શરીરને બીમારીથી બચાવવું હોય તો ઊંઘ પણ એટલી જ આવશ્યક

Saturday 12th March 2022 07:24 EST
 
 

આગલા દિવસે સરખું સૂઇ ન શક્યા હો તો બીજો આખો દિવસ બગડે છે, આખો દિવસ તેને કારણે કામમાં મન નથી લાગતું. ઊંઘ આવ્યા કરે છે, તન-મનમાં સુસ્તી વર્તાય છે એટલું જ નહીં ઘણાંને તેના કારણે માથાનો દુઃખાવો, એસિડિટીની સમસ્યા, ચીડિયાપણું વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અપૂરતી ઊંઘ આપણા મસ્તિષ્કના હાઇપોથેલેમસમાં સક્રિય રહેતા ન્યૂરોન્સના એક ચોક્કસ ભાગની નિયમિત કામગીરીમાં વિક્ષેપ પાડે છે. અને અહીં જ ઓરેક્સિન નામક હોર્મોન સક્રિય હોય છે, જે આપણાં ખોરાકસંબંધિત વ્યવહારને નિયંત્રિત કરે છે. આ કારણસર જ પૂરતી ઊંઘ ન થાય તો તેમાં પણ તકલીફ સર્જાતી હોય છે. તે સિવાય શું શું સમસ્યા થાય છે તે વિશે જાણકારી મેળવીએ.
ઓછી અને અપૂરતી ઊંઘનો પ્રભાવ મગજની કાર્યશૈલી પર પડે છે જેના કારણે કામકાજમાં એકાગ્રતા ન રહેવી, યાદશક્તિ નબળી પડવી તેમજ નિર્ણય લેવામાં વિલંબ થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આપણાં શરીરમાં સતત કાર્યશીલ એવા હૃદયને પણ અપૂરતી ઊંઘ નુકસાનકર્તા છે. હૃદય નબળું પડવા ઉપરાંત થોડું ચાલવાથી હાંફી જવું, શ્વાસ લેવામાં સામાન્યથી વધુ પરિશ્રમ લાગવો જેવી તકલીફ રહે છે. જો તમને પણ ઊંઘની સમસ્યા સતાવતી હોય તો તેને દૂર કરવા અહીં દર્શાવેલા ઉપાય અજમાવી શકો છો.
રાત્રે સૂતા પહેલાં નવશેકા ગરમ પાણીથી નાહી લેવું સારી ઊંઘ માટે લાભદાયી છે. નવશેકા પાણીને કારણે આપણા શરીરની માંસપેશીઓ રિલેક્સ થવા ઉપરાંત શરીરનું આંતરિક તાપમાન પણ નીચું લઇ જાય છે. નાહી લીધા બાદ ચુસ્ત અને જાડાં વસ્ત્રો પહેરવાના બદલે હળવાં અને ઢીલાં કપડાં પહેરવાં જોઈએ. રાત્રીના ભોજનમાં ભારેખમ ખોરાકને બદલે ઊંઘવાના બે કલાક પહેલાં ખીચડી જેવો હલકો ખોરાક લેવો જોઈએ. આવો ખોરાક પચવો સરળ છે જેના કારણે પેટમાં ગેસ, એસિડિટી અને બળતરા જેવી સમસ્યા નથી રહેતી. રાત્રે સૂતા પહેલાં નવશેકું ગરમ દૂધ પીવું પણ સારી ઊંઘ માટે ઉપયોગી છે.
કસરત કરવી શરીર માટે જરૂરી છે પણ સૂતાં પહેલાં વધારે પડતી કસરત કે બહુ ચાલવું નહીં. સૂતા પહેલાં ચાલવાની આદત હોય તો ૩૦ મિનિટથી વધારે ન ચાલવું. આ વાત ખાસ નોકરિયાત વર્ગને લાગુ પડે છે.
ચા, કોફી, કોલ્ડ ડ્રિન્ક કે ચોકલેટ જેવા ખોરાકમાં વત્તાઓછા પ્રમાણમાં કેફિનનું તત્ત્વ હોય છે જે શરીરમાં આઠ કલાક સુધી સક્રિય રહી શકે. બપોર બાદ એક કપ ચા કે કોફી વહેલાસર ઊંઘવામાં નડતરરૂપ છે. એ સિવાય નિકોટીન તત્ત્વ પણ એટલું જ નુકસાનકર્તા છે અને તેનો મુખ્ય સ્ત્રોત બીડી-સિગારેટ છે. આથી રાત્રે સૂતાં પહેલાં ધૂમ્રપાન કરવાથી ઊંઘ ઊડી જવા જેવી સમસ્યા રહે છે. દિવસ દરમિયાન ઊંઘની ઝપકી લઈ લેવાથી ઊંઘની કમી તો પૂરી થઈ જાય છે, પરંતુ એકથી બે કલાકની ઊંઘ તમારી રાત્રિની ઊંઘ બગાડી શકે છે. આથી દિવસ દરમિયાન બને તેટલું ઓછું ઊંઘવું રાત્રિની ગાઢ નિદ્રા માટે લાભદાયી છે.
આમ તો રાત્રે કોઈ મીઠો ખોરાક કે મીઠું પીણું પીવાથી પણ સારી ઊંઘ આવે છે, પણ અનિદ્રાની સમસ્યા નિવારવા માટે દૂધ અને મધનો ઉપયોગ બહુ જૂનો અને કારગર છે. એ સિવાય વરિયાળીનું સેવન પણ ઉપયોગી છે. ખાસ કરીને વરિયાળીનું શરબત પીવું પણ સારી ઊંઘ માટે લાભદાયી છે.
ઊંઘવાના નિશ્ચિત સમય પહેલાં સારાં પુસ્તકો વાંચવાં પણ લાભદાયી છે. જોકે આ દરમિયાન પાછળથી પ્રકાશ આવે તે રીતે બેસીને પુસ્તકો વાંચવાનો આગ્રહ રાખવો. તમને ગમતું પુસ્તક વાંચવું, હળવું મ્યુઝિક સાંભળવું, આ તમામ બાબતો તમને સારી ઊંઘ આપવા સક્ષમ છે. જે લોકોને વાંચવાનો શોખ ન હોય તેઓ હળવું મ્યુઝિક સાંભળી શકે છે. હંમેશા યાદ રાખો, બહુ ફાસ્ટ અને રોક સોંગ સૂતા સમયે ન સાંભળવાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter