શું તમને ઉંઘમાં છાતીમાં દુ:ખાવો કે ગભરામણની તકલીફ રહે છે?

Tuesday 26th May 2026 09:19 EDT
 
 

કેટલાંક લોકોને રાત્રે સૂતી વખતે છાતીમાં બેચેની અથવા દુ:ખાવાનો આભાસ થાય છે. વળી, આ સમસ્યા દિવસે નથી થતી. આમ થવાનું એક કારણ પેટ સંબંધિત હોય છે, પરંતુ જો વારંવાર આવું થતું હોય તો આ સમસ્યાને ઈગ્નોર ના કરવી જોઇએ. રાત્રે સૂતી વખતે જો તમને છાતીમાં દુઃખાવો અથવા ભારેપણાનો અહેસાસ થઈ રહ્યો હોય તો શું તે ડરવાની વાત છે?
કાર્ડિયોલોજીસ્ટના મતે, દરેક વખતે આ બેચેની અથવા એસિડિટીના કારણે થતી સમસ્યા નથી હોતી, તેની પાછળ કેટલાંક ગંભીર કારણો પણ હોઈ શકે છે. શરીર કોઇ કામમાં પ્રવૃત્ત ન હોય છતાં પણ હૃદયમાં ભારેપણું વર્તાય કે દુ:ખાવો થતો હોય તો તે સામાન્ય નથી. તેની પાછળ ઘણીવાર કેટલીક ગંભીર ચેતવણી પણ હોઈ શકે છે અને તેનો તત્કાળ ઇલાજ કરાવવો જોઈએ.
આ લક્ષણોને નજરઅંદાજ ના કરો...
• ઉંઘ દરમિયાન તાવ વગર પરસેવો થવો
• છાતીનો દુ:ખાવો જડબા, કાંડા અથવા પીઠ તરફ ફેલાય
• શ્વાસ લેવામાં પરેશાની થવી અથવા શ્વાસ ફૂલાઇ જવો
• ચક્કર આવવા
• ગભરામણ થવી કે હૃદય અનિયમિત કે અસામાન્ય રીતે ધબકવું, આવા લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ના કરવા જોઇએ

તત્કાળ ઇલાજ છે જરૂરી

જો કોઇ વ્યક્તિને રાત્રે સૂતી વખતે વારંવાર છાતીમાં દુ:ખાવો અનુભવાય કે બેચેની વર્તાય છે તો ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રાફી, સ્ટ્રેસ ટેસ્ટિંગ અથવા સતત હાર્ટ રિધમ મોનિટરિંગથી તપાસ કરાવવી જોઇએ, જેથી આવનારા સમયમાં કોઇ મોટા જોખમને ટાળી શકાય. તપાસ બાદ ડોક્ટર દવાઓ, લાઇફસ્ટાઇલમાં બદલાવ અથવા એન્જીયોપ્લાસ્ટી ઉપરાંત સ્ટેન્ટ નાખવા જેવી સર્જિકલ પ્રોસિજરથી ઇલાજ કરી શકે છે.

કાર્ડિયોલોજીસ્ટની સલાહ

ઉંઘ દરમિયાન છાતીમાં દુઃખાવો થવાની તકલીફ નજરઅંદાજ ન કરવી જોઇએ. હાઇપર ટેન્શન, ડાયાબિટીસ અથવા સ્લીપ એપ્નિયાથી પરેશાન લોકોએ તેને બિલકુલ નજરઅંદાજ ના કરવી જોઇએ. પેટની સમસ્યાથી પણ આવી બેચેની થવી સામાન્ય છે, પરંતુ ઉંઘ દરમિયાન તેને ઇગ્નોર કરવાથી તે કેટલાંક કેસમાં જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તેથી સમયસર લક્ષણોને પારખી નિદાન કરવું અનિવાર્ય છે.

હૃદય ધબકવાની ખાસ પેટર્ન

દરેક વ્યક્તિનું હૃદય એક નિશ્ચિત પેટર્ન પર ધબકતું હોય છે અને ઉંઘ દરમિયાન આ પેટર્નમાં આંશિક બદલાવ જોવા મળે છે. ખાસ કરીને સવારના સમયે હાર્ટબીટ, બ્લડપ્રેશર અને ઓક્સિજન લેવલમાં બદલાવ આવે છે. હૃદયરોગના દર્દીઓને આ બદલાવથી સામાન્ય પરેશાનીઓ પણ થઇ શકે છે, જે દિવસ દરમિયાન ઘણીવાર જોવા મળતી નથી. આ લોકોને ઓક્સિજન લેવલ ઘટવા, હૃદયના અનિયમિત ધબકારા અને હાર્ટ મસલ્સને પહોંચતા બ્લડ ફલોમાં સામાન્ય ફેરફાર કે અટકાવના કારણે ઉંઘ દરમિયાન છાતીમાં દુ:ખાવો થઇ શકે છે.
છાતીમાં દુઃખાવા માટે જવાબદાર અનેક કારણોમાંથી એક છે નોક્ટર્નલ એન્જાઇના, જેમાં હૃદયને લોહી પહોંચાડતી આર્ટરીઝ સંકોચાઇ જાય છે અને તેને પર્યાપ્ત લોહી નથી મળતું. સાયલન્ટ માયોકાર્ડિયલ ઇસ્કેમિયામાં લોહીનો વહાવ ઘટી જાય છે.
તેનાથી દુ:ખાવો તો નથી થતો, પરંતુ છાતીમાં દબાણ, બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. એરિથિમિયા પણ આવું જ એક કારણ છે, જેમાં હૃદયના ધબકારા અનિયમિત થઇ જાય છે. જેના કારણે હૃદય લોહીને યોગ્ય રીતે પમ્પ નથી કરી શકતું અને છાતીમાં ગભરામણ કે દબાણનો અનુભવ થવાથી ઉંઘ તૂટી જાય છે. સ્લીપ એપ્નિયાના દર્દીઓનું ઉંઘ દરમિયાન ઓક્સિજન લેવલ ઘટી જાય છે, જેના કારણે હાર્ટ અટેક આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter