સ્થૂળતાની બદલાતી વ્યાખ્યા... પેટની આસપાસની ચરબી બહુ ડેન્જરસ

Wednesday 11th March 2026 08:04 EDT
 
 

આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં માત્ર બીએમઆઇ એટલે કે બોડી માસ ઇન્ડેક્સથી સ્થૂળતાની ખબર પડતી હતી. પહેલાં મનાતું હતું કે જે વ્યક્તિનો બીએમઆઇ વધારે છે એ સ્થૂળતાનો ભોગ બની છે એમ કહી શકાતું હતું. હવે આ સ્થૂળતાની વ્યાખ્યા બદલાઇ છે. હવે સ્થૂળતાના તબક્કા નક્કી કરવામાં આવ્યા છે અને એના પરથી વ્યક્તિ કેટલી ગંભીર રીતે સ્થૂળતાથી પીડાય છે એ નક્કી કરાય છે.
શું છે સ્થૂળતાની નવી વ્યાખ્યા?
હકીકતમાં સ્થૂળતા કોને કહેવાય એ નક્કી કરવા માટે 2009માં ગાઇડલાઇન બનાવાઇ હતી. સ્થૂળતાની જૂની વ્યાખ્યા માત્ર બીએમઆઇ (વજન અને ઉંચાઇનો ગુણોત્તર) પર આધારિત હતી. આ પ્રમાણે એવું નક્કી કરાયું હતું કે જો કોઇ વ્યક્તિનો બીએમઆઇ 23કરતાં વધારે હોય તો તે વ્યક્તિ સ્થૂળતાનો ભોગ બની છે એમ કહી શકાય. છેલ્લા પંદર વર્ષથી ભારત સહિત વિશ્વના અનેક દેશમાં આ રીતે જ નક્કી કરાતું હતું કે વ્યક્તિ સ્થૂળ છે કે નહીં? જોકે આમાં સ્થૂળતાને કારણે થતી બીજી બીમારીઓ વિશે તપાસ કરવાનું મુશ્કેલ બની જતું હતું. આ પછી નેશનલ ડાયાબિટી ઓેબેસિટી એન્ડ કોલેસ્ટેરોલ ફાઉન્ડેશન, ફોર્ટિસ હોસ્પિટલ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝે સ્થૂળતાને નવેસરથી સમજવાનો પ્રયાસ કર્યો છે.
આ પ્રયાસોને કારણે ભારતીયોમાં સ્થૂળતાને કારણે થતી બીમારીઓને વધારે સારી રીતે સમજવામાં મદદ મળશે. આ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા એક સર્વેમાં માહિતી મળી છે કે ભારતીયોમાં પેટની આસપાસ રહેલી ચરબી (એબ્ડોમિનલ ઓબેસિટી) અનેક બીમારીઓનું કારણ હોઇ શકે છે. સામાન્ય રીતે એબ્ડોમિનલ ઓબેસિટીને કારણે વ્યક્તિ હૃદયરોગ, કોલોરેક્ટલ કેન્સર, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને સ્લીપ એપનિયા જેવી સમસ્યાનો ભોગ બને છે.
ઓબેસિટીના બે તબક્કા
સ્થૂળતા વિશે કરેલા રિસર્ચમાં એને બે તબક્કામાં વર્ગીકૃત કરી દેવાઇ છે. પહેલા તબક્કાને સાધારણ સ્થૂળતા (ઇનોક્યુઅસ ઓબેસિટી) અને બીજા તબક્કાને પરિણામપ્રેરક સ્થૂળતા (કોન્સિક્વન્સ ઓબેસિટી) તરીકે ઓળખાય છે. પહેલા તબક્કાની સ્થૂળતામાં એ શરીર પર તો દેખાય છે પણ એનાથી અંગોની કાર્યક્ષમતા અને રોજબરોજના કામ પર કોઇ અસર નથી પડતી. જોકે એને કાબૂમાં ન લેવાય તો ક્રમશ: ગંભીર પરિણામ મળે છે. બીજા તબક્કાની સ્થૂળતા માત્ર શરીર પર નથી દેખાતી પણ એનાથી શરીરના અંગો પણ બેડોળ બનવા લાગે છે. આ તબક્કાની સ્થૂળતા લાંબો સમય રહે તો ડાયાબિટીસ કે હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે.
સગર્ભાઓમાં સ્થૂળતા જોખમી
મહિલા સગર્ભા હોય અને એનું વજન વધે તો આ વાત નોર્મલ ગણાય છે. જોકે ધ જર્નલ ઓફ ફિઝિયોલોજીમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન માતાની સ્થૂળતા માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. માતાનું વધુ પડતું વજન પ્લેસેન્ટાની રચનામાં ફેરફાર કરે છે. પ્લેસેન્ટા
માતાના ગર્ભાશયમાં બાળકને પોષણ આપે છે અને એની રચનામાં ફેરફાર થવાની સમસ્યા સર્જાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સ્થૂળતાથી પીડાતી સ્ત્રીઓને સગર્ભાવસ્થા ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર અથવા પ્રિક્લેમ્પસિયા, અવરોધક સ્લીપ એપનિયા કે પછી લોહી ગંઠાવાની સમસ્યા અને ચેપ જેવી તકલીફો થવાની શક્યતા વધુ હોય છે.
પેટ આસપાસ ચરબી વધવાના કારણો
• બેઠાડું જીવન: જો તમે આખો દિવસ બેસી રહો છો કે સૂઈ જાઓ છો. દિવસ દરમ્યાન કોઇ જ પ્રકારનો વ્યાયામ નથી કરતા તો પછી તમે જે કંઇ પણ ભોજન કરો છો એ સ્ટોરેજના રૂપમાં શરીરમાં જમા થાય છે. જો તમે એકસાથે ઘણું બધું ખાઓ છો તો પણ તમારા પેટની ચરબી એટલી જ ઝડપથી વધે છે. તમે ભોજનને પચાવવા બહુ પ્રયાસ નથી કરતા તો પેટની આસપાસ ચરબી વધી જાય છે.
• અપૂરતી ઊંઘ: જગવિખ્યાત મેયો ક્લિનિક અનુસાર, ઊંઘ અને પેટની ચરબીને સીધો સંબંધ છે. અભ્યાસ પરથી ખબર પડે છે કે પૂરતી ઊંઘ ન થવાને કારણે પેટની કુલ ચરબીમાં 9 ટકા અને પેટની આંતરડાની ચરબીમાં 11 ટકા વધારો થવાની સંભાવના છે. રિસર્ચ અનુસાર જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા, તેમનું વજન વધારે હોય છે. અપૂરતી ઊંઘને કારણે ભૂખ સાથે સંકળાયેલા હોર્મોનના સ્તરમાં વધારો થાય છે અને લેપ્ટિનના સ્તરમાં ઘટાડો થાય છે. આના કારણે તમને વધુ ભૂખ લાગે છે.
• સ્ટ્રેસ: સ્થૂળતા અને સ્ટ્રેસ પણ એકબીજા સાથે જોડાયેલાં છે. ચિંતાથી તણાવ વધે છે. ખાવાની ઈચ્છા પણ થાય છે. આ કારણે તમે વધુ ખોરાક લો છો અને પેટની ચરબી વધે છે.
• સ્મોકિંગ અને આલ્કોહોલ: ધૂમ્રપાન માત્ર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે શ્વસન રોગો અને ફેફસાંના કેન્સરમાં વધારો જ નહીં પરંતુ તેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધે છે. આ પરિસ્થિતિમાં ચરબી વધી શકે છે. આલ્કોહોલ સુગર વધારવાનું કામ કરે છે.
• ભોજનમાં વધુ કેલરી લેવી: પેટ વધવાનું સૌથી મોટું કારણ ભોજનમાં વધુ માત્રામાં કેલરી લેવી છે. જો તમે જરૂરિયાત કરતાં વધુ કેલરી લો છો, તો વજન અને પેટ ઝડપભેર વધવા લાગે છે.
• આનુવંશિક સમસ્યા: કેટલાક લોકોમાં તે આનુવંશિક હોય છે, તેમના શરીરના ચોક્કસ ભાગમાં ચરબી જમા થાય છે. પુરુષોમાં આ ચરબી ઘણીવાર પેટની આસપાસ હોય છે. તેથી, જો તમારા વડીલોમાં પેટ વધવાની સમસ્યા છે, તો આનુવંશિક રીતે તમને પણ પેટની સમસ્યા હોઈ શકે છે.
• હોર્મોનલ અસંતુલન: આપણા શરીરમાં હોર્મોન્સના સ્તરમાં અસંતુલન સર્જાય તો પણ પેટની આસપાસ બહુ ઝડપથી ચરબી જમા થઇ જાય છે. જો તમારા શરીરમાં લેપ્ટિનની ઊણપ છે, તો તમે બહુ વધારે ભોજન કરશો એ પછી જ તમને પેટ ભરેલું હોવાનો અનુભવ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter