સગર્ભાને મોર્નિંગ સિકનેસમાંથી છૂટકારો મળી શકશે

હેલ્થ બૂલેટિન

Sunday 18th February 2024 05:59 EST
 
 

સગર્ભાને મોર્નિંગ સિકનેસમાંથી છૂટકારો મળી શકશે
સગર્ભાવસ્થા મુશ્કેલ પરિસ્થિતિ બની રહે છે. મોટા ભાગની અથવા 70 ટકા સગર્ભાઓને સવાર જાણે ઉલટી અને ઉબકાં સહિતની તકલીફો લઈને જ આવે છે. મોર્નિંગ સિકનેસ અથવા હાઈપરેમેસીસ ગ્રેવિડારમ (hyperemesis gravidarum) તરીકે ઓળખાતી આ સ્થિતિના કારણે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી હાલત પણ સર્જાય છે. ઘણી વખત તેઓ ડીહાઈડ્રેશનના ખતરનાક સ્તરે પહોંચી જાય છે જેમાં તેમની અને અજન્મા બાળકની જીંદગી જોખમમાં આવી જાય છે. નેચર જર્નલમાં પ્રસિદ્ધ સંશોધન મુજબ આના માટે GDF15 નામનું હોર્મોન જવાબદાર છે. આ હોર્મોન કેટલું પેદા થાય છે અને પ્રેગનન્સી પહેલા તેનો સામનો કરવા શરીર કેટલું સજ્જ રહે છે તેના પર સગર્ભાની બીમારીનો આધાર રહે છે. સંશોધકો માને છે કે પ્રેગનન્સી અગાઉ સ્ત્રીઓને લચીલાપન વધારવા ધીરે ધીરે GDF15 હોર્મોનની માત્રા વધારતા જવાય તો મોર્નિંગ સિકનેસ ટાળી શકાય છે. GDF15 મગજના જે રિસેપ્ટર્સ સાથે સંકળાય છે તેને બ્લોક કરતી એન્ટિબોડી ડ્રગ્સ પણ ઉપયોગમાં લેવાવાની શક્યતા વધી છે. પ્લેસેન્ટાના ભ્રૂણીય હિસ્સામાં GDF15 તૈયાર થઈ લોહીમાં ભળે છે તેની માત્રાનો મોર્નિંગ સિકનેસ સાથે સીધો સંબંધ છે. જો ઉત્પાદિત હોર્મોનનું પ્રમાણ ઓછું હોય તો ઉલટી અને ઉબકાં સહિતની તકલીફો વધે છે. જે સ્ત્રીઓ બીટા થેલેસિમીઆ નામના બ્લડ ડિસઓર્ડરના વારસા સાથે જન્મી હોય તેમને પ્રેગનન્સી અગાઉ GDF15નું પ્રમાણ ઊંચું રહેવાથી મોર્નિંગ સિકનેસની તકલીફ જણાતી નથી અથવા ઓછી રહે છે.

•••
ફાસ્ટ ફૂડ બાળકોની ધમનીઓ વધુ કડક બનાવે
જંક અથવા ફાસ્ટ ફૂડ નાના-મોટા સહુના માટે જોખમ લાવે છે પરંતુ, બાળકો માટે તે વધુ જોખમી બની રહે છે કારણકે તરૂણાવસ્થામાં ફાસ્ટ ફૂડ આહારથી તેમની ધમનીઓ વધુ કડક બનતી જાય છે. યુકેમાં 1990ના પૂર્વાર્ધમાં બ્રિસ્ટોલ વિસ્તારમાં જન્મેલા 5,000 બાળકો પર કરાયેલા અભ્યાસના તારણો જણાવે છે કે જે બાળકોના આહારમાં કેલરી, ચરબી અને ખાંડનું પ્રમાણ ઊંચુ હોય તેઓ 17 વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં તેમની ધમનીઓ સખત અને નિર્બળ બની જાય છે. જે બાળકોએ શાકભાજી, ફળ, બીન્સ, કઠોળ, માછલીથી સમૃદ્ધ અને ઓછાં માંસના મેડિટેરેનિઅન સ્ટાઈલના આહાર લીધા તેમની ધમનીઓ ઓછી સખત જણાઈ હતી. શરીરને જરૂરી ઓક્સિજનયુક્ત લોહી ધમનીઓ મારફત જ પહોંચાડાય છે. ધમનીઓ સખત બની જાય તે રક્તવાહિનીઓના નુકસાનની મહત્ત્વની નિશાની છે અને તેનાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ ફેઈલ્યોર અને વાસ્ક્યુલર ડીમેન્શિયા જેવી ગંભીર દીર્ઘકાલીન અસરો જન્મે છે. જો બાળકોને શાકભાજી, ફળ, નટ્સ, બિયાં, સીફૂડ, તેજાના, આખા અનાજની બ્રેડ, પાસ્તા અને ચોખા જેવો વધુ ફાઈબર અને સ્ટાર્ચ ધરાવતો ખોરાક અપાય તો તેમની રક્તવાહિનીઓમાં સખ્તાઈ ઓછી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter