શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરશે 10 મિનિટના મિની યોગ

Wednesday 14th January 2026 05:58 EST
 
 

ભાગદોડભરી જિંદગીમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને સંતુલિત કરી શકે છે, સાથે જ શ્વાસની ગતિને ધીમી કરીને મગજને પણ શાંત કરે છે. તે કાર્યક્ષમતાને 15–20 ટકા સુધી વધારી શકે છે- જેના લીધે કામની ગતિ પણ વધશે અને કામની ગુણવત્તા પણ.

1) વજ્રાસન (1 મિનિટ)
રીતઃ ઘૂંટણને વાળીને એડી પર બેસો. પીઠ સીધી રાખો અને હથેળીને ઘૂંટણ પર મૂકો. તમારું ધ્યાન શ્વાસ પર રાખો અને આંખ બંધ કરીને સામાન્ય શ્વાસ લેતા રહો.
ફાયદોઃ આ પાચન સુધારે છે. મનને શાંત કરે છે અને ધ્યાનની તૈયારી માટે ઉચિત છે.

2) અનુલોમ-વિલોમ (2 મિનિટ)
રીતઃ જમણા હાથના અંગૂઠાથી જમણી નાસિકા બંધ કરો અને ડાબી નાસિકાથી શ્વાસ લો. પછી ડાબી નાસિકા બંધ કરીને જમણીમાંથી શ્વાસ છોડો. હવે જમણી નાસિકામાંથી શ્વાસ લો અને ડાબીમાંથી છોડો.
ફાયદોઃ આ માનસિક સંતુલન આપે છે, ગુસ્સો, બેચેની અને ગભરામણ શાંત કરે છે.
3) બાલાસન (1 મિનિટ)
રીતઃ વજ્રાસનથી આગળ ઝૂકો, માથું જમીન પર મુકો. હાથ આગળની તરફ ફેલાવો. બિલકુલ નાના બાળકની જેમ.
ફાયદોઃ આ મુદ્રા માનસિક શાંતિ આપે છે. કરોડરજ્જુને આરામ આપે છે. તણાવ દૂર કરે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે.
(4) ભુજંગાસન (1 મિનિટ)
રીતઃ પેટના ટેકે સૂઈ જાઓ, હાથને ખભાની નીચે રાખો અને શ્વાસ લેતાં જઈને માથું અને છાતી ઊપર ઊંચકો. કોણી થોડી વાળેલી રાખો.
ફાયદોઃ પીઠને મજબૂત કરે છે. ફેફસાં ફેલાવે છે અને શરીરમાં સ્ફૂર્તિ લાવે છે. કરોડરજ્જુની લવચીકતા વધારે છે.
5) અર્ધચક્રાસન (1 મિનિટ)
રીતઃ સીધા ઊભા રહીને બંને હાથ કમર પર મૂકો અને શ્વાસ લેતાં જઈને ધીમે-ધીમે પાછળની તરફ વાંકા વળો. માથું થોડું પાછળ લઈ જાઓ.
ફાયદોઃ થાક દૂર કરે છે અને કરોડરજ્જુ ફ્લેક્સિબલ બનાવે છે. છાતી પહોળી કરે છે અને બેસવાની ખરાબ મુદ્રા સુધારે છે.
6) તાડાસન (2 મિનિટ)
રીતઃ સીધા ઊભા રહીને બંને હાથ ઊપર ઊંચા કરો અને શરીરને આંગળીઓ સુધી ખેંચો. એડીને ઊંચી કરી સંપૂર્ણ શરીરનો ભાર પંજા પર લાવો અને દૃષ્ટિ સામે રાખો.
ફાયદોઃ આ આસન ફેફસાંને મજબૂત કરે છે અને એકાગ્રતા વધારે છે. શરીરનું સંતુલન સુધરે છે અને માંસપેશીઓમાં ખેંચાવ લાવીને તેમને મજબૂત બનાવે છે.
7) કપાલભાતિ (2 મિનિટ)
રીતઃ કરોડરજ્જુ સીધી રાખીને સુખાસન કે પદ્માસનમાં બેસો. નાક વડે જોરથી શ્વાસ બહાર છોડો અને સાથે પેટને અંદર તરફ ખેંચો. શ્વાસ આપમેળે પાછો આવશે.
ફાયદોઃ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ઊર્જા પૂરી પાડે છે. પેટની ચરબી ઘટાડવા./પાચન સુધારવા અને મનને સાફ તથા સક્રિય કરવામાં મદદ કરે છે.

યોગ-પ્રાણાયામ સવારે શા માટે અમૃતસમાન?
સવારે જાગતાં જ પથારી ત્યાગીને યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરવો આપણા શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ફાયદાકારક રહે છે. સવારે થોડી મિનિટ આંખ બંધ કરીને શરીર અને ચહેરા પર તડકાનો સ્પર્શ લો, જે વિટામિન-ડી, ઊંઘના હોર્મોન સિરોટોનિન અને બોડી ક્લોક માટે અમૃત સમાન છે.
સવારના સમયમાં વાતાવરણમાં પ્રાણવાયુ સૌથી વધુ સક્રિય હોય છે. વૈજ્ઞાનિક રિસર્ચ જણાવે છે કે, સવારના સમયે વાયુમાં ઓક્સિજનનું સ્તર વધુ હોય છે અને સૂર્યનાં પ્રથમ કિરણોમાં વાઇટલ એનર્જી (Vital Photons) હોય છે, જે સૂર્યના તીવ્ર થતાં જ વાતાવરણમાંથી ક્ષીણ થવા લાગે છે.

તાજગીપૂર્ણ વાતાવરણમાં 10-15 મિનિટ વિતાવો
સવાર-સવારમાં કોઈ બગીચો, બાલકની, બીચ કે ખુલ્લા મેદાનમાં જ્યાં તાજી હવા અને સૂર્યનાં પ્રથમ કિરણો સરળતાથી મળે- ત્યાં બેસીને ઓછામાં ઓછી 10-15 મિનિટ પ્રાણાયામ જરૂર કરો. આ શુદ્ધ વાયુ અને પ્રકાશ શરીર માટે પ્રથમ અને સૌથી મહત્ત્વનો આહાર બને છે - જે કોશિકાઓને ઊર્જા આપે છે, મગજને સક્રિય કરે છે અને દિવસભરના તણાવ સામે લડવાની તાકાત પૂરી પાડે છે.

ખાસ યાદ રાખો કે બધા યોગાસન વિશેષજ્ઞની સલાહ અને માર્ગદર્શનમાં જ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter