વેજિટેબલ મિલ્કઃ ટ્રાય કરવા જેવું છે...

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 09th March 2016 11:40 EST
 
 

દૂધને વેજિટેરિયન કહેવાય કે નહીં? જેટલા માથા એટલા વિચાર છે. કેટલાક કહે છે કે હા, દૂધ વેજિટેરિયન છે અને કેટલાક કહે છે કે ના. મૂંગા પ્રાણીઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધે એ માટે એમને ઓક્સિટોસિન હોર્મોન્સનાં ઇન્જેકશન્સ આપીને આર્ટિફિશિયલી દૂધની ક્વોન્ટિટી વધારવામાં આવે છે અને એમને દૂધના મશીનની જેમ ટ્રીટ કરવામાં આવે છે. ઘણા વળી એવું માને છે કે જેમ હ્યુમન મિલ્ક માત્ર નવજાત બાળકો માટે જ હોય છે તો પછી ગાય-ભેંસ, ઘોડા, ગધેડા બકરી કે ઘેટાંનું દૂધ શા માટે એમના બચ્ચાઓને આપવાને બદલે માણસો પી જાય? આ સવાલ સંવેદનશીલ છે. આથી જ PETA નામથી જાણીતી પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ નામની સંસ્થા લોકોને એનિમલ મિલ્કને બદલે વેજિટેબલ મિલ્ક પીવાનો અનુરોધ કરે છે. આ વેજિટેબલ મિલ્ક તમે ઘરે કઇ રીતે બનાવી શકો? વાંચો આગળ.

સોયામિલ્ક

• ૧૦૦ મિલીલિટરમાં ૧૪૦ કેલરી

કઇ રીતે બનાવશો?ઃ સોયાબીનને ધોઈને થોડાં હૂંફાળા પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે એ પાણી કાઢી નાખીને એમાં બીજું પાણી ઉમેરી કુકરમાં બાફવા મૂકો. સોયાબીન બરાબર બફાઈ જાય એ માટે કુકરની સાત-આઠ સીટી વગાડવી પડશે. બરાબર ચડી ગયેલા સોયાબીન ઠંડા પડે પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખો. જરૂર પડ્યે સોયાબીન બાફવા માટે ઉપયોગમાં લીધેલું પાણી ઉમેરો. આ મિશ્રણને કપડાથી બરાબર ગાળી લો. આ મિશ્રણને બરાબર ઉકાળો. થોડુંક ઘટ્ટ થાય એટલે સમજી લો સોયાબીન મિલ્ક તૈયાર છે. જોકે કોઈ ફ્લેવર વિના બાળકોને એ પીવું નથી ગમતું એટલે એમાં કેસર-પિસ્તાં, અંજીર, ઇલાયચી કે ડ્રાયફ્રુટ્સ નાખીને બાળકોને ભાવે એવી ફ્લેવર તૈયાર કરી શકો છો.

લાભઃ વેજિટેબલ પ્રોટીનનો ઉત્તમ સ્રોત હોવાથી બાળકોના ગ્રોથ માટે ખૂબ સારું ગણાય છે. સોયાબીનમાં ચેરલ ઇસ્ટ્રોજનનું પ્રમાણ સારુ એવું હોવાથી સ્ત્રીઓને માસિક તકલીફો, ફર્ટિલિટી તેમજ મેનોપોઝ જેવી સમસ્યાઓમાં ફાયદો કરે છે. બોડીનું ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે. જોકે શરીરમાંથી ચરબી ઘટાડવી હોય તો સોયમિલ્ક પીને એક્સરસાઇઝ કરવી મસ્ટ છે.

પીનટ મિલ્ક

• ૧૦૦ મિલીલીટરમાં ૬૦ કેલરી

કઇ રીતે બનાવશો?ઃ એક કપ સિંગદાણાને બે કપ પાણીમાં પાંચથી છ કલાક ઓવરનાઇટ પલાળી રાખો. સવારે એનાં છોતરાં કાઢીને એ પાણીમાં ગ્રાઈન્ડ કરી લેવા. એણાં બીજું બે કપ પાણી ઉમેરીને એને વધુ પાતળું એકરસ થાય એ રીતે ગ્રાઇન્ડ કરવું. કપડાં વડે આ પ્રવાહીને ગાળી લેવું. પીનટ મિલ્ક તૈયાર છે.

લાભઃ ખૂબ સરળતાથી ઘરે જ બની શકે એવો ઓપ્શન છે. પરંતુ બહુ ઓછા લોકોને માફક આવે છે. ડેરી પ્રોડક્ટ સદતી ન હોય તેમના માટે પ્રોટીન મેળવવાનો આ સારો વિકલ્પ છે.

આલ્મન્ડ મિલ્ક

• ૧૦૦ મિલીલીટરમાં ૭૦ કેલરી

કઇ રીતે બનાવશો? સિંગદાણાના દૂધની જેમ જ બનાવી શકાય.

લાભઃ ડેરી પ્રોડક્ટ્સની સરખામણીએ આ દૂધ લો-કેલરી હોવા છતાં પોષણની દૃષ્ટિએ ઉત્તમ છે. એમાં પુષ્કળ વિટામિન-ઈ હોય છે. આથી સ્કિન અને વાળ માટે ઉત્તમ છે. બાહ્ય ઉપચાર તેમજ પીવામાં એ વાપરી શકાય છે. સોયમિલ્ક કરતાં પણ સારો ઓપ્શન માનવામાં આવે છે, પરંતુ એ મોઘું પડતું હોવાથી એનો વપરાશ વધતો નથી.

કોકોનટ મિલ્ક

• ૧૦૦ મિલીલિટરમાં ૨૨૦ કેલરી

કઇ રીતે બનાવશો?ઃ પાકા કોપરાનો અંદરનો ગર કાઢીને એના નાના ટુકડા કરવા. એમાં ખૂબ જ થોડુંક પાણી નાખીને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા. તૈયાર થયેલી પેસ્ટને કપડાં વડે દબાવીને ગાળતાં જે પ્રવાહી નીકળે એ છે કોપરાનું દૂધ. આ મિલ્ક હવે તો તૈયાર મળે છે અને ખૂબ બધી વાનગીઓમાં પણ વપરાય છે.

લાભઃ એમાં વિપુલ માત્રામાં મેન્ગેનીઝ રહેલું છે તેના કારણે રક્તવાહિનીમાં ફલેક્સિબિલિટી આવે છે અને બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. પ્રોટીન પુષ્કળ મળતું હોવાથી મસલ્સ અને નર્વ્સની કાર્યક્ષમતા વધે છે. અન્ય ખનીજ ક્ષારો સારી એવી માત્રામાં હોવાથી હાડકાં મજબૂત થાય છે અને ઇમ્યુન સિસ્ટમ સુધરે છે.

રાઇસ મિલ્ક

• ૧૦૦ મિલીલિટરમાં ૧૧૦ કેલરી

કઇ રીતે બનાવશો?ઃ એક કપ લાંબા મોટા બ્રાઉન રાઇસને ધીમી આંચ પર શેકી લો. ઠંડા પડે એટલે એમાં આઠ કપ પાણી ઉમેરીને એને ભાતની જેમ ઢાંકીને ચડવા દો. બધા જ ચોખા ગળી જાય અને પુડિંગ જેવું થઈ જાય ત્યાં સુધી બોઈલ કરો. ઠરે એટલે એમાં થોડું-થોડું પાણી નાખીને બ્લેન્ડ કરો. આઠ કપ જેટલું પાણી ઉમેરો. પછી કપડાં વડે એને દબાવીને ગાળશો એટલે તૈયાર થઈ ગયું ચોખાનું દૂધ.

લાભઃ કોલેસ્ટરોલ ઘટાડીને હાર્ટની તકલીફમાં ફાયદો કરે, વજન ઘટાડવામાં મદદ કરે તેમજ ઇમ્યુન સિસ્ટમ વધારે. ફેટવાળી ડેરી પ્રોડ્ક્ટસ કરતાં એ ફાયદાકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter