સારી તંદુરસ્તીની પહેલી નિશાની છે સારું મેટાબોલિઝમ

Wednesday 20th December 2023 05:33 EST
 
 

આપણા ભોજનનું મૂળ કામ શરીરને ઊર્જા પ્રદાન કરવાનું છે, જેથી શરીરની ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહે. પ્રાથમિક માન્યતા એવી છે કે મુખ વાટે પેટમાં પહોંચેલા ભોજનને ઊર્જામાં તબદીલ કરવાની પ્રક્રિયાને મેટાબોલિઝમ કહે છે. આ વાત સાચી જરૂર છે, પણ અધૂરી છે. સાચું એ છે કે મેટાબોલિઝમ ભોજનના પાચન ઉપરાંત હોર્મોનના સ્તરને સંતુલિત કરવાથી લઇને શરીરના તાપમાનને નિયંત્રિત કરવા સહિતના મહત્ત્વનાં કાર્યોમાં પણ મદદ કરે છે. આથી ભોજનને ઝડપથી ઊર્જામાં તબદીલ કરવામાં મદદ કરતા ઉપાયો જાણવા જરૂરી છે. મેટાબોલિઝમ સુધરે છે તેની સાથે સાથે જ ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે અને વજન પણ સંતુલિત રહે છે. આજે જાણીએ મેટાબોલિઝમને શ્રેષ્ઠ રાખવાના પાંચ ઉપાય અંગે.

1) કસરતઃ સમગ્ર બોડી કમ્પોઝિશનમાં સુધારો
એરોબિક એક્સરસાઈઝ જેને કાર્ડિયો પણ કહે છે, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. કસરત બેલી ફેટને ઘટાડે છે. નુકસાનકારક ચરબીને ઓછી કરે છે. આથી કેલરીને ઊર્જામાં બદલવાની ક્ષમતા વધે છે. વજન ઊંચકવાની કસરત કરવાથી માંસપેશીઓ મજબૂત થાય છે. બોડી કમ્પોઝિશન સુધરે છે. ઈન્સ્યુલિન સેન્સિટીવિટી વધે છે, જે મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.
2) ઉચિત ડાયટઃ કેલરીને ઊર્જામાં બદલો
યીસ્ટ ધરાવતા ખાદ્યપદાર્થો જેમ કે દહીં, ઢોંસા, ઢોકળા, કાંજીવડા વગેરે આંતરડાંને તંદુરસ્ત રાખે છે. તે ઈન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, જેનાથી શરીરની કેલરીને ઊર્જામાં તબદીલ કરવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ જ રીતે જ્યારે તમે ભોજનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન લો છો તો તે ફૂડની થર્મિક ઈફેક્ટને
વધારે છે. આનાથી તમારું શરીર ભોજનનું પાચન, અવશોષિત કરવા અને તેને મોબીલાઈઝ કરવામાં વધુ કેલરીનો ઉપયોગ
કરે છે.
3) પૂરતી ઊંઘઃ કેલરી વધુ ખર્ચાય છે, ફેટ ઘટે છે
તમને જાણીને નવાઇ લાગશે કે માત્ર ચાર દિવસની અધુરી ઊંઘથી જ ઈન્સ્યુલિનને પ્રોસેસ કરવાની શરીરની ક્ષમતા 30 ટકા સુધી ઘટી જાય છે. આ ક્ષમતા ઘટતાં જ તે ભોજનને ઊર્જામાં બદલવાનું ઓછું કરી દે છે. અધૂરી ઊંઘથી હેલ્ધી ભોજનને સ્થાને જંક ફૂડ, વધુ તળેલું અને ગળ્યું ખાવાનું મન થાય છે. તેનું પરિણામ મળે છે વધુ વજનના સ્વરૂપે. આથી વ્યક્તિએ સાતથી નવ ક્લાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
4) સ્ટ્રેસ મેનેજમેન્ટઃ હોર્મોન કાર્ટિસોલનું નિયંત્રણ
તમારો માનસિક તણાવ - સ્ટ્રેસ હોર્મોન કાર્ટિસોલનું સ્તર વધારે છે. તે શરીરને એક્ટિવ મોડમાં રાખે છે. તેનાથી શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે. સાથે જ કાર્ટિસોલનું ઉચ્ચ સ્તર ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે. જેનાથી કેલરીને ઊર્જામાં તબદીલ કરવાની પ્રક્રિયા પર અસર થાય છે.
5) હાઈડ્રેશનઃ 10 મિનિટમાં મેટાબોલિઝમમાં વધારો
શું તમે જાણો છો કે નિયમિતપણે પૂરતું પાણી પીવાથી કેલરી બર્ન થવાનું પ્રમાણ વધે છે? તબીબી વ્યાખ્યામાં તેને રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડીચર કહે છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે, યુવાનોમાં એક ગ્લાસ પાણી પીવાના 10 મિનિટના અંદર રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડીચર 24થી 30 ટકા વધી જાય છે, અને તેની અસર 60 મિનિટ સુધી રહે છે. ખાસ કરીને ભોજન જમતાં પહેલા જો એક ગ્લાસ પાણી પીવામાં આવે તો ફાયદા વધી જાય છે. તે કેલરી ઈન્ટેક ઘટાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter