શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

Wednesday 15th October 2025 07:42 EDT
 
 

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે. સામાન્ય માણસ કે પેશન્ટ માટે તો આ સ્કેનિંગ્સ કે તપાસ દેખાવમાં એકસરખા લાગતા હોય છે, પરંતુ તેમની પદ્ધતિ, સિસ્ટમ્સ અને જાણકારી આપવાની કામગીરી અલગ હોય છે.
1. એક્સ-રે (X-Ray): આ તપાસ સૌથી જૂની અને સૌથી ઉપયોગમાં લેવાતી તપાસપદ્ધતિ છે, જેમાં શરીરમાં એક્સ-રે (કિરણો) પસાર કરવામાં આવે છે. શરીરના હાડકાંની સ્થિતિ જાણવા માટે સૌથી સારી પદ્ધતિ છે. સામાન્ય રીતે ફ્રેક્ચર્સ, ઈન્ફેક્શન્સ, ટ્યુમર્સ તેમજ અન્ય વિકૃતિઓને ઓળખવા ઓછાં ડોઝના ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો ઉપયોગ કરાય છે. આ તપાસ ઝડપથી કરી શકાય છે અને પ્રમાણમાં ઓછી ખર્ચાળ રહે છે.
2. સીટી (CT) સ્કેનઃ આ તપાસપદ્ધતિ ‘કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (Computed Tomography) કહેવાય છે. આ પદ્ધતિમાં પણ એક્સ-રેનો ઉપયોગ થાય છે, પરંતુ અત્યાધુનિક કોમ્પ્યુટર પ્રોસેસિંગની મદદ સાથે તે શરીરની આંતરિક ક્રોસ સેક્શનલ ઈમેજ તૈયાર કરે છે. પરંપરાગત એક્સ-રે તપાસથી વિપરીત CT સ્કેન્સ શરીરમાં હાડકાં, આંતરિક ઈજાઓ, ટ્યુમર્સ, લોહીની ગાંઠો, કેન્સર અથવા રક્તવાહિનીઓ અને સોફ્ટ ટિસ્યૂઝ સહિત આંતરિક અવયવોની તપાસ અને અસરકારક નિદાન માટે વધુ ઉપયોગી નીવડે છે. જોકે, એક્સ-રેની સરખામણીએ તેમાં રેડિએશનનું પ્રમાણ વધુ રહે છે.
3. MRI: આ પરીક્ષણનું આખું નામ મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ (Magnetic Resonance Imaging) છે, જેમાં તીવ્ર ચૂંબકીય તરંગોના ક્ષેત્ર અને રેડિયો વેવ્ઝ થકી તપાસ કરવામાં આવે છે. શરીરના મગજ, કરોડરજ્જુ, સોફ્ટ ટિસ્યૂઝ, સાંધાઓ, માંસપેશીઓ જેવાં નાજૂક અને નરમ અંગોની તપાસથી ઘણી સારી અને વિસ્તૃત તસવીરો મેળવી શકાય છે. આ પરીક્ષણમાં રેડિએશનનો ઉપયોગ કરાતો નહિ હોવાથી સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે સલામત વિકલ્પ બની રહે છે. પરંતુ સમય વધારે લાગવા સાથે ભારે ખર્ચાળ પણ હોય છે તેમજ મેડિકલ ઈન્પ્લાન્ટ્સ કે સાધનો લગાવાયેલા પેશન્ટ્સ માટે તે યોગ્ય હોઈ પણ ન શકે.

સરળ ભાષામાં સમજીએ તો X-Ray - હાડકાંને જોવા માટે હોય છે. CT સ્કેન - શરીરના આંતરિક નકશાને જોવા માટે અને MRI - શરીરના નાજૂક અને નરમ અવયવોની સ્પષ્ટ અને ઊંડી તસવીર મેળવવાં માટે હોય છે.

 4. PET સ્કેનઃ આ પરીક્ષણનું આખું નામ પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી (Positron Emission Tomography) છે. PET સ્કેન દ્વારા શરીરના વિવિધ ક્ષેત્રોમાં અને ખાસ કરીને ગ્લુકોઝના વપરાશ સહિત વિવિધ મેટાબોલિક કામગીરીને માપી શકાય છે. કેન્સરના કોષો ઝડપી વૃદ્ધિ માટે મોટાં પ્રમાણમાં ગ્લુકોઝ- સુગરનો વપરાશ કરતા હોવાથી PET સ્કેનમાં તે સૌથી ચળકતા દેખી આવે છે. સામાન્યપણે PET સ્કેન ઈમેજિંગ ટેક્નિક કેન્સરનાં કોષોને શોધવા અને તેમના ફેલાવાનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
5. MRA: આ પરીક્ષણનું આખું નામ મેગ્નેટિક રેઝોનન્સ એન્જિઓગ્રાફી (Magnetic Resonance Angiography) છે, જે ખાસ પ્રકારની MRI ટેક્નિક છે. પરીક્ષણની આ વિશિષ્ટ પદ્ધતિ મારફત મગજની વાસ્કુલર -રક્તવહન સિસ્ટમમાં રક્તપ્રવાહને નિહાળી શકાય છે. રુધિરાભિસરણ તંત્રમાં નળીઓ સંકોચાઈ હોય, સંપૂર્ણ કે અંશતઃ બ્લોકેજ હોય અથવા લોહીની નળીઓના જાળાં બાઝવા કે ફૂલી જવા સહિત અન્ય વિકૃતિઓ હોય તેને શોધવામાં આ ચોકસાઈપૂર્વકના પરીક્ષણનો ઉપયોગ કરાય છે. હૃદયના રક્તપ્રવાહને જાણવા પરંપરાગત એન્જિઓગ્રાફીમાં પરીક્ષણો કરવા કેથેટર નાખવામાં આવે છે તેનાથી વિપરીત MRAમાં કેથેટરનો ઉપયોગ કરાતો ન હોવાથી તે પેશન્ટ્સ માટે સરળ અને સલામત બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter