શાકાહારથી 17 પ્રકારના કેન્સરનું જોખમ 21 ટકા સુધી ઘટતું હોવાનું તારણ

Sunday 22nd March 2026 09:24 EDT
 
 

લંડન: બ્રિટિશ કેન્સર જર્નલમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના અહેવાલમાં એક અભ્યાસના આધારે તારણ રજૂ થયું છે કે શાકાહારથી કેન્સરનું જોખમ ઘટી જાય છે. ભોજનની આદતને કેન્સર સાથે સંબંધ છે એવું સાબિત કરતા આ સંશોધનમાં જુદા જુદા પ્રકારના કેન્સર પર શાકાહાર અને માંસાહાર પર સરખામણી કરવામાં આવી હતી. જોકે, આંતરડાંના કેન્સરનું જોખમ માંસાહારીઓની સરખામણીએ શાકાહારીઓમાં વધારે જોવા મળ્યું હતું, કારણ કે માંસાહારની સરખામણીએ શાકાહારમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે.
આ અભ્યાસ માટે સંશોધકોએ 18 લાખ શાકાહારીઓ અને 18 લાખ માંસાહારીઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જણાયું કે શાકાહારથી 17 પ્રકારના કેન્સરનું જોખમ 21 ટકા સુધી ઘટી જાય છે. જેમાં પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સ્વાદુપિંડના કેન્સરનો સમાવેશ થાય છે. શાકાહારી મહિલાને બ્રેસ્ટ કેન્સરનું જોખમ માંસાહારી મહિલાઓની સરખામણીએ નવ ટકા ઓછું હોય છે. કિડનીના કેન્સરમાં તો શાકાહારીઓ અને માંસાહારીઓમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. શાકાહારીઓની સરખામણીએ માંસાહારીઓ પર કિડનીના કેન્સરનો ખતરો 28 ટકા વધારે જોવા મળ્યો હતો.
આ ગ્લોબલ સ્ટડીમાં એમ પણ જણાયું હતું કે વેજિટેરિયન અને વીગન ખોરાકથી એક તરફ 17 પ્રકારના કેન્સરનું જોખમ ઘટે છે, પરંતુ એક-બે પ્રકારના કેન્સરનું જોખમ શાકાહારીઓ પર - માંસાહારીઓની સરખામણીએ - વધુ રહે છે. ખાસ તો વિટામીન બીની ખામી કે વિટામીનની ઉણપથી જેનું જોખમ વધે છે તેવા કેન્સર શાકાહારીઓને થવાની શક્યતા છે. જેમ કે, આંતરડાંનું કેન્સર માંસાહારીઓને થવાની શક્યતા શાકાહારીઓની સરખામણીએ 40 ટકા ઓછી હોય છે. એ જ રીતે અન્નનળીનું કેન્સર થવાનું જોખમ શાકાહારીઓને વધારે જોવા મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter