શું તમને દવા ખાતાં આવડે છે?

Wednesday 04th May 2022 05:40 EDT
 
 

જો તમને કોઈ એમ પૂછે કે તમને દવા ખાતા આવડે છે? તો તમે અચૂક નવાઈ પામશો. તમને પહેલો વિચાર તો એ આવશે કે વળી, દવા ખાવામાં તે કઈ જાણકારી જરૂરી છે તે આવો પ્રશ્ન પૂછે છે. ટેબ્લેટ કે કેપ્સ્યુલ ગળી જવાની અને પ્રવાહી દવા પી જવાની એટલે વાત પૂરી. જોકે તમારી આ વાત સાચી હોવા છતાં ઘણાં અંશે ખોટી પણ છે. નિષ્ણાતો કહે છે કે ગોળી ગળવામાં અને પ્રવાહી દવા પીવામાં પણ આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેને કારણે દવાની પૂરતી અસર નથી થતી. વિડંબણા એ છે કે આપણે આપણી આ ભૂલોથી સદંતરપણે અજાણ હોઈએ છીએ.

નિષ્ણાતો આ પ્રકારની ભૂલો તરફ અંગુલીનિર્દેશ કરતાં કહે છે કે જ્યારે દરદી મોટા કદની ગોળી ન ગળી શકે ત્યારે એ તેના બે કે ત્રણ ટુકડા કરીને ગળે છે. જોકે કેટલીક ગોળીઓમાં 'સસ્ટેઈન્ડ રિલિઝ' (એસઆર) તેમજ ‘કંટ્રોલ્ડ રિલિઝ’ માટે પોલિમરનું કોટિંગ કરવામાં આવે છે. તેથી આ ગોળી ગળવામાં આવે ત્યાર પછી તેમાંથી સમયાંતરે ચોક્કસ માત્રામાં જ દવા સ્ત્રવે અથવા છૂટી પડીને રક્તમાં ભળે છે. જ્યારે આવી ગોળીને બે કે ત્રણ ટુકડામાં તોડીને ગળવામાં આવે છે ત્યારે તેની બધી દવા તાત્કાલિક રીતે લોહીમાં ભળી જાય છે. ઘણી વાર તેના કારણે દરદીને આ દવાની આડઅસર થવાની ભીતિ રહે છે.
આ જ રીતે કેટલીક ઔષધિઓ એન્ટરિક કોટેડ હોય છે. દવા પરનું આ પડ જે તે ઔષધિને પેટમાં રહેલા એસિડ સાથે ભળતાં અટકાવે છે. એન્ટરિક કોટેડ દવા પેટને બદલે સીધી આંતરડામાં પહોંચતી હોય છે. પરંતુ જ્યારે દરદી એન્ટરિક કોટેડ ઔષધિ તોડીને ખાય છે ત્યારે તેમાં રહેલા ઘટકો પેટના એસિડ સાથે ભળી જાય છે. પરિણામે તેની અસર ખતમ થઈ જાય છે.
આ જ પ્રમાણે જે ગોળીઓ ચુસીને ખાવાની હોય કે પછી પાણીમાં ઓગાળીને લેવાની હોય તે ગોળીને તે જ રીતે ખાવી જોઈએ. સામાન્ય રીતે ચુસીને ખાવાની ગોળીઓ પેટના એસિડને દૂર કરવામાં મદદ કરે છે. તેથી જ્યારે તે મોઢાંમાંથી ચુસાઈને ધીમે ધીમે પેટમાં પહોંચે છે ત્યારે તેની અસર ઝડપથી થાય છે. પરંતુ જો આ જ ગોળીને ગળી જવામાં આવે તો તેની અસર થતાં વધુ સમય લાગે છે. આ જ રીતે પાણીમાં ઓગાળીને લેવાની ગોળી આખી ગળી જવામાં આવે ત્યારે તેની અસર થતાં વધુ વાર લાગે છે. આવી ટેબ્લેટના પેકેટ પર સૂચના આપેલી હોય છે કે તે ચુસીને લેવી કે પછી પાણીમાં ઓગાળીને. ઔષધિની સમયસરની અસરકારકતા માટે દરદીએ પેકેટ પર લખેલી અથવા તબીબે આપેલી સૂચનાનો અમલ કરવો જોઈએ.
તબીબ તમને એક ટેબલસ્પૂન દવા લેવાનું કહે તેનો અર્થ એ થયો કે તમારે પાંચ મિલીલિટર દવા લેવાની છે. પરંતુ ઘણાં ટેબલસ્પૂન મોટા હોય છે, જ્યારે ઘણાં ખૂબ નાના. આવી સ્થિતિમાં ચોક્કસ પાંચ એમએલ દવા લેવાનું શક્ય નથી બનતું. બહેતર છે કે બોટલ પર આપેલી મેઝરિંગ કેપનો ઉપયોગ કરવામાં આવે.
તબીબો ગોળી લખીને આપતી વખતે કઈ ગોળી જમવાથી પહેલા લેવી અને કઈ જમી લીધા પછી લેવી તે પણ લખી આપતા હોય છે. તેનું કારણ એ છે કે કેટલીક ગોળીઓ ખાલી પેટે લેવામાં આવે ત્યારે પેટમાં દાહ પેદા કરે છે. જ્યારે કેટલીક ઔષધિઓ ખોરાક સાથે ભળી જઈને પણ તેની અસરકારકતા દાખવી શકે છે. તેથી તમને દરેક દવા તબીબે આપેલી સૂચના અનુસાર જ લેવી.
આથી હંમેશા દવાનું સેવન કરતી વેળા ડોક્ટરની સુચનાઓનું અવશ્ય પાલન કરો. તેમણે સુચવ્યા પ્રમાણે અને તેટલી જ માત્રાામાં દવાનું સેવન કરશો દરદ - પીડા - બીમારીમાંથી વહેલી મુક્તિ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter