સેલ્ફ મેડિકેશનઃ પોતાના જ શરીરને નુકસાન પહોંચાડતી મનોવૃત્તિ

Tuesday 15th July 2025 10:25 EDT
 
 

તમે પરિવાર કે પરિચિતોમાં આસપાસ નજર કરશો તો અચૂક એવી વ્યક્તિઓ જોવા મળશે જેઓ શારીરિક બીમારી ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ દવાઓ લેવાનું શરૂ કરી દેતી હોય છે. આ લોકો એવું વિચારતી હોય છે કે શરદી અને ખાંસી જેવા રોગોની જાતે સારવાર કરી શકે છે. પરંતુ જાતે દવા લેવાનો - સેલ્ફ મેડિકેશનનો આ અભિગમ અનિચ્છનીય આડઅસરો તરફ દોરી શકે છે.
ભારતમાં હાથ ધરાયેલા અનેક અભ્યાસોના તારણ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં 37 ટકા લોકો ડોક્ટરની સલાહ લીધા વિના દવાઓ લે છે. આનું ગંભીર પરિણામ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટના સ્વરૂપમાં બહાર આવ્યું છે. આઈસીએમઆર (ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના સ્ટડી મુજબ, એન્ટિબાયોટિક્સના વધુ પડતા અને બિનજરૂરી ઉપયોગને કારણે, લગભગ 50 ટકા લોકો હવે હોસ્પિટલમાંથી થતા ચેપની સારવાર માટે આપવામાં આવતી મજબૂત એન્ટિબાયોટિક્સનો પ્રતિસાદ આપી રહ્યા નથી. આજે આપણે આ વિષય વિશે જાણીએ....
સેલ્ફ મેડિકેશનથી ગંભીર બીમારી પકડાતી નથી
વ્યક્તિ જ્યારે કોઈ ડોક્ટરની સલાહ લીધા વિના દવા લે છે, ત્યારે તે ફક્ત લક્ષણોને દબાવી રહ્યો છે. આના કારણે સાચા રોગનું નિદાન કરવામાં વિલંબ થાય છે અને શરૂઆતના તબક્કામાં કોઈપણ ગંભીર રોગ શોધી શકાતો નથી. એન્ટિબાયોટિક્સના ખોટા ઉપયોગથી બેક્ટેરિયા આ દવાઓ સામે એન્ટિબોડી રેઝિસ્ટન્ટ વિકસાવી લે છે, જે દવાઓને બિનઅસરકારક બનાવે છે.
આ આડઅસરોને જાણો
વ્યક્તિ જ્યારે કોઈ ખોટી રીતે દવા લે છે, ત્યારે તેને આ આડઅસર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, પેઇનકિલર્સનો વધુ પડતો ઉપયોગ કિડની પર ખરાબ અસર કરી શકે છે. ખોટી એન્ટિબાયોટિકનો ઉપયોગ - ચેપ વધુ વધી શકે છે. ઊંઘની ગોળીઓ અથવા સ્ટેરોઈડ્સનો દુરૂપયોગ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટઃ દર્દીઓ માટે રેડ એલર્ટ!
જ્યારે બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓનો પ્રતિભાવ આપવાનું બંધ કરે છે ત્યારે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ થાય છે. ખોટી રીતે અને જરૂરિયાત કરતાં વધુ માત્રામાં એન્ટિબાયોટિક્સ લેવાને કારણે આ સમસ્યા વધી રહી છે. દાખલ દર્દીઓમાં એવા ચેપ લાગી શકે છે, જે જીવનની ગુણવત્તાને ગંભીર અસર કરે છે.
લોકપ્રિય દવાઓ વિશેનું સત્ય જાણો?
• પેરાસિટામોલઃ લોકો તાવ આવે ત્યારે પેરાસિટામોલ લે છે. આ દવાને ભલે સલામત માનવામાં આવે છે, પરંતુ જો વધુ પડતી માત્રામાં લેવામાં આવે તો તે લિવરને નુકસાન પહોંચાડી શકે છે.
ધ્યાન રાખો: દિવસમાં 4 વખતથી વધુ 500 અથવા 650 મિ.ગ્રા.ની માત્રા ન લો. જો વધુ પડતી લેવામાં આવે તો લિવરનું જોખમ
થાય છે.
• એસ્પિરિનઃ આ દવાઓનો ઉપયોગ માથાનો દુખાવો, તાવ, હળવી શરદી અને બળતરા માટે થાય છે.
ધ્યાન રાખો: જો આ દવાઓ વધુ પડતી માત્રામાં અથવા આલ્કોહોલ સાથે લેવામાં આવે તો તે લિવરને નુક્સાન પહોંચાડી શકે છે.
• એન્ટી એલર્જી દવાઓઃ આ દવાઓમાં શરદી, ગળામાં દુખાવો અથવા એલર્જી રાહત આપનારી દવાઓ (જેમ કે Cetrizine સેટીરિઝિન)નો સમાવેશ થાય છે.
ધ્યાન રાખોઃ વાહન ચલાવતા પહેલા આ દવા ન લેવી જોઈએ, કારણ કે આ દવાના સેવનથી સુસ્તી આવી શકે છે.
કેટલીક દવાઓમાં એવા ઘટકો હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે. તેથી, હાઈ બીપીના દર્દીઓએ તેને સાવધાનીથી લેવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter