શિયાળામાં કાળા તલનું સેવન તમને રાખશે નિરોગી

Sunday 03rd March 2024 08:15 EST
 
 

શિયાળાની શરૂઆત થાય એટલે તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવાની પણ શરૂઆત થઈ જાય છે. કારણ કે શિયાળામાં તલ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તલ બે પ્રકારના હોય છે એક કાળા અને બીજા સફેદ. બંને તલનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓમાં કરવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો કાળા તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્ત્વો બીમારીનું જોખમ ટાળે છે. કાળા તલમાં પોલીસેચ્યુરેટેડ ફેટી એસિડ, ઓમેગા-6, ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે મેન્ટલ હેલ્થ પણ સુધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. શિયાળામાં કાળા તલ ખાવામાં આવે તો કબજિયાતથી લઈને એસિડિટી સંબંધિત પાચનની સમસ્યાઓ મટી જાય છે. કાળા તલનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓને મટાડી શકાય છે કારણ કે તેનાથી પાચન ક્રિયા સુધરે છે અને વર્ષો જૂની કબજિયાતની સમસ્યા પણ મટી જાય છે. શિયાળામાં કાળા તલનું સેવન કરવાથી શરીરને જરૂરી કેલ્શિયમ મળે છે. તેના કારણે શિયાળામાં થતા સાંધાના દુખાવામાં રાહત થાય છે. જે લોકોને ગાઉટની સમસ્યા હોય તેમણે કાળા તલ અવશ્ય ખાવા જોઈએ. શિયાળામાં કાળા તલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. કાળા તલમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને વાઇરલ બીમારીઓ સામે શરીરનું રક્ષણ કરે છે. કાળા તલમાં મેગ્નેશિયમ વિટામિન-બી ભરપૂર માત્રામાં હોય છે, જે મગજ માટે ફાયદાકારક છે. તેનાથી મેન્ટલ સ્ટ્રેસ દૂર થાય છે. કાળા તલમાં જે પોષક તત્ત્વો હોય છે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને બુસ્ટ કરે છે. તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter