સાબદા રહેજો... ઉધરસ-છીંકથી કોરોના ૮ મીટર સુધી ફેલાય છે

Wednesday 08th April 2020 06:15 EDT
 
 

નવી દિલ્હી: જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં છપાયેલા રિસર્ચ પેપરમાં દાવો કરાયો છે કે કોરોનાનો સામનો કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ સામાજિક અંતર સંબંધિત જે ગાઇડલાઇન જારી કરી છે તે પૂરતી નથી. ઉધરસ કે છીંકવાથી પણ આ વાઇરસ ફેલાય છે અને તે પણ એકાદ-બે મીટર નહીં, પરંતુ આઠ મીટર સુધી ફેલાઈ શકે છે.
રિસર્ચ મુજબ ‘હૂ’ અને અમેરિકી એજન્સીએ હાલના સમયે જે ગાઇડલાઇન જારી કરી છે તે ઉધરસ, છીંક કે શ્વસન પ્રક્રિયાથી બનતાં ગેસ ક્લાઉડના ૧૯૩૦ના દાયકા જૂના થઈ ચૂકેલા મોડેલ પર આધારિત છે. સંશોધક અને એમઆઈટીના એસોસિએટ પ્રોફેસર લીડિયા બુરુઈબાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે ઉધરસ અને છીંકને લીધે નીકળતાં સૂક્ષ્મ કણ ૨૩થી ૨૭ ફૂટ કે પછી ૭-૮ મીટર સુધી જઈ શકે છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન ગાઇડલાઇન કણના આકારની એકદમ સરળ અવધારણાઓ પર આધારિત છે અને આ ઘાતક રોગ વિરુદ્ધ પ્રસ્તાવિત ઉપાયોના પ્રભાવોને મર્યાદિત કરી શકે છે.
સંશોધનનાં પરિણામ એ જણાવવા પૂરતાં છે કે આ વાઇરસનો સામનો કરવા સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર કેટલું મહત્ત્વપૂર્ણ છે.
અમેરિકી જર્નલમાં પ્રકાશિત નવું સંશોધન જણાવે છે કે કોરોના વાઇરસ ફેલાવા અંગે અત્યાર સુધી જે અનુમાન લગાવાયાં છે આ તેનાથી પણ અનેક ગણા વધુ ઘાતક છે. આ સમયે તેનાથી બચવા માટે ખૂબ જ જરૂરી છે કે તમે ઘરમાં રહો. અત્યંત જરૂરી હોય તો જ બહાર નીકળો પણ વધુ સાવચેત રહો અને લોકોથી અંતર જાળવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter