શુદ્ધ આલ્કોહોલનું ઈન્જેક્શન પ્રોસ્ટેટ ગ્રંથિને સંકોચી શકે!

પ્રોસ્ટેટ વૃદ્ધિની બીમારીથી પીડાતા લાખો પુરુષો માટે આશાનું કિરણ

Wednesday 30th January 2019 01:32 EST
 
 

લંડનઃ પ્રોસ્ટેટ વૃદ્ધિની બીમારીથી પીડાતા લાખો પુરુષો માટે આશાનું કિરણ દેખાયું છે. નવી વૈજ્ઞાનિક શોધ અનુસાર શુદ્ધ આલ્કોહોલ અથવા ઈથેનોલનું ઈન્જેક્શન પ્રોસ્ટેટ ગ્રંથિમાં સીધું જ આપવામાં આવે તો તે ૩૩ ટકાથી વધુ સંકોચાઈ શકે છે અને રાત્રે પેશાબ કરવા ઉઠવું પડે તેની જરૂરિયાત પણ ઘટે છે. વેનેઝુએલાના સંશોધકોએ ૬૦ પ્રૌઢ પુરુષો પર આ સારવારનો પ્રયોગ કરી સફળ પરિણામ મેળવ્યું હતું. ડોક્ટરોએ આ સારવારને લાખો પુરુષો માટે રાહતના સમાચાર ગણાવી હતી.

યુકેમાં ૫૦ વર્ષથી વધુ વયના આશરે બે મિલિયન અને યુએસમાં ૧૪ મિલિયન પુરુષો વધેલી પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યાથી પીડાય છે. યુકેમાં આશરે ૪૫,૦૦૦ પુરુષો દર વર્ષે તે માટે સર્જરી કરાવે છે. વીર્યોત્પાદક પ્રોસ્ટેટ ગ્રંથિ પર સોજો કે તેના વધવાથી મૂત્રાશય પર દબાણ વધે અને મૂત્રનળીઓ પર અવરોધ સર્જાવાના પરિણામે તેમને વારંવાર પેશાબ કરવા જવાની તકલીફ પડે છે. પ્રોસ્ટેટ વધવાથી વીર્ય ઉત્પાદનને પણ અસર થાય છે.

વેનેઝૂએલાની યુનિવર્સિટી હોસ્પિટલ કારાકાસના સંશોધકોએ તારણો કાઢ્યાં છે કે દવાઓના ઉપયોગની માફક જ ઈથેનોલનું ઈન્જેક્શન આપવાથી પ્રોસ્ટેટના સોજા ઘટે છે તેમજ રાત્રે ટોઈલેટ જવાની તકલીફમાં અડધોઅડધ ઘટાડો થાય છે. મુખ્ય સંશોધક અને યુરોલોજી નિષ્ણાત એલેસાન્ડ્રી રાફેલ એસ્પીનોઝાએ જણાવ્યું હતું કે,‘ઈથેનોલથી પ્રોસ્ટેટના કદમાં નોંધપાત્ર ઘટાડો જણાયો હતો. વધેલા પ્રોસ્ટેટના દર્દીઓની સારવારમાં ઈથેનોલ ઈન્જેક્શન અસરકારક, નોન-સર્જિકલ વિકલ્પ બની શકે છે.’

સંશોધકોએ પ્રોસ્ટેટમાં સીધું ઈન્જેક્શન આપવા માટે ૨૫cm નીડલનો ઉપયોગ કર્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે આલ્કોહોલથી અનિચ્છનીય કોષો મરી જાય છે અને સોજાનું સંકોચન થાય છે. હાલમાં વપરાતી કેટલીક દવાઓથી પુરુષની કામશક્તિની વિપરીત અસર થાય છે પરંતુ, આલ્કોહોલનું ઈન્જેક્શન કોઈ ગંભીર આડઅસર લાવતું નથી તેમ તારણો કહે છે. પ્રોસ્ટેટ વૃદ્ધિની સારવારમાં કેફિન, આલ્કોહોલિક અને હળવા પીણાંનો ઉપયોગમાં કાપ, નિયમિત કસરત અને રાજે ઓછું પ્રવાહી લેવાનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter