શું અચાનક ચક્કર આવી જાય છે?! સાવચેતીનો સંકેત અવગણશો નહીં

Wednesday 22nd June 2022 08:45 EDT
 
 

ડોકટર પાસે જવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે ચક્કર આવવાની તકલીફ. આ સમસ્યા ભલે સામાન્ય ગણાતી હોય, પરંતુ તે અનેક બીમારીઓ અને મેડિકલ કન્ડિશનનો આગોતરો સંકેત હોઇ શકે છે. આથી આ તકલીફને બહુ અવગણવા જેવી નથી. હકીકતમાં ચક્કર આવવા એ શારિરીક અને માનસિક સંતુલનમાં અવરોધ છે. તેના અલગ - અલગ સ્વરૂપ છે. ચક્કર શા માટે આવે છે તેને સમજવા માટે શરીરના અંગોમાં સંતુલન કેવી રીતે જળવાય છે જાણવું જોઇએ. બેલેન્સ ઓર્ગન એટલે કે વેસ્ટિબ્યુલર સિસ્ટમ (કાનના અંદરની પ્રણાલી) શરીરની સ્થિતિ અનુસાર સંરચનાઓમાં પદાર્થ અને ક્રિસ્ટલ મૂવ કરે છે. બેલેન્સ ઓર્ગન આંખો, શરીરની માંસપેશીઓ અને સાંધાની સાથે સમન્વય બનાવે છે, જેથી તમે વાતાવરણ સાથે સંતુલન બનાવી શકો. મેડકિલની ભાષામાં તેને વેસ્ટિબ્યૂલર સિસ્ટમ કહે છે. વેસ્ટિબ્લુલર સિસ્ટમ અને શરીરનાં અંગોમાં સંતુલન બેસાડવાની પ્રણાલીમાં જ્યારે અવરોધ પેદા થાય છે ત્યારે ચક્કર આવે છે. કાનમાં બ્લડ સર્ક્યુલેશનમાં ગરબડ કે કાનમાં દ્રવ્યના દબાણથી ચક્કર આવવા સૌથી સામાન્ય કારણ છે. ચક્કર આવવા એ કોઇ બીમારી નથી, પરંતુ આ સમસ્યા સતત પજવતી હોય તો તે અનેક ગંભીર બીમારીનું પ્રારંભિક લક્ષણ હોઇ શકે છે.

ચક્કરથી આ બીમારીના સંકેત
ચક્કર આવવાની તકલીફ સતત ચાલુ રહેતી હોય તો એ માઇગ્રેન, એંગ્ઝાયટી, મૂડ ડિસઓર્ડર, હૃદયરોગ, મોશન સિકનેસ જેવી વિવિધ બીમારીના સંકેત હોઇ શકે છે. માથા કે ગરદનમાં આંતરિક ઇજા, મસ્તિષ્કની સમસ્યાઓ જેમ કે, સ્ટ્રોક કે ટ્યુમર, કાન સંબંધિત બીમારીની સ્થિતિમાં પણ ચક્કર આવતા હોય તેવું લાગે છે. ચક્કર આવતાં ક્યારેક ઊલટી, આંખો ફડફડવી, અસામાન્ય રીતે પરસેવો છૂટી શકે છે. આ ગંભીર બીમારીના લક્ષણ હોઇ શકે છે.

ચક્કરના ચાર પ્રકાર
એક રિપોર્ટ અનુસાર દુનિયામાં ૪૦ ટકા વયસ્કોને જીવનમાં ક્યારેકને ક્યારેક તો ચક્કરનો અનુભવ થાય છે. મહિલાઓમાં આ ફરિયાદ વધુ હોય છે. આ ફરિયાદ દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. અમેરિકન એકેડમી ઓફ ફેમિલી ફિઝિશિયનના મતે ચકકરના ચાર મુખ્ય પ્રકાર આ છેઃ
1) વર્ટિગોઃ વ્યક્તિને એવો ભ્રમ થવો કે તેની આસપાસ બંધુ ફરી રહ્યું છે
2) ડિસીક્વિલિબ્રિઅમઃ અસંતુલિત થઇ જવું કે લથડિયા ખાવા જેવું અનુભવવું
3) પ્રીન્સિકોપઃ આંખો સામે અંધારા છવાઇ જવા કે બેભાન થઇ જવા જેવી સ્થિતિ સર્જાવી
4) લાઇટહેડનેસઃ આજુબાજુની સ્થિતિ સાથેનું જોડાણ અચાનક કપાઇ જવું કે ક્ષુબ્ધ થઇ જવું
આ સિવાય બેભાન થવું અને ચિત્તભ્રમની સ્થિતિ પણ બીમારીના સંકેત છે.

ચક્કરને ટાળવાના ત્રણ ઉપાય
રોજિંદા જીવનમાં કેટલીક સામાન્ય બાબતોનો અમલ કરીને તમે ચક્કરની સમસ્યાને દૂર કરી શકો છો અથવા તો તેને હળવી કરી શકો છો. જેમ કે, ડાન્સ, યોગ અને બાળકો સાથે રમવું સંતુલિત બનાવે છે.
1) એવા કામ કરો કે જેમાં આંખ, માથું, કાન અને શરીરમાં સંતુલન જરૂરી હોય, જેમ કે - સપ્તાહમાં બેથી ત્રણ વખત ડાન્સ કરો કે પિંગ-પોંગ રમો.
2) વિટામિન-ડી ચક્કર અટકાવે છે. તડકો તેનો સૌથી સારો સ્ત્રોત છે. આ ઉપરાંત સંતરા, બદામ, ઇંડાની જરદી, વિવિધ દાળને ભોજનમાં સામેલ કરો.
3) યોગાસન કરો. જેમ કે, પાદહસ્તાસન, ત્રિકોણાસન, તાડાસન, પ્રાણાયામ જેવા યોગ કરો. તેનાથી શરીરમાં સંતુલન પણ આવે છે અને મૂડ પણ સારો રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter