ્યારે યુરોપમાં એસ્ટ્રેઝેનેકા વેક્સિન લીધા પછી આ જોખમ આઠ ગણું ઓછું જણાયું હતું. યુએસમાં એસ્ટ્રેઝેનેકા વેક્સિન ઉપયોગ કરાતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter