શું નસકોરાં બોલે છે?

તો તમે પણ બપ્પીદાની જેમ ઓએસએથી પીડિત હોઇ શકો છો

Wednesday 02nd March 2022 06:53 EST
 
 

ડિસ્કો કિંગ તરીકે જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું વીતેલા પખવાડિયે અંતિમ શ્વાસ લીધા. એક મહિનાથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બપ્પીદા ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિઆ (ઓએસએ) અને રિકરન્ટ ચેસ્ટ ઇન્ફેક્શનથી પીડાતા હતા. ઊંઘમાં જ શ્વાસ અટકાવી દેતી બીમારી ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિઆ શું છે તે આવો આપણે જાણીએ...

• ઓએસએ શું છે? ઓએસએ ઊંઘ સંબંધી બ્રીધિંગ ડિસઓર્ડર છે. તેનાથી પીડિત વ્યક્તિનો ઊંઘમાં વારંવાર શ્વાસ અટકે છે. ગળાના સ્નાયુઓ ઊંઘમાં ઢીલા પડી જતાં એર ફ્લોમાં વિક્ષેપ સર્જતા હોવાના કારણે તેવું થાય છે. તેનાથી તેજ નસકોરાં બોલે છે.
• શું નસકોરાં બોલતાં હોય તે બધા તેનાથી પીડિત હોય? જરૂરી નથી કે જેમનાં નસકોરાં બોલતાં હોય તે બધા જ લોકો તેનાથી પીડિત હોય. શ્વાસનળીના ઉપરના માર્ગમાં વિક્ષેપ સર્જાતાં હવાનો પ્રવાહ યોગ્ય રીતે નથી વહેતો. શ્વાસ લાંબા સમય સુધી અવરોધાતાં લોહીમાં ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે તેથી દર્દીનું મોત થઇ શકે છે. ઊંઘમાં શ્વાસ અટકવાની તકલીફ એક મિનિટ સુધી થઇ શકે છે.
• ઓએસએનાં લક્ષણ શું છે? દિવસે બહુ ઊંઘ આવવી, જોરથી નસકોરાં બોલવા, ઊંઘમાં શ્વાસ અટકતો હોય તેવું લાગવું, હાંફતા કે ગભરામણ સાથે અચાનક ઊઠી જવું, મોઢું સૂકાવું, ગળામાં ખારાશ, સવારે માથું દુખવું, એકાગ્રતામાં મુશ્કેલી, મૂડ ચેન્જ અને ડિપ્રેશન, હાઇબ્લડ પ્રેશર, કામેચ્છામાં ઘટાડો વગેરે.
• કોણ તેનાથી પીડિત હોઇ શકે? કોઇ પણ તેનાથી પીડિત હોઇ શકે પરંતુ સ્થૂળકાય લોકોને વધુ જોખમ રહે છે. શ્વાસનળીના ઉપરના ભાગે ચરબી જામી જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ શકે છે. હાઇપોથાઇરોડ અને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમને કારણે પણ આ બીમારી થઇ શકે છે. ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય, સ્મોકિંગની લત હોય તો પણ જોખમ રહે છે.
• શું ઓએસએ વારસાગત પણ હોય? હા, પરિવારમાં કોઇ ઓએસએથી પીડિત હોય તો સંતાનોને પણ તેનું જોખમ રહે છે. બાળપણથી શ્વાસનળી સાંકડી રહી હોય કે પછી ટોન્સિલ્સ વધવાને કારણે શ્વાસનળીનો માર્ગ અવરોધાયો હોય. મહિલાઓ કરતાં પુરુષોને વધુ જોખમ રહે છે.
• સ્લીપ એપ્નિઆથી શું તકલીફો થાય છે? ઓએસએથી પીડિત લોકોને થાક અને અનિદ્રાની તકલીફ હોય છે. તેમને દિવસે કામ કરતી વખતે, ટીવી જોતી વખતે કે વાહન ચલાવતી વખતે અચાનક ઊંઘ આવી શકે છે, જેથી અકસ્માતનું જોખમ રહે છે. ઓએસએ દરમિયાન લોહીમાં ઓક્સિજન લેવલ અચાનક ઘટવાથી બ્લડપ્રેશર વધી જાય છે, જેથી કાર્ડિયો સિસ્ટમ પર દબાણ આવે છે. આ સમસ્યા જેટલી ગંભીર હોય તેટલું હાર્ટ એટેક, સ્ટ્રોકનું જોખમ વધુ.
• આ ડિસઓર્ડરથી કેવી રીતે બચી શકાય? ઓએસએની સારવાર શક્ય છે. ડોક્ટર્સ એવા ડિવાઇસની સલાહ આપે છે કે જેના ઉપયોગથી સૂતી વખતે પીડિતનો એર ફ્લો ખુલ્લો રખાય છે. તે સિવાય એક માઉથપીસ દ્વારા નીચલા જડબા પર દબાણ કરાય છે. અમુક કિસ્સામાં સર્જરી પણ થાય છે. નસકોરાંના અવાજથી બીજાને તકલીફ પડવા લાગે કે ઊંઘમાં શ્વાસ અટકતો હોય કે ઊંઘમાંથી ઊઠતાં જ હાંફ ચઢે તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter