સંગાથે-સંગાથે કામ કરો અને યાદ-દાસ્ત વધારો

જ્યોત્સના શાહ Wednesday 26th January 2022 06:42 EST
 
 

આજે જ્યારે ડીમેન્શીયાના રોગના શિકાર વધુ ને વધુ લોકો બનતા જાય છે ત્યારે મગજને કઇ રીતે સતેજ રાખવું એ જાણવું ખુબ જરુરી છે. જીવનમાં યાદ શક્તિનું મહત્વ તો આપ સૌ જાણો છો.
તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે, તમારી યાદદાસ્તને જાગ્રત રાખવી હોય તો કોઇપણ ટીમના સભ્ય બની જાવ તો એના ફાયદાઓ નોંધનીય છે. એ જોવા આપણે દૂર જવાની જરૂર નથી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની પ્રગતિના મૂળમાં ટીમ વર્ક જ રહેલું છે. પ્રતિ સપ્તાહે મળતી મીટીંગમાં ચર્ચા થાય છે કે શું સારું કર્યું, ક્યાં ભૂલથાપ ખાધી? કયા સમાચાર કે લેખ વાચકોના હિતમાં છે. વધુ લોકભોગ્ય સાપ્તાહિક બનાવવા શું કરવું. આ બધાના પાયામાં ટીમ વર્ક ખૂબ જરૂરી છે. કોઇપણ પડકાર એકલા હાથે ઝીલી શકાતો નથી. આપણે નાના હતા ત્યારે અભ્યાસ દરમિયાન અનુભવ્યું હોય છે કે પહેલા એકલા વાંચી લઇએ પછી આપણી યાદદાસ્ત ચકાસવા કે પરીક્ષા માટે પ્રેક્ટીસ કરવા બે-ચાર સહાધ્યાયીઓ સાથે મળીને એકબીજાનો ટેસ્ટ લઇએ તો એ આપણી મેમરી બેંકમાં એ બાબત આસાનીથી ડાઉનલોડ થઇ જાય છે.
ટીમ રાઉન્ડમાં, વ્યક્તિ પર બોજો ઓછો રહે છે. વારંવાર એકના એક પ્રશ્નનું પુનરાવર્તન થવાથી ગૃપને આખરી જવાબ આપતા પહેલા ઘણી બધી શક્યતાઓ તપાસવાનો મોકો મળે છે એથી સારૂં પરિણામ આવે છે. કેનેડીયન સંશોધકો એક ડગ આગળ વધીને કહે છે કે, વ્યક્તિ એકલા હોય એના કરતા અન્યોની કંપનીમાં હોય તો એના મગજને કસવાનો હોંસલો કુદરતી રીતે જ વધે છે. એના બે કારણો જણાવ્યા છે. એક તો આપણે જનસમૂહ સાથે હોઇએ તો કોઇ જણ કંઇક યાદ કરવાનો પ્રયાસ કરે ત્યારે સરળતાથી આપણે સામાવાળા શું કહેવા માગે છે એ જીભના ટેરવે આવતા "પકડી" લેવામાં કામયાબ થવાની લાગણી અનુભવીએ છીએ. જેથી એમની સાથે જોડાઇ જવાનું મન આપોઆપ થાય છે. દા.ત. એક શબ્દમાંથી અનેક શબ્દો બનાવવાની રમતની ટીમમાં તમે જોડાયા ન હો પરંતુ બીજાને એ રમતાં જોઇ તમને થાય કે મગજ કસવાની ને જ્ઞાન વધારતી આ રમત રસપ્રદ છે એટલે તમે જાતે એમાં જોડાવા સહમત થઇ જાવ છો. બીજું કે આપણા મગજમાં પણ એકમાંથી અનેક શબ્દો આવવાથી આત્મવિશ્વાસ વધે છે. અત્રે જણાવેલ ત્રણ બાબતો ઘરના સભ્યો સાથે વહેંચી ટીમ લર્નીંગનું કૌશલ્ય શીખવામાં એની શક્તિના પ્રભાવ પર એક દ્રષ્ટિપાત કરીશું તો ખ્યાલ આવશે.
યાદ શક્તિના બોજાની વહેંચણ
કેટલાય દંપતિઓ કે કુટુંબોમાં આ એક સામાન્ય બાબત હોય છે. કુદરતી રીતે જ કામ વહેંચી લેવાતું હોય છે. દા.ત. તમારા જીવનસાથી બધાની બર્થ ડે યાદ રાખે. જ્યારે તમે બીન-ડેનો હવાલો સંભાળી લો. આમ કામ વહેંચી લેવાથી જવાબદારી સ્વીકારવા તમે પ્રોત્સાહિત થાવ છો. એમાં સફળ થવાની જરૂર હોવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. યાદ રાખવાની તમારી ફરજ બને છે.
ગૃપમાં જૂની યાદોં જાગ્રત રહે
તમે ગૃપમાં હો તો તમારી પોતાની યાદદાસ્તને ચકાસવાનો મોકો મળે. મિત્રો ભેગાં મળી જૂની યાદોં તાજી કરતા હોય ત્યારે એકબીજાની યાદદાસ્તની કડી (ટ્રીગર) હાથ લાગે છે. એ બહાને તમે યાદ રાખવામાં નિષ્ણાત બનવાનું ગૌરવ અનુભવો છો. પરિણામે વધુ બાબતો એક સાથે યાદ રાખવામાં પાવરધા બનો છો.
યાદદાસ્તને ટીમ ગેમ બનાવો
 ન્યુઝ પેપરમાં આવતા હિંચકે બેઠાં કે સુડોકુ ભરવામાં પ્રવૃત્ત બનો. ગૃપમાં ગેમશોઝ રમો. સ્પર્ધામાં તમારી જાતને જોતરો. યાદદાસ્તના વિજ્ઞાનને સમજો. જેના કારણે તમારા ટીમના સભ્યની માનસિક શક્તિ ઉત્તેજીત થાય અને સશક્તિકરણ થાય. જે તમારી વૈચારિક કૌશલ્યને ધારદાર બનાવે. તમારામાં રહેલ અંગત શક્તિ બહાર લાવવામાં મદદરૂપ થાય. ટૂંકમાં "use it or loose it “ ને મધ્ય નજરે રાખો તો ડીમેન્શીયાના શિકાર બનતા બચી શકો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter