સ્નેકિંગના નામે ચણ-ચણ કરવાની આદત છે તમને?

સદાબહાર સ્વાસ્થ્ય

Tuesday 11th July 2017 04:13 EDT
 
 

નમકીન, વેફર્સ, અઢળક વરાઇટીના ગાંઠિયા, અગણિત પ્રકારની સેવ, કેટલીયે જાતનાં ચવાણાં, પૂરી, ચોળાફળી, ચકરી, ફ્રાયમ્સ, તળેલી દાળ, ફરાળી ચેવડો, સાબુદાણાનાં ફરસાણ, બિસ્કિટ, કુકીઝ, જાત જાતની બ્રેડ્સ, પાંઉ વગેરે જેવી બેકરી આઇટમ્સ જેવી અઢળક વરાઇટીના નાસ્તા બજારમાં મળે છે. પહેલાંના સમયમાં બહેનો નાસ્તા ઘરે બનાવતી, હવે બધું રેડીમેડ પેકેટમાં મળવા લાગ્યું છે. સવારે બ્રેકફાસ્ટ અને સવારે-બપોરે ભોજન એમ વ્યક્તિ દિવસમાં જમે છે ત્રણ વાર - પરંતુ સવારથી રાત લગી આપણે આ જે સૂકા નાસ્તા પેટમાં પધરાવીએ છીએ એ આપણા ચોથા જમણ બરાબર જ ગણી શકાય. અંગ્રેજીમાં એને ‘સ્નેકિંગ’ એવું ચટપટું નામ અપાયું છે. સ્નેકિંગના પેકેટ તમને બધી જ જગ્યાએ મળી રહે છે. પેકેજડ ફૂડનું એક જબરદસ્ત મોટું માર્કેટ આખી દુનિયામાં ફેલાયેલું છે. એક આંકડા મુજબ એક વ્યક્તિ ફક્ત સ્નેકિંગ દ્વારા દિવસમાં ૫૮૦ કેલરી પેટમાં પધરાવે કરે છે.

પેકેટબંધ આ નાસ્તાઓમાં એવું શું નાખવામાં આવે છે જેને કારણે વ્યક્તિની હેલ્થ પર અસર પડે છે? ખાસ કરીને છેલ્લાં અમુક વર્ષોમાં મેટાબોલિક ડિસઓર્ડર જેમ કે ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, ઓબેસિટી, હાર્ટ-પ્રોબ્લેમ્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે તો આ સ્નેકિંગ અને આ રોગો વચ્ચે કોઈ કનેક્શન છે ખરું? આ બાબતે સ્પષ્ટતા કરતાં નિષ્ણાત ડાયાબેટોલોજિસ્ટ કહે છે કે લોકોને હરતાં-ફરતાં દિવસમાં ગમે ત્યારે અને મોડી રાત્રે પણ સ્નેકિંગની આદતો હોય છે અને સ્નેકિંગ માટે જે ઓપ્શન તેમની પાસે છે એ ૯૯ ટકા ઓપ્શન અનહેલ્ધી છે. પેકેટની ઉપર આપણે વાંચવાની આદત કેળવતા નથી અને વાંચ્યા પછી પણ એ સમજવાની આપણે કોશિશ નથી કરતા કે આ પેકેજ્ડ ફૂડ આપણને કઈ રીતે નુકસાન કરી શકે છે. દુ:ખની વાત એ છે કે લોકો ખોરાકની પસંદગી સ્વાદના આધારે કરે છે, હેલ્થના આધારે નહીં.

આજે જાણીએ આ પેકેજ્ડ ફૂડમાં એવા કયા પદાર્થો રહેલા છે જે શરીરને અત્યંત નુકસાનકારક સાબિત થાય છે.

રિફાઇન્ડ ગ્રેન્સ

સ્નેક્સ તરીકે સફેદ બ્રેડ, રોલ્સ, ગળ્યા લો-કેલરી કહેવાતાં સિરિયલ્સ, સફેદ ચોખા અને એની બનાવટો, વાઇટ પાસ્તા વગેરે પદાર્થો રિફાઇન્ડ ગ્રેન્સની કેટેગરીમાં આવે છે. ઘણા ખાદ્ય પદાર્થો પર લેબલ હોય છે કે એ ઘઉંના લોટના બનેલા છે અથવા સાત ધાનના બનેલા છે, પરંતુ એમાં મુખ્ય લોટ તરીકે મેંદો જ વાપરવામાં આવે છે. ઘણી વાર સફેદ બ્રેડ ઓટ્સ છાંટીને બનાવવામાં આવે છે તો ઘણી બ્રાઉન બ્રેડને ઘઉંના કલરવાળી બનાવવા માટે આર્ટિફિશ્યલ પદાર્થો નાખવામાં આવે છે અને આપણે એ હેલ્ધી છે એવું સમજી છેતરાઈ જઈએ છીએ.

આ રિફાઇન્ડ ગ્રેન્સ વિશે નિષ્ણાતો કહે છે કે ઘણાંબધાં રિસર્ચમાં પુરવાર થયું છે કે જે લોકો આ રિફાઇન્ડ ગ્રેન્સ ખાય છે એ લોકો પર આખા ધાન ખાનારા લોકોની સરખામણીમાં હાઈ કોલેસ્ટરોલ, હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ-અટેક, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે ફાંદની તકલીફ, ડાયાબિટીઝ જેવા રોગો થવાનું રિસ્ક ૨૦-૩૦ ટકા જેટલું વધારે રહે છે.

નમક

કોઈ પણ વસ્તુને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે એમાં વધુ મીઠું નાખવામાં આવે છે. એ એક પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને સ્વાદમાં વધારો પણ કરે છે. ભારતમાં સ્નેક્સને નમકીન શબ્દ આપવામાં આવ્યો છે, જેનો સીધો સંબંધ નમક એટલે કે મીઠા સાથે છે. સામાન્ય ખાવાના ઉપયોગમાં આવતા નમક કરતાં પણ વધુ સોડિયમ કેનમાં ભરેલા ખાદ્ય પદાર્થોમાં હોય છે. ફાસ્ટ ફૂડના પદાર્થોમાં પણ ખૂબ વધુ માત્રામાં સોડિયમ હોય છે.

મીઠામાં રહેલું સોડિયમ આપણને કઈ રીતે નુકસાનકારક છે એ સમજાવતાં તબીબો કહે છે કે વધુ સોડિયમથી કેન્સર થવાનું રિસ્ક ૧૫ ટકા વધે છે. વધુ સોડિયમને કારણે શરીરમાંથી કેલ્શિયમ ઓછું થઈ જાય છે, જેને લીધે નાની ઉંમરે ઓસ્ટિઓપોરોસિસ જેવા હાડકાના રોગ પણ થઈ શકે છે. આ ઉપરાંત ડિમેન્શિયા, સ્લીપ એપ્નીયા અને કિડની ડિસીઝ જેવા રોગો માટે પણ તે જવાબદાર બને છે. વધુ મીઠાને કારણે શરીર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ કરે છે, જેને કારણે ડાયાબિટીસનું રિસ્ક વધે છે.

આ ઉપરાંત જ્યારે શરીરમાં મીઠાનું પ્રમાણ વધે છે ત્યારે શરીર એક્સ્ટ્રા સોડિયમ લોહીમાં ભેળવી દે છે, જેના લીધે લોહીનું વોલ્યુમ વધી જાય છે અને હાર્ટને લોહી ધકેલવામાં ખૂબ મહેનત કરવી પડે છે. એટલું જ નહીં, આથી લોહીની નળીઓ સાંકડી થઈ જાય છે.

ટ્રાન્સ ફેટ્સ

ટ્રાન્સ ફેટ્સ હાઇડ્રોજીનેટેડ ફેટ્સ હોય છે. તળેલા ખાદ્ય પદાર્થોમાં આ હાઇડ્રોજીનેટેડ ફેટ્સ હોય છે જેને કારણે એ જલદી બગડતા નથી અને ખાદ્ય પદાર્થ એકદમ ક્રિસ્પી પણ બને છે. તળેલા નમકીન, ચિપ્સ સિવાય બેકરી પ્રોડક્ટ્સ જેમ કે પીત્ઝા, કેક, બિસ્કિટ, કુકીઝ વગેરેમાં પણ હાઇડ્રોજીનેટેડ ફેટ્સ હોય છે. અમુક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૮૦ ટકા ટ્રાન્સ ફેટ સ્ટ્રીટ ફૂડમાંથી આવે છે. એનો અર્થ એ થયો કે ચાટ, સમોસા, જલેબી, ભજિયાં વગેરે ટ્રાન્સ ફેટ્સથી ભરપૂર પદાર્થો હેલ્થને સીધી અસર કરે છે. વનસ્પતિ ઘી ભરપૂર માત્રામાં ટ્રાન્સ ફેટ્સ ધરાવે છે. આજે ૮-૯ વર્ષનાં બાળકોમાં કોલેસ્ટરોલ, ડાયાબિટીસ, લોહીની નળીઓમાં બ્લોકેજ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. એ માટે જવાબદાર તત્વ ટ્રાન્સ ફેટ્સ છે.

હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ

આજે કોઈ પણ ગળ્યા ખાદ્ય પદાર્થ બનાવવા માટે બહોળી માત્રામાં હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ વપરાય છે, જે બનાવવામાં સસ્તું પડે છે અને બીજા પદાર્થો સાથે એનો ટેસ્ટ ખૂબ સરળતાથી ભળી જાય છે. ફ્રોઝન ફૂડમાં એ વધુ માત્રામાં વપરાય છે. એ બ્રેડને બ્રાઉન કલર આપવા માટે અને સોફ્ટ બનાવવા માટે પણ વપરાય છે. એની શરીર પર અસર વિશે વાત કરતાં તબીબો કહે છે કે પ્રવાહી સ્વીટનર વ્યક્તિના મેટાબોલિઝમને અપસેટ કરે છે, જેથી ડાયાબિટીસ અને હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધી જાય છે.

રિસર્ચ કહે છે કે હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપનું કેમિકલ સ્ટ્રક્ચર એવું છે જેને કારણે વ્યક્તિ ઓવરઈટિંગનો શિકાર બને છે. એને કારણે લોહીમાં ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ વધી જાય છે, જે હાર્ટ માટે ખતરો બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter