સિરિયલ્સ કરતાં વધુ હેલ્ધી છે ઘરનો નાસ્તો

Wednesday 23rd June 2021 07:12 EDT
 
 

જો તન-મનને સદાબહાર સ્વસ્થ રાખવા હોય તો દરરોજ સવારે બ્રેકફાસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે એ હેલ્થ મંત્ર હવે લોકો સમજવા લાગ્યા છે. જોકે નવી ફેશન મુજબ બ્રેકફાસ્ટમાં સિરિયલ્સનું ચલણ વધ્યું છે. ટીવીમાં અનેક જાતના સિરિયલ્સની જાહેરાતો આવે છે, જેમાં વજન ઘટાડવાના, આયર્ન વધારવાના અને બુદ્ધિ સતેજ કરવાના દાવા થતા આવ્યા છે. જોકે આ દાવાઓ અને એના ફાયદાઓ ખરેખર સાચા હોય છે ખરા? કેમ કે આફટર ઓલ તો સિરિયલ્સ એ પણ એક પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ જ છે. એમાં ફ્લેવર્સ અને પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે. તો આવો આજે આપણે જાણીએ કે સવારે કેવા પ્રકારનો નાસ્તો કરવો જોઇએ, અને તેના લાભ-ગેરલાભ શું છે.

પહેલા તો આપણે જાણીએ કે સીરિયલ્સ શું છે? કોર્ન, ઘઉં, રાઇસ, ઓટ જેવા ધાન્યમાંથી સિરિયલ્સ બનાવવામાં આવે છે. કોઈ એક અથવા તો એક કરતાં વધુ એવા ધાન્યોને પ્રોસેસ કરીને ડ્રાય ફોર્મમાં જ પેક કરવામાં આવે છે. આ ચીજ સામાન્ય રીતે ઠંડા કે ગરમ દૂધ, દહીં અથવા પાણી સાથે પણ લઈ શકાય છે. હવે તો એમાં જાતજાતની ફ્રૂટ ફલેવર્સ અને ડ્રાય કરેલાં ફ્રૂટ્સનાં ટુકડાંઓવાળાં સિરિયલ્સ પણ મળે છે.

શું સિરિયલ્સ હેલ્ધી ઓપ્શન કહેવાય?
ગુજરાતી ઘરોમાં ગાંઠિયા-ફાફડા, સેવ-પુરી જેવા નાસ્તાના ડબ્બા ભરેલા પડ્યા હોય છે. સવારના પહોરમાં સમય ન હોય તો બ્રેકફાસ્ટમાં એ જ ફાકવામાં આવે છે. એને બદલે સિરિયલ્સનો ઓપ્શન બેટર જરૂર કહી શકાય એમ જણાવતાં નિષ્ણાત ડાયેટિશ્યન્સ જણાવે છે કે સવારના પહોરમાં તેલ અને મરચાં-મસાલાથી ભરપૂર સૂકો નાસ્તો ખાવાને બદલે સિરિયલ્સ ખાવા વધુ સારા કહેવાય. આજકાલ મોટા ભાગની વર્કિંગ મમ્મીઓને સવારે ગરમ નાસ્તો બનાવવાનો સમય નથી હોતો આવા સંજોગોમાં સૂકો નાસ્તો ફાકવાને બદલે સિરિયલ્સ હેલ્ધી કહેવાય. વળી, સૂકા નાસ્તા ચટાકેદાર અને ટેસ્ટી હોય છે એટલે એ વધુ ખવાઈ જાય છે, જ્યારે સિરિયલ્સ એટલા ટેસ્ટી નથી હોતાં એટલે ઓછા ખવાય છે.

ગરમ નાસ્તો સૌથી સ્વાસ્થ્યપ્રદ
સવારે ઊઠીને બ્રેકફાસ્ટમાં સૌથી હેલ્ધીએસ્ટ કહેવાય એવો નાસ્તો સિરિયલ્સનો નથી. એકલા ધાન્યમાંથી બનાવાયેલી ચીજોને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં મધની ફ્લેવર કે શુગર ઉમેરવામાં આવે છે. એટલે જ મોટા ભાગના સિરિયલ્સમાં શુગર અને સોલ્ટનું પ્રમાણ આઇડિયલી હોવું જોઈએ એના કરતાં થોડુંક વધારે હોય છે. હેલ્ધીએસ્ટ બ્રેકફાસ્ટ ઓપ્શન વિશે આહાર નિષ્ણાતોનું કહેવું છે કે સિરિયલ્સ કરતાં વિવિધ શાકભાજી નાખીને ઘરે બનાવેલી જાડા લોટની રોટલી કે ભાખરી વધુ હેલ્ધી છે. કેમ કે એનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જ્યારે આ ચીજોની સરખામણીએ સિરિયલ્સનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઊંચો છે. સિરિયલ્સ જલદી પચી જાય છે અને થોડી જ વારમાં તમને ફરીથી ભૂખ લાગી જાય છે. જ્યારે શાકભાજી નાખીને બનાવેલી રોટલી, ભાખરી, ઉપમા અને પૌંઆમાં એવું થતું નથી. રોટલી એક કલાકમાં પચે છે જ્યારે સિરિયલ્સ ૪૫ મિનિટમાં પચી જાય છે. સિરિયલ્સ ખાધા પછી જલદીથી ભૂખ લાગે છે, ઝડપથી બ્લડશુગર લેવર વધે છે. ધારો કે સિરિયલ્સ ખાવા જ હોય તો ઓટમાંથી બનેલાં ખાવા જોઇએ.

ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વિશે આટલું જાણો
આપણા શરીરમાં કોઈ પણ ચીજ કેટલી જલદી પચી જાય છે એને ગ્લાઈસેમિક ઇન્ડેક્સથી માપવામાં આવે છે. આપણે જે પણ કાર્બોહાઇડ્રેટવાળી ચીજ ખાઈએ એ પચીને એમાંથી ગ્લુકોઝ બને છે. આ ચીજ ઝડપથી ગ્લુકોઝ બનીને બ્લડમાં ભળી જાય છે. જે ચીજ ધીમે ધીમે પચે છે એ ચીજથી લોહીમાં અચાનક જ ગ્લુકોઝનું લેવલ વધતું નથી, પણ ધીમે-ધીમે લાંબો સમય સુધી લોહીમાં ગ્લુકોઝ લેવલ જળવાય છે. ઝડપથી ગ્લુકોઝ લેવલ વધારનારી ચીજો ડાયાબિટીસ અને ઓબેસિટી વધારનારી કહેવાય છે. એટલે જ સવારના નાસ્તામાં ઓછો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ધરાવતી ચીજો વધુ સારી ગણાય છે.

તો પછી બ્રેકફાસ્ટના ઓપ્શન શું છે?
નિષ્ણાતો કહે છે કે આરોગ્ય સાચવવું હોય, સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો હેલ્ધી બ્રેકફાસ્ટ કરો. જેમ કે, ઘઉંના ફાડાની ખીચડી, ઉપમા, ખીર લઈ શકાય. બાળકોને ડ્રાયફ્રૂટ મિલ્કશેક કે બનાના મિલ્કશેક જેવી ચીજો પણ આપી શકાય. તમે વટાણા, કેપ્સિકમ, ગાજર, કોર્ન જેવાં વેજિટેબલ્સ નાખીને પૌંઆ કે ઉપમા બનાવીને નાસ્તામાં લઈ શકાય. જુવાર, બાજરી, નાચણી અને સોયાબીનના મિક્સ લોટમાં પાલક, દૂધી, મેથી, ગાજર, કેપ્સિકમ જેવાં વેજિટેબલ્સ નાખીને લોટ બાંધવો. એનો રોટલો ઘડીને ધીમે આંચે પકાવવો. દૂધ કે ફ્રૂટ જૂસની સાથે આ રોટલો લઈ શકાય. એમાં કેલ્શિયમ - આયર્ન - પ્રોટીન બધું જ મળી રહે છે. ડાયાબિટીસવાળા દરદીઓ માટે તો આ બેસ્ટ ઓપ્શન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter