શિયાળામાં આયુર્વેદિક ઉપચારોથી આરોગ્યઃ રેનોડ્સ ફીનોમિનનનો સામનો કેવી રીતે કરશો?

ડો. સ્મિતા નરમ Monday 23rd December 2019 16:14 EST
 
 

શિયાળાની ઋતુમાં ઘણા લોકોને હાથ - પગ ઠંડા પડી જાય છે અને ઝણઝણાટી તથા પીડા અનુભવવા સાથે ભૂરા, સફેદ અને લાલ પણ પડી જાય છે. આ સ્થિતિ રેનોડ્સ ફીનોમિનન (Raynaud’s phenomenon) તરીકે ઓળખાય છે જેમાં રક્તવાહિનીઓ સંકોચાય છે ને આંગળી સુધી લોહીનો પુરવઠો પહોંચતો ઘટે છે. આનું મુખ્ય કારણ ‘આમ’ વિષો લોહીની નાની નળીઓમાં જમા થવાથી તે સાંકડી બને છે અથવા વાત (વાયુ)નો પ્રકોપ વધી જાય છે. આ સ્થિતિ જીનેટિક પણ હોય છે જે વારસાગત આવી શકે છે. આ સ્થિતિ માટેનાં મુખ્ય કારણોમાં સ્ટ્રેસ કે તણાવ, આહારની અયોગ્ય આદતો અને ઠંડુ તાપમાન છે જેમાં રોગપ્રતિકાર શક્તિ ધમની પર હુમલો કરે છે. અન્ય લક્ષણોમાં ઝણઝણાટી થવી કે અંગો સુન્ન થઈ જવા, કાંટા કે સોય વાગવાની પીડા તેમજ અસરગ્રસ્ત અંગના હલનચલનમાં મુશ્કેલી વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક લોકોને કાન, નાક, હોઠ અને સ્તનદીંટ પર પણ અસર જણાય છે.
આ સ્થિતિનો સામનો કરવા કેટલાક સૂચનોઃ
• નિયમિત કસરત કરવી જેનાથી રક્ત પરિભ્રમણમાં સુધારાને મદદ મળશે
• હળવા થવામાં મદદ કરી શકે શ્વસન કસરતો અથવા યોગ કરવા
• વધારે પડતા ચા, કોફી કે કોલા પીશો નહિ - કેફિન અને અન્ય ઉત્તેજક પદાર્થો તમને હળવા રહેવાથી અટકાવે છે.
• ધૂમ્રપાન બંધ કરશો.
આયુશક્તિનો અભિગમ રક્ત પરિભ્રમણને સુધારવાનો છે તેમજ આહાર અને ચોક્કસ પ્રકારની વનસ્પતિ-જડીબુટીઓ થકી છેવાડાના અંગોમાં રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા સુધારવામાં મદદ કરવાનો રહે છે. તમે જ્યારે આમ ઘટાડો છો ત્યારે બ્લોકેજ પણ ઘટે છે અને વાત-વાયુના ઘટવા સાથે ધમનીઓ પર તણાવ ઘટે છે અને તેમાં સ્થિતિસ્થાપકતા વધે છે.
આહારઃ ઘઊં, ગ્લુટેન, વધુ પડતા તળેલા પદાર્થ કે રેડ મીટ લેવાનું ટાળો.
લાઈફસ્ટાઈલઃ ધૂમ્રપાન બંધ કરો. હાથ-પગ ગરમ મોજાંથી ઢંકાયેલા રહે તેવી કાળજી રાખો. દરરોજ ચાલવા સહિતની કસરતો કરવાથી રક્તપરિભ્રમણ થતું રહેશે. આદુ, અજમો અને ડુંગળીનો રસ મેળવી પેસ્ટ બનાવો અને તેને દરરોજ ૧૫-૨૦ મિનિટ સુધી લેપ લગાવવો તેમજ હાથ અને પગને મીઠાવાળાં હુંફાળા ગરમ પાણીમાં ડૂબાવવા.
આ સાથે જણાવેલું હુંફાળું મિશ્રણ દિવસમાં બે વખત પીવાનું રાખશોઃ
• ૨ ચમચી ડુંગળીનો રસ
• ૧/૨ ચમચી આદુનો રસ
• ૧/૨ ચમચી લસણનો રસ
• ૧/૪ ચમચી અજમો
• ૧ ચમચી ધાણાનો પાવડર
• ૧/૨ ગ્લાસ હુંફાળાં પાણી સાથે
તમારે આ ડ્રિન્ક ઓટમ (પાનખર) ઋતુના આરંભ સાથે વેળાસર લેવાનું ચાલુ કરવું જોઈએ જેનાથી તમારા રક્ત પરિભ્રમણમાં સારી મદદ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter