પ્રિટોરિયાઃ સાઉથ આફ્રિકાના પ્રોફેસર માશુદુ શિફુલારોએ તબીબી ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ સર્જી છે. તેમણે સ્ટીવ બિકો એકેડેમિક હોસ્પિટલમાં થ્રી-ડી પ્રિન્ટર દ્વારા તૈયાર કરાયેલા ટાઇટેનિયમના હાડકાંની મદદથી એક બહેરા વ્યક્તિને ફરીથી સાંભળતો કર્યો છે. કાર અકસ્માતમાં શ્રવણશક્તિ ગુમાવનાર 25 વર્ષીય દર્દીના કાનના મધ્યભાગના ત્રણ અત્યંત નાના હાડકાંને એન્ડોસ્કોપિક સર્જરી દ્વારા માત્ર દોઢ કલાકમાં બદલવામાં આવ્યા હતા. દર્દીના કાનની એનાટોમી સ્કેન કરીને આ હાડકાં બરાબર કદના પ્રિન્ટ કરાયા હોવાથી તે કાનમાં એકદમ ફિટ થઈ જાય છે. ટાઇટેનિયમ ધાતુ બાયો-કમ્પેટીબલ હોવાથી શરીર તેનો અસ્વીકાર કરતું નથી. નિષ્ણાતોના મતે, જન્મજાત બહેરાશ, ચેપ કે અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આ ટેકનિક વરદાન સાબિત થઈ શકે છે.


