સુરક્ષિત છે અખબાર, બિલકુલ નચિંત થઇને વાંચતા રહોઃ ડબ્લ્યુએચઓ

Saturday 28th March 2020 06:43 EDT
 
 

નવી દિલ્હી: કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના ૨૩ રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં કેદ છે. તેમની પાસે જાણકારી મેળવવા અને સમય વીતાવવા ટીવી અને અખબારોના વિકલ્પ છે. આ દરમિયાન એવી અફવા ફેલાઈ કે, અખબારો થકી પણ કોરોના સહેલાઈથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ દાવો ખોટો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે પણ તેને અફવા ગણાવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના નિવેદનમાં કહ્યું છે કે, અખબારોના કારણે કોરોના નથી ફેલાતો. અખબારથી કોઈને ચેપ લાગવાની શક્યતા ઘણી ઓછી છે. તેનું કારણ એ છે કે, અખબાર જુદા જુદા તાપમાન અને પ્રક્રિયામાંથી પસાર થાય છે. એટલે તેમાંથી વાઈરસ ફેલાવવાની શક્યતા બહુ ઓછી છે. બીજી તરફ, અમેરિકાની પણ એક મેડિકલ સંસ્થાએ કહ્યું છે કે, અખબારથી કોરોના ફેલાય એવી શક્યતા ના બરાબર છે. અખબારની સપાટી પર કોરોના વાઈરસનું ટકવું સરળ નથી. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સલાહ આપી છે કે, સાર્વજનિક સ્થળોએ અખબારોની નકલો વાંચવાથી બચો. લાઈબ્રેરી કે સોસાયટીમાં બહુ બધા લોકો દ્વારા વંચાઈ હોય તેવી નકલોથી બચો. એવું કર્યું હોય તો હાથ જરૂર ધુઓ, પરંતુ તમારા ઘરે આવતું અખબાર બિલકુલ સુરક્ષિત છે. અખબાર છાપવાની પ્રક્રિયા દરમિયાન પણ કર્મચારીઓ સાવધાની રાખી રહ્યા છે. અખબારને સેનેટાઈઝ કરીને જ ડિલિવર કરાય છે. તમને જણાવી દઈએ કે, આજકાલ આધુનિક મશીનોથી જ અખબારો છપાય છે, જે સંપૂર્ણપણે ઓટોમેટિક છે.
આ ઉપરાંત ડબલ્યુએચઓએ કહ્યું છે કે, આમ પણ લોકો પોતાના હાથ સતત ધુએ છે. લગભગ ૨૦ સેકન્ડ હાથ ધોવાની સલાહ અપાઈ છે. આ ઉપરાંત લોકોને ઘરમાં રહેવાની પણ અપીલ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter