સતત બેસી રહેવામાં થોડી પણ શારીરિક પ્રવૃત્તિ કેન્સરનું જોખમ ઘટાડે
બેઠાડું જીવન અનેક આરોગ્યલક્ષી સમસ્યાઓ સર્જે છે જેમાંથી કેન્સર પણ એક છે. સતત બેસી રહેવાનાં વર્તનના અભ્યાસોમાં કુલ બેસી રહેવાના સમયની નોંધ લેવાઈ છે, પરંતુ થોડી શારીરિક પ્રવૃત્તિ માટે હલનચલન કરવામાં આવે તો શું થાય તેના વિશે અભ્યાસો થયા નથી. યુનાઈટેડ કિંગ્ડમના સંશોધકોએ બેઠાડું જીવન, કેન્સરનું જોખમ અને કેન્સર સંબંધિત મોત વિશે અભ્યાસ કર્યો છે, જે PLOS Medicine માં પ્રસિદ્ધ થયો છે. તેમણે જણાવ્યા અનુસાર દિવસમાં લાંબો સમય, વિરામ વિના બેસી રહેવાનો વધારાનો દરેક કલાક કેન્સરથી મોતના 9થી 10 ટકા ઊંચા જોખમ સાથે સંકળાય છે. જોકે, સતત ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કોઈ ખલેલ વિના બેસી રહેવાના ગાળામાં હલનચલન અથવા શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે તો તેની તીવ્રતા અનુસાર કેન્સરથી મોતનું જોખમ 8થી 22 ટકા જેટલું ઘટે છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ફીઝિકલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ અનુસાર ઊર્જાના નહિવત્ વપરાશ સાથે બેઠાડું જીવન ટાઈપ 2 ડાયાબિટીસ, હૃદયરોગ તથા સ્થૂળતા અને ડાયાબિટીસ સાથે સંકળાયેલા કેટલાક ચોક્કસ પ્રકારના કેન્સર અને અકાળે મોતના ઊંચા જોખમ સાથે સંકળાયેલું છે. બેસી રહેવાના સમયને થોડું ચાલવા જેવી એક કલાકની હળવી પ્રવૃત્તિ તેમજ ટેનિસ રમવા અથવા દોડવા જેવી 30 મિનિટની મધ્યમથી કઠોર પ્રવૃત્તિ સાથે બદલવામાં આવે ત્યારે આરોગ્યલક્ષી ફાયદા જોવા મળે છે. સતત બેસી રહેવાનું હોય ત્યારે દર 15 મિનિટે પાણી પીવા ઉભા થવા કે થોડી મિનિટ ચાલવાનો વિરામ લેવાય તે હિતાવહ છે. સંશોધકોએ અભ્યાસમાં યુકે બાયોબેન્કમાં 91,000થી વધુ વયસ્કોના ડેટા ચકાસ્યા હતા તેમજ તેમની શારીરિક પ્રવૃત્તિ અને બેસી રહેવાના સમયનું પ્રમાણ માપવા કાંડા પર 7 દિવસ સુધી એક્સીલરોમીટર્સ લગાવ્યા હતા. ફોલો-અપમાં કેન્સરનું નિદાન જાણવા 12 વર્ષના રેકોર્ડ્સ પણ તપાસ્યા હતા.
•••
તમારી ઈમ્યુન સિસ્ટમ 100 વર્ષના વૃદ્ધ કરતાં પણ નબળી છે?
સામાન્યપણે એમ માનવામાં આવે છે કે વૃદ્ધત્વના અનેક પાસા હોય છે તેમ આપણી ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક તંત્ર પણ સમયાંતરે નબળું પડે છે. જોકે, નવું સંશોધન આનાથી વિપરીત કહે છે. જર્નલ ‘સેલ રિપોર્ટ્સ-Cell Reports ’માં પ્રકાશિત સંશોધન અનુસાર આપણામાંથી સુપરસેન્ટેરિયન તરીકે ઓળખાતા જે લોકો 100 કે 110 વર્ષ સુધી જીવે છે તેમનામાં ટ્યુમર્સને ખતમ કરી નાખતા સાયટોટોક્સિક ટી લીમ્ફોસાઈટ્સ (CD4 CTLsનું પ્રમાણ ઊંચુ હોય છે. જાપાનની યુનિવર્સિટી ઓફ ઓસાકામાં એસોસિયેટ પ્રોફેસર કોસુકે હાશિમોટોના જણાવ્યા અનુસાર ઈમ્યુન વૃદ્ધાવસ્થા એ નબળા પડવાની પ્રક્રિયા નથી. ચોક્કસ ટી સેલ્સનું પસંદગીયુક્ત વિસ્તરણ સૂચવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ ઈમ્યુન સિસ્ટમ વય સંબંધિત પડકારોને અનુકૂળ થવાનું ચાલુ રાખે છે. CD4 CTLs વિશિષ્ટ પ્રકારના ટી સેલ્સ છે, જે કેન્સર અગાઉના વિકૃત અથવા અસાધારણ કોષો સહિત ચોક્કસ કોષોને નિશાન બનાવી તેમનો નાશ કરી શકે છે. સંશોધનમાં પુરાવા સાંપડ્યા હતા કે અતિશય વૃદ્ધ પુખ્તોમાં આ કોષો વધુ સામાન્ય હોય છે. સંશોધકોએ અભ્યાસ હેઠળના 26 લોકોને 70થી 99, 100થી 109 અને 110થી વધુ વય એમ ત્રણ ગ્રૂપમાં વહેંચ્યા હતા. 110 વર્ષ અને વધુ વયના લોકોના બ્લડ સેમ્પલ્સમાં 17.6 ટકા CD4 CTLs કોષો જોવા મળ્યા હતા, જ્યારે 70થી 99 વયજૂથના લોકોના બ્લડ સેમ્પલ્સમાં આ પ્રમાણ માત્ર 4 ટકા હતું. જ્યારે CD4 CTLs કોષો કોઈ જોખમનો સામનો કરે છે ત્યારે ટી-સેલ રિસેપ્ટર્સ નામના પ્રોટીન સાથે મળી પોતાનું ક્લોનિંગ કરે છે અને ચોક્કસ જોખમને શોધી તેની સાથે જોડાઈ જાય છે. કેટલાક CD4 CTLs કોષો કેન્સર સંબંધિત લક્ષ્યોને ઓળખી કાઢે છે. આ કિલર સેલ્સની વિપુલતાનું કારણ વય સંબંધિત જોખમો સાથે સક્રિયપણે અનુકૂલન સાધતી ઈમ્યુન સિસ્ટમ સાથે સંકળાયેલા હોય છે. બીજી તરફ, સંશોધન CD4 CTLs કોષોના ઊંચા પ્રમાણને કેન્સર સામે રક્ષણને સાંકળતું નથી. જોકે, વય સંબંધિત રોગપ્રતિકાર અનુકૂલન કદાચ અપવાદરૂપ દીર્ઘ આયુષ્યમાં યોગદાન આપતું હોય તેવી શક્યતા આ સંશોધન દર્શાવે છે.
•••


