સદાબહાર સ્વાસ્થ્યનો મોદી મંત્રઃ ‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ’

Tuesday 06th October 2020 16:11 EDT
 
 

ભારતમાં ‘ફિટ ઇંડિયા મૂવમેન્ટ’ને એક વર્ષ પૂરું થયું. આ અનોખા અભિયાનના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા એ કહેવાની જરૂર ખરી?! આ અભિયાન ભલે ભારતમાં ચાલ્યું હતું, પરંતુ ચુસ્ત-દુરસ્ત સ્વાસ્થ્ય એવો મુદ્દો છે જેને દેશના સીમાડાઓમાં બાંધી ન શકાય. લોકોને સદાબહાર સ્વાસ્થ્ય માટે પ્રેરિત કરતા આ અનોખા અભિયાનમાં ભારતના ટોચના ખેલાડીઓથી માંડીને મનોરંજન જગતના જાણીતા ચહેરા જોડાયા હતા. તાજેતરમાં આ અભિયાનને એક વર્ષ થયું તે પ્રસંગે વડા પ્રધાન મોદીએ ‘ફિટ ઈન્ડિયા સંવાદ’ યોજીને દેશભરમાં ફિટનેસ માટે જાગ્રત અને પ્રભાવશાળી કામ કરનાર રમતવીરો અને અન્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ઈન્ડિયા જેટલું ફિટ રહેશે તેટલું હિટ રહેશે. ‘ફિટ ઈન્ડિયા સંવાદ’માં તેમણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, રમતગમત પ્રધાન કિરણ રિજિજુ, અભિનેતા-મોડેલ મિલિન્દ સોમણ, ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર સહિતના લોકો સાથે વાતચીત કરીને ફિટનેસ ટિપ્સ મેળવી હતી.
મોદીએ ‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ’નો મંત્ર આપતા કહ્યું કે, ફિટ રહેવા દરેકે અડધો કલાક વ્યાયામ કરવો જોઇએ. ઇન્ડિયા જેટલું ફિટ હશે, એટલું જ હિટ રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હજુ વધુને વધુ લોકો ફિટ ઈન્ડિયા ઝુંબેશમાં જોડાશે. આપણે જ્યારે જાતને ફિટ રાખીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ વધે છે. મોદીએ કહ્યું કે જે પરિવાર સાથે રમે છે તે સાથે રહી પણ શકે છે. આમ રમતથી કુટુંબભાવના ખીલે છે.

વડા પ્રધાન મોદીની ફિટનેસનું રહસ્ય છે સરગવાના પરાઠા

મોદીએ કહ્યું કે, આજકાલ અનેક લોકો ફિટનેસ સુધારવા પ્રયત્નશીલ છે. બધું જ સારા આરોગ્ય પર નિર્ભર છે. સ્વાસ્થ્ય છે તો ભાગ્ય છે, સફળતા છે. જે પરિવાર એક સાથે રમે છે. તે ફિટ રહી છે. તેઓ સફળ પણ થાય છે. આપણે ત્યાં કહેવાયું છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા. તેમણે લોકોને દરરોજ અડધો કલાક કોઈ વ્યાયામ કરવા કે કસરત કરવા કે રમત રમવા અપીલ કરી હતી.
વડા પ્રધાને કહ્યું કે ફિટનેસ માટે પોતે સરગવાના પરાઠા ખાય છે. તેઓ ફિટ રહેવા માટે મોરિંગા એટલે કે સરગવો તેમજ ગરમાળાનાં ફૂલ કે પાંદડાના પાઉડરનો ઉપયોગ કરીને તેમાંથી બનાવેલા પરોઠા અઠવાડિયામાં એક કે બે વખત ભોજનમાં લેતા હોય છે. તેમણે લોકો માટે આની રેસિપી મૂકવા વચન આપ્યું હતું. ઋજુતા દિવેકર સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું કે, હું અઠવાડિયામાં ૨-૩ વખત મારી માતા સાથે વાતચીત કરું ત્યારે તેઓ મને અચૂક પૂછતા હોય છે કે હળદર લ્યો છો કે નહીં?

ફિટનેસનો ઉદ્દેશ સ્પષ્ટ હોવો જોઇએઃ કોહલી

ટીમ ઇંડિયાના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે જો મારાથી ક્રિકેટ પ્રેક્ટિસ મિસ થઇ જાય તો મને ખરાબ નથી લાગતું, પરંતુ ફિટનેસ સેશન મિસ થઇ જાય તો બહુ જ ખરાબ લાગે છે. જો ફિટનેસ નહીં સુધારીએ તો પર્ફોર્મ પણ નહીં કરી શકીએ. શરીર અને મગજ બંને સ્વસ્થ રાખવા માટે વર્કઆઉટ જરૂરી છે. રાત્રે ગળ્યું ખાઇને સૂઇ જવું પણ અયોગ્ય છે. આ સાથે તમે શેના માટે ફિટ રહેવા ઇચ્છો છો તે લક્ષ્ય પણ સ્પષ્ટ હોવું જોઇએ.
મોદીએ કોહલીને યો-યો ટેસ્ટ અંગે પૂછયું હતું. વિરાટે કહ્યું કે ટીમ માટે આ ખૂબ જરૂરી છે. તેનાથી ફિટનેસ જળવાઈ રહે છે. શરીરની સાથે દિમાગને પણ ફિટ રાખવું જરૂરી છે. તેમણે કોહલીને પૂછ્યું હતું કે, ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો-યો ટેસ્ટ નક્કી કરાયો છે તો શું કેપ્ટને પણ તે પાસ કરવો પડે છે? તો કોહલીએ કહ્યું કે, ‘અમે અમારા ફિટનેસનું લેવલ વધારવા માંગીએ છીએ તેથી યો-યો ટેસ્ટ જરૂરી છે. યો-યો ટેસ્ટમાં ફેઇલ થાઉં, તો મારું પણ સિલેક્શન ના થાય.’ ભોજન અને ઊંઘ વચ્ચે અંતર જાળવવા પર કોહલીએ ભાર મૂક્યો હતો. તેણે કહ્યું કે હું પ્રેક્ટિસ મિસ કરું છું પણ ફિટનેસ સેશન મિસ કરતો નથી. લોકોએ ડાયેટ પર ધ્યાન રાખવા તેણે ભાર મૂક્યો હતો.

હું ૧૦ ફૂટના રૂમમાં પણ ફિટનેસ જાળવી શકુંઃ સોમણ

આ ચર્ચામાં મોદીએ અભિનેતા મિલિંદ સોમણ સાથે વાત કરતાં તેની ઉંમર વિશે પૂછયું હતું. મોદીએ મિલિંદ સોમણને પૂછયું હતું કે શું ખરેખર આપની ઉંમર ૫૫ વર્ષ છે. મિલિંદે કહ્યું કે, ઘણી વાર લોકો મને પૂછે છે કે, ૫૫ વર્ષે પણ આટલું કેવી રીતે દોડો છો? હું તેમને કહું છું કે, મારી માતા ૮૧ વર્ષથી છે અને તે પણ આ બધું કરે છે. કોઇ પણ વ્યક્તિ વર્કઆઉટ માટે દોડી શકે છે. હું ૧૦ ફૂટના રૂમમાં ફણ ફિટ રહી શકું છું અને તમે પણ એવું કરી શકો છો.

હવે બધાને દૂધ-ઘીનું મહત્ત્વ સમજાયુંઃ દિવેકર

ન્યુટ્રિશન અને ફિટનેસ એક્સપર્ટ ઋજૂતા દિવેકરે વડા પ્રધાન મોદી સાથેની વાતમાં કહ્યું હતું કે આજકાલ અમેરિકામાં પણ ‘ઘી’ શબ્દ સૌથી વધુ વાર ગૂગલ સર્ચ કરાય છે. આપણે સ્થાનિક ખાદ્ય પદાર્થો ભોજનમાં લઇશું તો તે ખેડૂતો માટે પણ સારી વાત છે. આ સાથે આપણું આરોગ્ય પણ સારું રહેશે. હવે લોકો દૂધ - ઘી અને હળદરનું મહત્ત્વ પણ સમજવા લાગ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter